નવસારી: વનકવચ એટલે શહેરી વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં રહેલી પડતર જમીનમાં ઝડપથી નાનું વન નિર્માણ કરવાની પદ્ધતિ – રોડરસ્તાનું બાંધકામ માળખાકિય વિકાસ માટે જરૂરી છે, પરંતુ આ જરૂરીયાત પુરી કરવા પર્યાવરણને આડકતરી રીતે ઘણું નુકશાન થતું હોય છે. આ નુકશાની અંગે જાગૃત બની તેની ભરપાઇ કરવાના સજાગ પ્રયત્નો નવસારી જિલ્લા ખાતે હાથ ધરવામાં આવી રહ્યા છે. જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ નેશનલ હાઇવેના નિર્માણની સાથે રસ્તાની બન્ને બાજુ થઇ રહેલા વનોનું નિર્માણ છે. વનોનું નિર્માણ કુદરતી રીતે થયેલું હોય તેવી જ ધારણા દરેકના મનમા હોય છે, પરંતુ માનવીઓ દ્વારા પણ વનોનું નિર્માણ શક્ય છે. આજના ઝડપી યુગમાં જ્યાં માનવીઓને દરેક વસ્તુ ઝડપથી થઇ જાય તેવી જોઇતી હોય છે ત્યારે જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મીયાવાંકીની વનીકરણ પદ્ધતિ વનોના ઝડપી નિર્માણ માટે ભરોસાપાત્ર પધ્ધતિ છે. જેને ભારત દેશમાં જ નહિ સમગ્ર વિશ્વમાં અપનાવવામાં આવી રહી છે.
વસુધૈવ કુટુંબકમની ભાવના તથા ભવિષ્યની તૈયારી સાથે દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતને વધુ હરિયાળું બનાવવાની નેમ મુખ્યમંત્રીશ્રી ભુપ્રેન્દ્રભાઇ પટેલ દ્વારા લેવામાં આવી છે. આ હેતુથી જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મીયાવાંકીની વનીકરણ પદ્ધતિને લક્ષ્યમાં રાખી ગુજરાત વનવિભાગ દ્વારા ‘વનકવચ’ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. નવસારી જિલ્લા વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી ભાવના દેસાઈએ નવસારી જિલ્લામાં વનકવચ પધ્ધતિથી તૈયાર થતા વનો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં વિવિધ જગ્યાઓએ વનકવચ પધ્ધતિથી વનો ઉભા કરવામાં આવી રહ્યા છે. જે પર્યાવરણ, પશુ પક્ષીઓ અને વન્યસંપદા માટે ફાયદાકારક સાબીત થશે. જે પૈકી જાનકીવન ખાતે, આરક સિસોદ્રા ખાતે, સીમળગામ ખાતે તેમજ ગણદેવા એક્સપ્રેસ હાઇવે પાસે વનકવચ વિકસી રહ્યા છે.
આ વનમાં અંદાજીત કુલ ૬૦૦૦૦ રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. બોક્ષ-૧ શુ છે વનકવચ? વનકવચ એ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં રહેલી પડતર જમીનમાં હરિયાળી વધારવા માટે તથા આવી પડતર જમીનમાં ઝડપથી નાનું વન નિર્માણ કરવાની પદ્ધતિ છે. એક નાનકડી જગ્યામાં પણ ઘનિષ્ઠ વાવેતર કરી શરૂઆતના ૨ વર્ષ નિયમિત તેની સારસંભાળ લઈ પરિપક્વ બનાવવામાં આવે છે. એધલ બીટગાર્ડ રચના પટેલે વૃક્ષારોપણની પધ્ધતિ સમજાવતા જણાવ્યું હતું કે, આ પધ્ધતિમાં ત્રણ સ્તર મુજબ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. જેમાં પહેલા સ્તર માટે વડ,પીપળો,ખાટી આંબલી,ઉંબરો,રાયણ, મહુડો, વગેરે પ્રકારના ઉચ્ચસ્તરીય રોપા, બીજા સ્તર માટે વાયવરણો, કૈલાસપતિ, બીલી, કદમ, સરગવા, વગેરે પ્રકારના મધ્યમ સ્તરીય રોપા અને ત્રીજા સ્તર માટે સતાવરી, અરડૂસી, કરમદા,કૃષ્ણ કમળ, સફેદ ચિત્રક, નગોડ વગેરે પ્રકારના નિમ્ન સ્તરીય રોપાની પસંદગી કરવામાં આવી છે. આટલું જ નહી હાઇવેની પહેલી લાઈન સુશોભન પ્રકારના વૃક્ષોથી આચ્છાદિત છે. જેવાકે કંચનાર,ગરમાળો, બોગનવેલ, કૈલાસપતિ, કરેણ, ગીરીપુષ્પ, તામ્રપત્રી,સીતાઅશોક, પીન્કેશીયા વગેરે જેવા વૃક્ષો આકાર પામી રહ્યા છે, અને સાથે સાથે વનકવચમાં વૈવિધ્ય સભર જીવસૃષ્ટિ પણ પાંગરી રહી છે.
