ઓબીસીમાંથી કવોટા ફાળવવા મામલે પાસ સતત કોંગ્રેસના સંપર્કમાં
વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરાની સંપૂર્ણ તૈયારીઓ થઈ રહી છે. તાજેતરમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે કોંગ્રેસને મેન્યુફેસ્ટોમાં ઓબીસીમાંથી અનામતની જાહેરાત કરવાની તાકીદ કરી હતી.
જો કે, હાલ તો કોંગ્રેસના મેન્યુફેસ્ટોમાં ઓબીસીમાંથી અનામતનો મુદ્દાનો સમાવેશ થાય તે જણાતું નથી.
સુત્રોના જણાવ્યા મુજબ પાસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે આ મુદ્દે અનેક વખત ચર્ચા થઈ ચૂકી છે. જો કે, કઈ પ્રકારે ઓબીસીમાંથી અનામત અપાશે તે મુદ્દે હજુ સત્તાવાર ફોડ પાડવામાં આવ્યો નથી.
કોંગ્રેસે આપેલું અનામતનું વચન ઓબીસી કવોટામાંથી છે કે નહીં તે મુદ્દે પણ હજુ યોગ્ય ખુલાસો થયો નથી. હાર્દિક પટેલ સીવાયના આંદોલનકારીઓ ઓબીસી કવોટામાંથી અનામતની માંગણી કરી રહ્યાં છે.
પાસ આ મુદ્દે કોંગ્રેસના આગેવાનો સાથે સતત સંપર્કમાં છે. ઓબીસી કવોટામાંથી પાટીદારોને અનામત અપાય તો ઓબીસી સમાજ કોંગ્રેસથી નારાજ થાય તેમ છે જયારે ઓબીસી કવોટામાંથી નહીં અપાય તો પાટીદાર સમાજના મત કોંગ્રેસના હાથમાંથી સરકી શકે તેમ છે.