સ્નેહનું પાણી, શુરનું પાણી, પોતાના પ્રચંડ પૂરનું પાણી, હસતું રમતું રણમાં દીઠું, સત અને સિંદુરનું પાણી, વાહ રે ભાઇ કચ્છનું પાણી…
કચ્છએ તો વિશિષ્ટતા, વિવિધતા અને વિરાટતાથી હર્યો ભર્યો રેતાળ પણ હેતાળ માનવીનો પ્રદેશ છે. એ હૈયાની હકુમતથી આગવી હેસિયતથી જીવવા માગે છે. તે પોતાનો અલગ અસ્તીત્વ વિરલ વ્યક્તિત્વ ધરાવતો મલક છે. કચ્છને જાણવા કે, માણવા માટે આંકડાકીય રમત કે નકશા દ્વારા માહિતીથી શક્ય નથી. એ ફક્ત સહાનુભૂમિ અને સહાય વડે જીતવાની ભોમકા નથી. એ તો છે એના રજકણોમાં રગદોડાઇ હૃદયના ધબકારથી અનુભવાતી અનોખી ધરા ! કચ્છને નપાણીયો મુલક કહેનારને રણનાં રમણીય સૌદર્યનો અનુભવ નથી. કાળા ડુંગરની કમનીયતાનો કયાસ નથી. કચ્છીઓના જીવનમાં વણાઇ ગયેલી કલા, વૈભવને પારખવાની તેમનામાં દ્રષ્ટિ નથી. આ એવો કોડીલો કામણગારો મલક છે. જ્યાંની કુલીનતામાં કચ્છીયત અસ્મિતા ઓગળી ગઇ છે. એકાકાર થઇ ગઇ છે.
કચ્છીઓના કરિશ્માતી કુળ, ગૌત્ર, ખાનદાન, રાશિ કે રક્ત જૂથની કોઇ પહેચાન માંગે તો તેઓ મક્કમતાથી કહેશે અહીંનું ગૌત્ર ગરડો છે. ખાનદાન ખડીર છે, બ્લડગ્રુપ બની છે, વર્ણ વાગડ છે અને કરણ કંઠી છે. યોગ યાહોમ કરીને પડો છે. નક્ષત્ર નફરતને દૂર ફંગોળી, નેહથી નાતો જોડવાનો છે. સિંધુમાં બિંદુ સમાય પણ બિંદુમાં સિંધુ સમાય એને પ્રત્યક્ષ જોવું હોય તો કચ્છી માડુના સંસ્કારને સમજવા પડે.
ઇતિહાસકારો માને છે કે, જગતના વિવિધ પ્રાંતોમાંથી આવેલા લોકોના સામૂહિક સ્થળાંતરોથી કચ્છ વસેલું છે. કાઠી, આહિર, જત તથા અન્ય પશુપાલક પ્રજા અહીં આવી વસી છે. ઉત્તરમાંથી સમા, સોઢા તથા સિંધી કબીલાઓ આવ્યા. પૂર્વમાંથી વાઘેલા અને મારવાડ, ગુજરાતથી ચારણ, બ્રાહ્મણ તથા વાણીયા આવ્યા. ભાટીયા તથા લોહાણા મુલતાન તથા સિંધથી આવ્યા. કચ્છ જાણે એક સંગમ તીર્થ. જેમાં વિવિધ પ્રાંતની વિવિધ નદીઓ સમાઇ એકરૂપ થઇ ગઇ. વિવિધ માનવ ફૂલોની ફૂલદાનીથી મહેકતા, ચહેકતા, ગહેકતા, ભિન્ન જાતિ અને ધર્મના લોકો, પ્રાદેશિક સંસ્કૃતિમાં દૂધમાં સાકર, ભળે એમ હળીમળી ભળી ગયા. અને તેમની એક જ અસ્મિતા ઓળખ રહી ‘કચ્છી’.
