શાકભાજીના પૈસાની લેતી-દેતીનાં પ્રશ્ને તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો‘તો
કોટડાસાંગાણી તાલુકાનાં નવાગામ (રામપરા) ગામે નવ વર્ષ પહેલા શાકભાજીનાં પૈસાની લેતી-દેતીનાં પ્રશ્ર્ને ધંધાર્થીની હત્યાની કોશિષનાં ગુનાનો કેસ ગોંડલની અદાલતમાં ચાલી જતા ન્યાયાધીશે ત્રણ સગા ભાઈ અને મહિલાને તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ કોટડાસાંગાણી તાલુકાનાં નવાગામ (રામપરા) ગામે રહેતા બાલાભાઈ વિરાભાઈ ડેર નામના શાકભાજીનાં ધંધાર્થી સાથે પૈસાની લેતી-દેતીનાં પ્રશ્ર્ને ગત તા.૪/૮/૨૦૧૦નાં રોજ ગામનાં જ બાબુ રામ ભુવા તેની પત્ની રેખાબેન બાબુભાઈ, લુણસી રામ ભુવા, જેઠા રામ ભુવાએ તલવાર અને કુહાડી જેવા ઘાતક હથિયારો સાથે ખુની હુમલો કર્યાની કોટડાસાંગાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પોલીસે મહિલા અને ત્રણ સગા ભાઈની ધરપકડ કરી છે. તપાસ પૂર્ણ થતા ગોંડલની અદાલતમાં ચાર્જશીટ રજુ કરતા કેસ કમિટ કરવામાં આવ્યો હતો.
કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બંને પક્ષોની રજુઆત બાદ ૨૪ સાહેદોને તપાસવામાં આવેલા હતા તેમજ ફરિયાદી અને નજરે જોનાર તેની પુત્રીની જુબાની અને સરકારી વકીલ ઘનશ્યામભાઈ ડોબરીયાની દલીલ ધ્યાને લઈ મહિલા અને ત્રણેય સગાભાઈને કલમ ૩૦૭નાં ગુનામાં તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે.