૧૫ ગામોના ૭૫ તેજસ્વી તારલાઓને નયારા એનર્જી લિ. દ્વારા સ્કોલરશીપ અર્પણ: ઝળહળતી કારકિર્દી માટે ડીરેકટર સી.મનોહરને વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા
નયારા એનર્જી લિ.ની વાડીનાર રિફાઈનરી નજીકમાં રહેલા ૧૫ ગામોના ૭૫ તેજસ્વી વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને ગ્રામ શિક્ષા કાર્યક્રમ હેઠળ સ્કોલરશીપ આપવામાં આવી હતી. ગામોના તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાના આ કાર્યને સરપંચો તથા વાલીગણે બિરદાવ્યું હતું.
નયારા એનર્જી લિ.ની રિફાઈનરીના વિશાળ હોલમાં તેજસ્વી તારલાઓને બિરદાવવાની સાથે સ્કોલરશીપથી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગ્રામ શિક્ષા પ્રોજેકટ હેઠળ ૧૫ ગામોમાં છ વર્ષથી લઈ ૩૫ વર્ષ સુધીની ઉંમરના લોકોને જોડી વિવિધ શૈક્ષણિક પ્રવૃતિ હાથ ધરવામાં આવી રહી છે. શૈક્ષણિક પ્રવૃતિ અંતર્ગત સ્કોલરશીપ આપવા માટે ૧૫ ગામોના વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવાઈ હતી. જેમાં ૧૬૩ વિદ્યાર્થીનીઓ અને ૧૭૫ વિદ્યાર્થીઓ મળી કુલ ૩૩૮ અરજીઓ મળી હતી. આ અરજીઓના પૃથ્થકરણ બાદ મેરિટના આધારે ૩૯ વિદ્યાર્થીનીઓ અને ૩૬ વિદ્યાર્થીઓ મળી કુલ ૭૫ તેજસ્વી તારલાઓની પસંદગી કરવામાં આવી હતી.
ગામ મુજબ તેજસ્વી વિદ્યાર્થીઓમાં કજુરડાના ૪, મોટા મોઢાના ૬, ભરાણાના ૭, નાના માંઢાના ૪, ટીંબડીના ૪, વાડીનારના ૭, પરોડિયાના ૩, મોડપરના ૬, રાસંગપરના ૫, મીઠોઈના ૫, જાખરના ૫, વડાલિયા સિંહણના ૫, કાઠી દેવળિયાના ૪, સોઢા તરઘડીના ૩ અને સિંગચના ૭નો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ઝળહળતી કારકિર્દી હાંસિલ કરે તેવી શુભેચ્છા આપતા નયારા એનર્જી લિ.ના ડીરેકટર સી.મનોહરને જણાવ્યું હતું કે નયારા એનર્જી અને ગામોના વિદ્યાર્થીઓ વચ્ચે અનેરો સેતુ રચાયો છે. જે સેતુના માધ્યમથી વિદ્યાર્થીઓ પ્રગતિના સોપાન સર કરી દેશને અગ્રિમ હરોળમાં લાવવામાં યોગદાન આપશે.
વાડીનાર પાવર કોર્પોરેશન લિ.ના હેડ કે.બી.માકડીયાએ તેમના વતન શાપર ગામના અભ્યાસ તથા સ્કોલરશીપ અંગેના સ્વાનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે કોઈ શું કહે છે, શું કહેશે ? એવું વિચારવાને બદલે એક ગોલ નકકી કરી તેના પર જ મહેનત કરવી જેથી સેવેલા સપનાઓ સાકાર કરી શકાય. સુરક્ષા વિભાગના હેડ પ્રભંજન દીક્ષીતે વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા અંગે જાણકારી આપી જીવનમાં સુરક્ષા સંબંધી નિયમોનું પાલન કરવા શીખ આપી હતી.
આ કાર્યક્રમમાં નયારા એનર્જી લિ.ના મેઈન્ટેનન્સ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રામબાબુ પોત્લુરી, સિકયુરિટી વિભાગના હેડ ટી.રઘુરામન, સીઆરજી વિભાગના હેડ અનિલ વિશ્ર્વંભરમ, એડમિનિસ્ટ્રેશન વિભાગના હેડ વિક્રમ સિંહા તેમજ ગામોના સરપંચો અને સ્કોલરશીપ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.