કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં શુક્રવારે ડાબેરી ઉગ્રવાદ પર સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, તેમના નાયબ દેવેન્દ્ર ફડણવીસ, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી અને ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન પણ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં ડાબેરી ઉગ્રવાદ અથવા નક્સલવાદને સંપૂર્ણપણે ખતમ કરવાના રોડમેપ પર ચર્ચા કરવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ દિલ્હી ખાતે ડાબેરી ઉગ્રવાદને લઈને સમીક્ષા બેઠક યોજી, છેલ્લા 7 વર્ષમાં ઉગ્રવાદની ઘટનામાં ઘટાડો થયો હોવાના આંકડા કર્યા જાહેર
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં ડાબેરી ઉગ્રવાદની સમીક્ષા બેઠક દરમિયાન કહ્યું હતું કે બે વર્ષમાં ભારતમાંથી ડાબેરી ઉગ્રવાદને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવશે. તેમણે સમીક્ષા બેઠકમાં એ પણ જણાવ્યું કે, છેલ્લા 4 દાયકાની સરખામણીમાં વર્ષ 2022માં ડાબેરી ઉગ્રવાદના વિસ્તારોમાં સૌથી ઓછી હિંસા અને મૃત્યુ નોંધાયા છે. ગૃહમંત્રીએ કહ્યું કે નક્સલવાદ માનવતા માટે અભિશાપ છે અને અમે તેને તેના તમામ સ્વરૂપોમાં જડમૂળથી ઉખેડી નાખવા માટે પ્રતિબદ્ધ છીએ.
અધિકારીઓએ સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓના પરિણામે 2010ના ઉચ્ચ સ્તરની સરખામણીમાં 2022માં ડાબેરી ઉગ્રવાદની હિંસક ઘટનાઓમાં 77 ટકાનો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન સુરક્ષા દળો અને નાગરિકોના મૃત્યુની સંખ્યામાં પણ 90 ટકાનો ઘટાડો થયો છે. માહિતી અનુસાર, 2004 થી 2014 સુધીમાં, ડાબેરી ઉગ્રવાદને લગતી 17,679 ઘટનાઓ અને 6,984 લોકોના મોત થયા. તે જ સમયે, 2014 થી 2023 (15 જૂન, 2023 સુધી) ડાબેરી ઉગ્રવાદને લગતી 7,649 ઘટનાઓ અને 2,020 મૃત્યુ થયા છે.