આ વનકવચમાં અલગ અલગ ૨૨ પ્રકારના પતંગિયા જેવા કે કોમન જેજેબલ, લાઇમ બટરફ્લાય, ઇવનિંગ બ્રાઉન, કોમન પાઈરેટ, બ્લુ પેન્સી, પ્લેન ટાઇગર, કોમન ક્રો, ડેનેડ એગ્ફ્લાય, કોમન સેઇલર, કોમન મોર્મોન, કોમન એમિગ્રાંટ, મોટલ્ડ એમિગ્રાંટ, વગેરે જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ૫૦ થી વધુ પ્રકારના પક્ષીઓ જેવાકે સિપાઈ બુલબુલ, નાનો રાજાલાલ, દૂધરાજ, સમડી, શકરો, પોપટ, તાલિયો હોલો, ચાતક, કાગડીયો કુંભાર, કોયલ, ઇન્ડિયન રોલર, કલકલિયો, નાનો પતરંગો,તારોડિયુ, દિવાળી ઘોડો,હડીયો, ટપકીલી નાચણ, દેવ ચકલી, દૈયડ, વીડ ધાનચીડી, કંસારો,ઘંટી ટાકણો, ફૂલ સુંઘણી, બગલો, સનબર્ડ, ચકલી, કાળોકોશી, ટપુસિયું વગેરે પ્રકારના પક્ષીઓ જોવા મળી રહ્યા છે. આમ નાના આરબોરેટમ નવસારી જીલ્લામાં વિકાસ પામી રહ્યા છે. બોક્ષ-૨ વનકવચ પધ્ધતિના મુખ્ય સિદ્ધાંતો -જમીનમાં જરૂરી માટીકામ કરી જમીનની ફળદ્રુપતા વધારવી -જમીનમાં પાણી અને ભેજનો સંગ્રહ કરવો. -યોગ્ય સમયે ઓછા અંતરે ત્રણ સ્તરમાં ગીચ વાવેતર કરવું -પરસ્પર આંતરસ્પર્ધાનાં કારણે વનસ્પતિની ઝડપી વૃદ્ધિ -વનકવચ માટે ફક્ત સ્થાનિક જાતોને જ પ્રાધાન્ય -કુદરતી વનોની જેમ જ વાવેતર પરિપક્વ થઈ વિકાસ પામે તેવું આયોજન કરવું વનકવચ પધ્ધતિ હેઠળ સ્થાનિક જાતોને જ પ્રાધાન્ય આપવામાં આવે છે.
જેને લઇને નવસારી જિલ્લામાં વન વિભાગ દ્વારા ૮૦ થો ૯૦ પ્રકારના સ્થાનિક વૃક્ષોની પસંદગી વનકવચ માટે કરવામાં આવી છે. વનકવચ માટે સૌ પ્રથમ જમીન અનુસાર ખાડા ખોદવામાં આવે છે. સમતલ સપાટ અને ઢોળાવવાળી જમીનમાં ભૌગોલીક પરિસ્થિતી અનુસાર ખાડા ખોદવામાં આવે છે. નકામા ઝાંડી ઝાખરા સાફ કરી ૪-૪ મીટરના અંતરએ વૃક્ષના પ્રકાર પ્રમાણે ૫૦ અને ૩૦ સેમીના ખાડા ખોદવામાં આવે છે. વનકવચ માટે ત્રણ લેયરમાં રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવે છે. ઉચ્ચ સ્તર, મધ્યમ અને નિમ્ન સ્તર. વન કવચમાં વૃક્ષારોપણ બાદ ૨થી ૩ વર્ષ સુધી નિયમિત પાણી આપવાથી વૃક્ષોનો સમુહ એક નાનકડા વન રૂપે વિકાસ પામે છે. બોક્ષ-૩ વનકવચ પદ્ધતિના ફાયદા – વનકવચ પદ્ધતિથી તૈયાર કરેલ વનો 30 ગણા ગાઢ તથા 10 ગણા ઝડપથી વિકસે છે. આ પ્રકારના વનો પ્રદુષણને અટકાવે છે તથા વાતાવરણને શુદ્ધ બનાવે છે. આ પદ્ધતિમાં વૃક્ષો એકબીજાની નજીક વાવવામાં આવેલ હોવાથી, વૃક્ષોના મૂળ જમીનને પકડી રાખે છે તેથી જમીનનું ધોવાણ અટકે છે. આ વૃક્ષો એકબીજાને સીધા સુર્યપ્રકાશથી પણ બચાવે છે. આવા વનોમાં જૈવ વિવિધતા વિકસે છે. બે વર્ષના ટુંકા ગાળામાં જ વિકાસ પામેલ વનકવચ જુદા-જુદા પ્રકારના પશુ પક્ષીઓનું આશ્રયસ્થાન બની જાય છે અને જમીન જીવંત થઈ જાય છે.
આ પદ્ધતિથી ઘરોની આસપાસની જગ્યાને નાના બગીચા અથવા વનમાં ફેરવી શકાય છે. જે શહેરો માટે ખુબજ ફાયદાકારક પ્રવૃત્તિ તરીકે ગણી શકાય છે. વનકવચ પદ્ધતિથી શહેરી વિસ્તારોમાં આવેલ મકાનોની આસપાસ તેમજ અન્ય નાની નાની જ્ગ્યાઓમાં ઝડપથી કુદરતી વનો ઊભા કરવામાં આવે છે જે માનવ જીવનની ગુણવત્તામાં સકારાત્મક પરિવર્તન લાવે છે. નોંધનિય છે કે, છેલ્લા ઘણા વર્ષોમાં નવસારી જિલ્લા સહિત રાજ્યના વન વિસ્તાર બહારના વિસ્તારમાં સામાજિક વનીકરણ વાવેતર દ્વારા સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આ વન વિસ્તાર વધારવા અને ટકાવી રાખવા નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણથી લઇ વૃક્ષોની જાળવણી સુધીની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. વન, પૃથ્વીનું સાચું ધન છે ત્યારે વધતા જતા પ્રદુષણ અને મોસમી ફેરફારો વચ્ચે આજે પૃથ્વી ધીરેધીરે ક્ષીણ થઇ રહી છે. જેને કઇ રીતે અટકાવવું એ મનોમંથન જરૂરી બની ગયું છે.