Navratri 2024 : નવરાત્રિ એટલે માતાની સાધનાનો અનોખો અવસર. તેમજ દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા માટેનો શ્રેષ્ઠ સમય. તેમજ એવું માનવામાં આવે છે કે 9 દિવસ સુધી અખંડ જ્યોતિ પ્રગટાવવાથી માં દુર્ગા સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. અખંડ જ્યોતિ એટલે અવિરત પ્રગટાવેલી જ્યોત જેને ક્યારેય બુઝાવવી ન જોઇએ એટલે કે 9 દિવસ સુધી જ્યોત પ્રજ્વલિત રાખવી જોઈએ. આ સાથે જો તમે પણ આ નવરાત્રિએ માતાજીની આરાધના કરો છો અને ઘરમાં અખંડ જ્યોતિ પ્રગટાવો છો તો જાણીલો આ નિયમ.
નવરાત્રિમાં ઘટસ્થાપન, માતાજીની પ્રતિષ્ઠા, તેમજ જુવારાનું અનોખુ મહત્ત્વ છે. નવરાત્રિમાં ગરબાનું પણ અનોખુ મહત્ત્વ છે. તેમજ ઘટસ્થાપન કરતા ખાસ મુહૂર્ત જોવામાં આવે છે.
અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 03 ઓક્ટોબર, 2024 ના રોજ બપોરે 12:18 કલાકે શરૂ થઈ રહી છે. તેમજ પ્રતિપદા તિથિ 04 ઓક્ટોબરે બપોરે 02:58 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, શારદીય નવરાત્રિનો પ્રારંભ 03 ઓક્ટોબર, ગુરુવારથી થશે.
ઘટના સ્થાપનાનો શુભ સમય નીચે મુજબ રહેશે
ઘટસ્થાપન મુહૂર્ત – સવારે 06:15થી 07:22 સુધી
ઘટસ્થાપન અભિજીત મુહૂર્ત – 11:46થી 12:33 સુધી
અખંડ જ્યોતિ પ્રગટાવો
-જ્યોતિ પ્રગટાવતી વખતે ‘કરોતિ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદમ, શત્રુ બુદ્ધિ વિનાશય, દીપમ જ્યોતિ નમોસ્તુતે’ મંત્રનો જાપ કરવો જોઈએ.
-અખંડ જ્યોતનો દીવો ક્યારેય સીધો જમીન પર ન રાખવો. તેમજ તેને હંમેશા જવ, ચોખા કે ઘઉં જેવા અનાજના ઢગલા પર રાખવો જોઈએ.
-જો તમે જ્યોતને ઘીથી પ્રગટાવતા હોવ તો તેને જમણી બાજુ રાખો. તે જ સમયે, તેલ દ્વારા પ્રગટાવવામાં આવતી જ્યોતને ડાબી બાજુએ રાખવી જોઈએ.
-દીવો પ્રગટાવ્યા પછી ઘરને ક્યારેય એકલા ન છોડો અને ઘરને તાળું પણ ન લગાવો.
-ધ્યાન રાખો કે અખંડ જ્યોત પ્રગટાવવા માટે ક્યારેય તૂટેલા કે પહેલા વપરાયેલા દીવાનો ઉપયોગ ન કરવો જોઈએ. એટલે કે જો તમે કોડીયામાં દીપ પ્રગટાવો છો તો તે નવુ કોડીયુ જ હોવુ જોઇએ. તેમજ અત્યારે તો ત્રાંબા કે પિત્તળનો દિવડો પણ અખંડ જ્યોત માટે મળે છે તેને પણ તમે સ્વચ્છ કરીને લઇ શકો છો.
-નવ દિવસ પૂરા થયા પછી જ્યોતને તેની જાતે જ ઓલવવા દેવી જોઈએ. તેમજ જ્યોતને ક્યારેય ફૂંક મારીને ન ઓલવશો.
જ્યોતને ઓલવવાથી કેવી રીતે બચાવવી
ધાર્મિક માન્યતાