સસ્પેન્ડ હોવા છતા જામનગરના નેવલ બેઝમાં ઘૂસી 31 મોબાઈલની ચોરી કરી !!
ગુજરાત પોલીસે ઉમેશ કુમાર નામના એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક ભારતીય સેનામાં નાવિક તરીકે કાર્યરત હતો. તેના પર આરોપ છે કે મુંબઈ સ્થિત હેડક્વાર્ટર્સમાં તેણે ગેરકાયદેસર ધોરણે પોતાના બે ભાઈઓને રાખ્યા હતા. આટલુ જ નહીં, તેણે જામનગરના નેવલ બેઝ ખાતે 31 મોબાઈલ ફોનની ચોરી કરી હતી. સસ્પેન્ડ કર્યો હોવા છતાં તે કેમ્પમાં ઘૂસી ગયો હતો.
જામનગરમાં આવેલા ભારતીય સેનાના નેવલ બેઝ ખાતે તાલીમાર્થીઓના 31 મોબાઈલ ફોન ચોરી કરવાના આરોપસર ઉમેશ કુમાર નામના ભારતીય સેનાના નાવિકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઉમેશ કુમાર વિરુદ્ધ છેતરપિંડી, બનાવટ સહિતના વિવિધ આરોપ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી અને સસ્પેન્ડ કરવામાં આવ્યો ત્યારપછી આ ચોરીનો પણ ઘટસ્ફોટ થયો હતો. આટલુ જ નહીં, ઉમેશ કુમાર પર આરોપ છે કે તે મુંબઈ સ્થિત નેવલ ક્વાર્ટર્સમાં પોતાના સ્વજનોને ગેરકાયદેસર રીતે રહેવામાં મદદ કરતો હતો.
28મી નવેમ્બરના રોજ ગુજરાત પોલીસે જામનગરથી ઉમેશ કુમારની ધરપકડ કરી હતી અને તેને ભારતીય નેવીને સોંપી દીધો હતો. આ સમગ્ર ઘટના ગયા વર્ષે 18મી નવેમ્બરના રોજ સામે આવી હતી. ઉમેશ કુમાર મૂળ હરિયાણાના માનગઢનો છે. ગયા વર્ષે ભારતીય નૌસેનાના અન્ય એક નાવિક ધિરેન્દ્રકુમાર બેહરુકે આરોપ મૂક્યો હતો કે ઉમેશ પોતાના ભાઈ રાહુલ કુમાર તેમજ પિતરાઈ રોહિત કુમારને ગેરકાયદેસર રીતે નેવી ક્વાર્ટર્સમાં રાખે છે. આરોપ અનુસાર, જૂન મહિનાથી નવેમ્બર મહિના સુધી કોલાબા વિસ્તારમાં આવેસા ન્યુ નેવી નગરમાં આ બન્નેને રાખવામાં આવ્યા હતા.
ફરિયાદ અનુસાર, આ ક્વાર્ટર્સ નેવીના જે કર્મચારીઓ પરીણિત છે તેમને જ ફાળવવામાં આવે છે. જ્યારે નૌસેનાના કર્મચારી ઓનલાઈન અરજી દાખલ કરે અને લગ્નનું પ્રમાણપત્ર જમા કરાવે તો જ ઘર ફાળવવામાં આવે છે. એક સીનિયર પોલીસ અધિકારી જણાવે છે કે, ઉમેશની પોસ્ટિંગ મુંબઈમાં આઈએનએસ એન્ગ્રે ખાતે કરવામાં આવી હતી. તેને જૂન, 2022માં આરફાઈવ/ઓસી ફ્લેટ મળ્યો હતો. તેના ભાઈઓ જે ડિલિવરી બોય તરીકે કામ કરે છે તે પણ અહીં રહેતા હતા. પછી ઉમેશને તમિલનાડુ ટ્રાન્સફર કરવામાં આવ્યો, પરંતુ તેના ભાઈઓએ ફ્લેટમાં રહેવાનું ચાલુ રાખ્યું. નેવીના અમુક કર્મચારીઓને શંકા ગઈ કે કંઈક તો રંધાઈ રહ્યું છે, માટે તેમણે સીનિયર અધિકારીઓને ફરિયાદ કરી અને પછી પોલીસ ફરિયાદ કરવામાં આવી.
કમાન્ડર દ્વારા ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો અને પછી ઉમેશ કુમારના ક્વાર્ટર્સની તપાસ માટે વોરન્ટ પણ ઈશ્યુ કરવામાં આવ્યું. નેવીના અધિકારીઓએ 8મી નવેમ્બરના રોજ તપાસ હાથ ધરી તો જોયું કે નેમપ્લેટ પર રાહુલ કુમારનું નામ લખવામાં આવ્યું છે. ક્વાર્ટર મેળવવા માટે જે દસ્તાવેજ જમા કરાવવામાં આવે છે તેના પરથી જાણવા મળ્યું કે ઉમેશ અને રાહુલનું સરનામું એક જ છે. અધિકારીએ રાહુલ કુમારના પિતાને બોલાવ્યા તો જાણવા મળ્યું કે ઉમેશનો કોઈ અતોપતો નથી. જો કે તેમણે ખુલાસો કર્યો કે રાહુલ 10મી નવેમ્બરના રોજ મુંબઈથી જયપુર જવાનો છે.
નેવીના અધિકારીઓ તાત્કાલિક મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પહોંચ્યા અને રાહુલ કુમારને ઝડપી લીધો. એફઆઈઆર અનુસાર, પૂછપરછ દરમિયાન રાહુલ કુમારે જણાવ્યું કે ઉમેશે તેને અને રોહિતને મુંબઈ બોલાવ્યા હતા અને રહેવા માટે તે જગ્યા આપી હતી. રાહુલની બેગમાંથી પોલીસને ભારતીય નેવી દ્વારા ઈશ્યુ કરવામાં આવેલું એક ઓળખપત્ર પણ મળી આવ્યું. આ સિવાય વિવિધ રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા હતા. ફેક મેરેજ સર્ટિફિકેટ પણ મળી આવ્યુ હતું. પોલીસે ઉમેશ, રાહુલ અને રોહિત વિરુદ્ધ વિવિધ આરોપસર ફરિયાદ દાખલ કરી છે.
આ દરમિયાન જ્યારે ઉમેશને લાગ્યું કે તે મુશ્કેલીમાં મૂકાયો છે તો તે દિલ્હી ફરાર થઈ ગયો હતો. સસ્પેન્ડ હોવા છતાં તે જામનગરના આઈએનએસ વાલસુરામાં પ્રવેશ્યો હતો. અહીંથી તે બેરેકમાં ગયો અને 31 મોબાઈલ ફોનની ચોરી કરી હતી. આ કેસ ગુજરાત પોલીસને સોંપવામાં આવ્યો જેમણે 28મી નવેમ્બરના રોજ ઉમેશની ધરપકડ કરી હતી.