ચૈત્રી પ્રતિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસ; નોરતાં. આ દિવસોએ હિંદુ લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે. હિંદુઓ નવરાત્રને પહેલે દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. નવમે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે. કેટલાક લોકો નવરાત્રમાં વ્રત પણ કરે છે. ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવે છે. આ ભોજનમાં બેથી દશ વર્ષની ઉમરની નવ કુમારિકાઓ હોય છે. આ કુમારીઓનાં કલ્પિત નામ પણ છે. જેમકે, કુમારિકા, ત્રિમુર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા. નવરાત્રમાં નવ દુર્ગામાંથી નિત્ય ક્રમવાર એક-એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે
મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ખુબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા. અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું કે તે કોઇ પણ નર જાતિના શસ્ત્રથી મૃત્યું ન પામી શકે. આ વરદાન મેળવ્યાં બાદ તે પોતાને ભગવાન સમજવા લાગ્યો અને ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો. તેને બધા જ દેવોને હરાવી દીધા અને બધા જ ઋષિઓના આશ્રમનો પણ નાશ કર્યો. ત્યાર બાદ તેને વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો પણ નિશ્ચય કર્યો. આ વાતની જાણ દેવોને થઈ તો તેઓ બધાં ગભરાઈ ગયાં અને તેઓ ભગવાન શિવ પાસે ગયાં. શિવજીએ બધાને દેવી શક્તિની આરાધના કરવા માટે કહ્યું અને તેમને જણાવ્યું કે આ મુસીબતમાંથી તમને દેવી શક્તિ જ ઉગારી શકે તેમ છે.
આ સિવાય એક બીજી દંતકથા પણ નવરાત્રી સાથે જોડાયેલી છે કે ભગવાન રામ જ્યારે રાવણ સાથે યુધ્ધ કરવા માટે નીકળ્યાં તે પહેલા તેમને દેવી શક્તિની ઉપાસન કરીને તેમની પાસેથી એક બાણ મેળવ્યું હતું. અને ત્યાર બાદ તેમને નવ દિવસ સુધી રાવણ સાથે યુધ્ધ કરીને દશમા દિવસે યુધ્ધમાં તેનો વધ કરી દીધો અને તેની ખુશીના રૂપે લોકો વિજયા દશમી ઉજવે છે અને આ પરંપરાને લોકોએ આજે જાળવી રાખી છે અને આજે પણ લોકો રાવણનું પુતળુ બનાવીને તેનું દહન કરે છે.એવું કહેવાય છે કે નવરાત્રી દરમિયાન મા શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે. તેથી તો ઘણા લોકો નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને મા અંબાની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે. નવરાત્રીનો આઠમો દિવસ એટલે કે આઠમ. આ દિવસે ઠેર ઠેર ખુબ જ મોટા મોટા યજ્ઞો થાય છે. આ દિવસનું મહત્વ ખુબ જ માનવામાં આવે છે.