ભારત એ ખેતી પ્રધાન દેશ છે. દેશમાં અલગ અલગ જગ્યા પર વિવિધ પાક લેવામાં આવે છે. હવે ટેક્નોલોજીના સથવારે ખેતીનો વ્યાપ અને વિકાસ વધ્યો છે. નવા હાઈબ્રિજ બિયારણ, નવી પદ્ધતિ અને માલ વેચાણ માટેના નવા રસ્તા ખૂલતાથી ખેડૂતોને રાહત થઈ છે, અને વિવિધ નવા પાકોની ખેતી કરવા પ્રેરાયા છે.
તરબૂચની વાત આવે તો બધા ને તાઈવાનના તરબૂચ યાદ આવે. તરબૂચની ખેતી ઘણા સમયથી ભારતમાં અને ગુજરાતમાં થાય છે. નવસારી જિલ્લાથી 21 કિ.મી. દૂર જલાલપોર તાલુકાના ચીજ ગામમાં તાઈવાનના તરબૂચને ટક્કર આપે તેવા તરબૂચનું વાવેતર કરવામાં આવે છે. ચીજ ગામમાં ધર્મેશભાઈ ભગુભાઈ પટેલ દ્વારા આધુનિક ટેક્નોલોજીથી તરબૂચની ખેતી કરવામાં આવે છે.
ધર્મેશભાઈ દ્વારા એક એકરમાં મલ્ચીંગ પધ્ધતિથી તરબૂચનું વાવેતર કરી 3 મહિનાની અંદર 8 ટનનું ઉત્પાદન મેળવે છે. આ મધમીઠા તરબૂચની ખેતી થકી ખેડૂતો માટે આર્થિક સમૃધ્ધિના દ્વાર ખુલ્યા છે.
આ સાથે મેંદરડા તાલુકાના દાત્રાણા ગામના એક ખેડૂત મહેશભાઈ વઘાસીયાએ તરબુચ અને ટેટીની ઓર્ગેનિક ખેતી કરી હતી. જેમાં ખેડૂતે 5 વિઘામાં નવતર પ્રયોગ કરી આશરે 60 ટન જેટલા અનાનસ જેવા સ્વાદ વાળા પીળા તરબુચનું ઉત્પાદન કરી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ તરબૂચ હાલમાં મેંદરડા સહિત સમગ્ર સોરઠ પંથકમાં આશ્ચર્ય ફેલાવ્યું છે, અને તેનો સ્વાદ માણવા લોકો આતુર બન્યા છે.
આ નવતર પ્રયોગ ખેતી વૈજ્ઞાનિકોને પણ વિચારતા કરી દીધા છે, ત્યારે આ અંગે મહેશભાઈ વઘાસીયા તેમજ પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, ‘સામાન્ય રીતે તરબૂચનો કલર અંદરથી લાલ હોય છે. પરંતુ તેઓએ ઓર્ગેનિક પદ્ધતિથી અને ઓછા પાણીએ પીળા કલરના અનાનસના સ્વાદ વાળા તરબૂચનું આશરે 60 ટન જેટલું ઉત્પાદન કર્યું છે. આ તરબૂચ જોતા લોકો આશ્ચર્ય ચકિત થઈ રહ્યા છે, પરંતુ તેની પાછળ અમારી કોઠાસૂઝ, અને સખત મહેનત રંગ લાવી છે.’