જૂની અદાવતનો ખાર રાખી છરીના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધું : હત્યારાને પકડવા પોલીસની તજવીજ
જૂનાગઢમાં નવરાત્રી રક્તરંજિત બની છે. જૂની અદાવતમાં વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર જીવા સોલંકીના પુત્ર હરેશ સોલંકીએ એક યુવાનને છરીના સંખ્યાબંધ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે મૃતક યુવાનની માતાની ફરિયાદ પરથી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. જ્યારે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
બનાવની વિગતો મુજબ શહેરના રાજીવનગરમાં રહેતો હરેશ જીવાભાઇ સોલંકી નામના શખ્સ મરનાર જયેશ ઉપર તેના જ ઘરમાં છરીના સંખ્યાબંધ ઘા ઝીંકીને હત્યા નિપજાવી હતી.વોર્ડ નં. 15ના ભાજપના કોર્પોરેટરનો પુત્ર હરેશ સોલંકી હત્યા બાદ નાસી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોવાનું જાણવા મળેલ છે.જયેશને પીઠ સહિતના શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.આ અંગેની જાણ થતાં ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.હત્યા પાછળનું ચોક્કસ કારણ આવેલ નથી. પરંતુ જૂની અદાવત નો ખાર રાખી યુવાનને મોતને ઘાટ ઉતારીયા હોવાનું સામે આવ્યું છે.મૃતક યુવકના માતા મંજુલાબેન ઉગાભાઇ પાતરે હરેશ જીવાભાઇ સોલંકી સામે જયેશની હત્યાની ફરિયાદ કરતા એ-ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.મરનાર યુવાન તેના પરિવારમાં સૌથી નાનો પુત્ર હતો. મૃતક જયેશ પાતરને સંતાનમાં બે દિકરી હોવાનું જાણવા મળેલ છે. યુવાનની હત્યાના બનાવથી આંબેડકરનગર વિસ્તારમાં રાત્રે સોપો પડી ગયો હતો. વિશેષ તપાસ એ-ડીવીઝનના પી.આઇ. એમ.એમ.વાઢેર ચલાવી રહ્યા છે.જ્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ મૃતક યુવાનને આરોપીએ સમાધાન માટે પોતાના ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાઈને તેને છરીના સંખ્યાબંધ ઘા ઝીંકી દેતા તે લોહી લુહાણ હાલતમાં પોતાના ઘરે પહોંચ્યો હતો. પરંતુ ત્યાં તેનો ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.