કચ્છનો અર્થ (સંસ્કૃતમાં) પાણીથી વિંટળાયેલો પ્રદેશ, અથવા કાચબો થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છ સમુદ્ર અને રણથી આવૃત પ્રદેશ છે. કચ્છની દક્ષિણે, નૈઋત્ય કોણમાં કચ્છનો અખાત અને પશ્ર્ચિમે અરબી સમુદ્ર ઘૂઘવે છે. ઉત્તરમાં પાકિસ્તાનની સીમાઓ, રણ પ્રદેશ, પૂર્વમાં ઉત્તર ગુજરાતને જોડતો રણ વિસ્તાર છે. આમ રણ અને મહેરામણ વચ્ચે ઝૂલતો, જાજરમાન કચ્છ પ્રદેશ આવેલ છે. રણ પણ કેવું? લેફ્ટનન્ટ બર્નસ પોતાના સંસ્મરણોમાં લખે છે તેમ “જેની જોડ ન જડે એવું.”
આ કચ્છ એટલે પ્રાચીન સંસ્કૃતિનો ધબકાર, શ્રીમદ્ ભાગવત અને મત્સ્યપુરાણ કચ્છને પુણ્યધામ કહે છે. અંદાજી દશ હજાર વર્ષ પૂર્વે બ્રહ્મર્ષિના પુત્ર દક્ષપ્રચેતનાએ નારાયણ સરોવર પાસે તપશ્ર્ચર્યા કરી હતી. આર્યાવર્તમાં તે વખતે પણ કચ્છ તિર્થધામ હતું. અને આજે પણ એટલું જ પુણ્ય સલીલા સ્થળ છે. આમ, પ્રાચિન સંસ્કૃતિનો સ્વામી કચ્છ.
પુરાતનકાળ સાથે તેને સંબંધ અનુબંધન છે. કચ્છમાં પ્રાચિન શિલાલેખો, પુરાતત્વીય અવશેષો, પ્રાચીન સ્થાપત્યો અને પરંપરાગત વસાહતો, ઠેર ઠેર જોવા મળે છે. મહાભારત, શ્રીમદ્ ભાગવત, પારિણીનું, અષ્ટટ્રયાયી, જૈન ગ્રંથ, આદિમાં કચ્છનો સુપેર ઉલ્લેખ મળે છે. મહાભારતમાં કચ્છ આભારી તરીકે ઓળખાયો છે. તો સિકંદરના સેનાપતિઓ કચ્છને આબરીયો કહ્યો છે. મોગલ ઇતિહાસમાં તેનો ઉલ્લેખ સલીમાનગર તરીકે થયો છે.
આજના ટેકનોલોજીના ટેરવે પણ તમસ બાજી જાય એવી ટેકનીક રામસિંહ માલમે વિકસાવી હતી. તો વિદેશીઓ પણ વિચારતા થઇ જાય એવી માટીના ઘાટની કમાલ સ્વ.બુઢાચાચાએ દેખાડી હતી. લોક વાદ્ય માંય કચ્છની અનેરી શાન છે. નામષેણ થતાં લોક વાદ્ય ડફ મોરચંગ ફાની જેવા કર્ણપ્રિય વાદ્યો સાંભળવા તો કચ્છ જ જવું પડે. આમ, કચ્છની અસ્મિતાને શબ્દોમાં કેદ કરવી કઠીન છે.
આવતીકાલે અષાઢી બીજની ઉજવણી ઠેર-ઠેર કરવામાં આવશે.કચ્છમાં આષાઢી બીજ નું મહત્વ ખૂબ મોટું છે કચ્છી નવા વર્ષ તરીકે અષાઢી બીજ ને ઉજવવામાં આવતું હોય છે.આકાશમાં ગાજવીજ સાથે વીજળી થતાં ખેડૂતો ખેતી કરવાની તૈયારીઓ કરે છે.મગફળી ની બીજ લેવાનું શરૂ કરે છે આકાશમાં વીજળી થાય તેમ સૂકનનો સંકેત ગણવામાં આવે છે. ખેડૂતોમાં આનંદ જોવા મળે છે.કચ્છમાં લોકો અષાઢી બીજની ઉજવણીમાં સાંજે મીઠી ભાત બનાવે છે.સાથોસાથ હર્ષઉલ્લાસ સાથે સાલ મુબારક કહી એકબીજાના ગળે મળતા હોય છે.