Navratri : તહેવાર દરમિયાન ઠેર-ઠેર ખેલૈયાઓ ગરબાની મજા માણી રહ્યાં છે, તેમાં આ દરમિયાન રાજ્યના અંબાજી, પાવાગઢ સહિતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે પંચમહાલના પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના પવિત્ર સ્થાને શનિ-રવિ રજાના દિવસોમાં ત્રીજા અને ચોથા નોરતામાં માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરવા માટે બહોળી સંખ્યામાં માઈભક્તો પહોંચ્યા હતા.
પાવાગઢમાં માઈ ભક્તોની ભીડ
ચૈત્રી નવરાત્રિ દરમિયાન વહેલી સવારે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના દ્વાર ખોલતાની સાથે માઈભક્તોનું ઘોડાપુર મંદિર પરિસરમાં ઉમટી પડ્યું હતું. તેમાં માતાજીના દર્શન કરવા માટે પહોંચેલા માઈભક્તોએ મંગળા આરતીનો લ્હાવો લીધો હતો. તેમજ નવરાત્રિના તહેવાર વચ્ચે રજાના માહોલમાં પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન આવ્યાં હતા. જેમાં કેટલાક માઈભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે પગપાળા ચાલીને આવ્યા હતા. એવામાં દુધિયા તળાવ પગથિયાથી મંદિર સુધીના માર્ગમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી.
અંબાજીમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર
રાજ્યમાં પાવાગઢ સહિત અંબાજીમાં પણ રવિવારે માતાજીના દર્શન કરવા માટે માઈભક્તોની ભીડ જોવા મળી હતી. તેમજ નવરાત્રિ અને રજાના માહોલમાં શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. અંબાજી મંદિર જવાનો રસ્તે, મંદિરનું પરિસર અને ચાચર ચોકમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.