મહિષાસુર સાથે નવ-નવ દિવસ યુધ્ધ કર્યા બાદ મા દુર્ગાનો વિજય થયો
નવરાત્રિના દિવસો એટલે શકિતની ઉપાસના કરવાના દિવસો. આસો સુદ એકમથી નોમ સુધીના નવ દિવસો. નવરાત્રિના આસો મહિનામાં આવતા આ નવરાત્રિ ઉત્સવ માટે એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે. મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. બ્રહ્મા પાસેથી તેણે વરદાન મેળવ્યું કે હું કોઈજ મનુષ્યથી ન મરૂ. એ પછી તેણે ત્રિલોકમાં હાહાકાર મચાવી દીધો. દેવો અને મનુષ્યો ત્રાહિમામ્ પોકારી ઊઠયા. દેવોએ અંતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની આરાધના કરી. ત્રણે દેવોએ એક દૈવી શકિતનું-દેવીનું નિર્માણ કર્યું. શિવજીએ તે જગદંબા દેવીને-દુર્ગાને ત્રિશુળ, વિષ્ણુએ ચક્ર અને ઈન્દ્રએ વજ્ર અર્પણ કર્યું.
અન્ય દેવોએ પોત પોતાનાં દિવ્ય શસ્ત્રોથી દેવીને મંડિત કરી અને અસુર ઉપર વિજય પ્રાપ્ત કરવા પ્રાથના કરી અને દેવીએ અઢાર ભુજાઓ ધારણ કરી નવ-નવ દિવસ સુધી અનેક અસ્ત્રશસ્ત્રથી મહિષાસુર સાથે યુદ્ધ કરી તેને હણ્યો. અંતે એ દુર્ગાનો વિજય થયો. આસુરી વૃત્તિને ડામીને દૈવી શકિતની પુન: સ્થાપના કરી. આ નવલા દિવસોમાં મા પાસે સામર્થ્ય માગવાનું તેમજ આસુરી વૃત્તિ પર વિજય મેળવવાનો. વાસ્તવિક અર્થમાં મહિષાસુર દરેકના હૃદયમાં પોતાનું સ્થાન જમાવીને બેઠો છે. મહિષ્ એટલે પાડો. આપણી વૃત્તિ મહિષ્ જેવી જ લગામરહિત અને સંયમહીન છે. આ મહિષાસુરની માયા ઓળખવા, તેની આસુરી ભીંસમાંથી મુકત થવા દૈવી શકિતની આરાધનાની જરૂર છે! મહિષાસુરને, મહિષવૃત્તિને કેવળ શકિતથી જ જીતી શકાય! દેવી જગદંબાની પૂજા કરી તેની પાસેથી શકિત મેળવવાના દિવસો તે જ નવરાત્રિના દહાડા!
આ દૈવી શકિતને જગદંબા, દુર્ગા, અંબા, અંબિકા કે ભવાની તરીકે પણ ઓળખવામાં આવી છે. માતાજીના ભક્તો નવ દિવસ માતાજીનું અનુષ્ઠાન કરે છે અને નવ દિવસના ઉપવાસ કરે છે, શકિતની આરાધના કરે છે. ઉપવાસ પાછળ સ્વાસ્થ્યનું એક કારણ પણ કામ કરે છે. ભાદરવા મહિનાથી શરદઋતુનો આરંભ થાય છે. ચોમાસું હોવાથી કાદવ, કીચડ, મચ્છર, જીવજંતુ વગેરેના ઉપદ્રવથી આ સમયગાળામાં રોગચાળો ફેલાય છે. નવરાત્રિના ઉપવાસ કરવાથી, માત્ર ફળાહાર કરવાથી શરીર શુદ્ધિ થાય છે, પાચન ક્રિયાની તકલીફ દૂર થઈ આરોગ્ય સુધરે છે. આપણા વેદોએ શકિત ઉપાસનાને ખૂબ મહત્વ આપ્યું છે. મહર્ષિ વ્યાસે પણ પાંડવોને શકિત ઉપાસનાનું મહત્વ સમજાવતા એવી શીખામણ આપી હતી કે ધર્મનાં મૂલ્યો ટકાવવા શકિતની ઉપાસના કરવી જ પડશે. ફકત મૂલ્યો કે સદ્વિચાર હોવા એ પૂરતું નથી તેનું રક્ષણ પણ જરૂરી છે અને તે માટે શકિત ઉપાસના જરૂરી. તેથી આપણે પણ આળસ પ્રમાદને ખંખેરી નવરાત્રિમાં શકિત ઉપાસના, શકિત માટે સંગઠન સાધવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંગઠનમાં જ શકિત અને ભકિત છે. નવરાત્રિમાં સાથે મળી, સંગઠિત થઈ ગરબા કે રાસ રૂપે દેવીની આસપાસ ધૂમવાનું હોય છે. અને ધૂમતાં ધૂમતાં સદ્બુદ્ધિ, એકતા અને સંધબળ માટે પ્રાર્થના કરવાની હોય છે, સાથે સાથે રાસ, ગરબા કે નૃત્ય દ્વારા શુદ્ધ આનંદની અભિ- વ્યકિત કરવાની હોય છે.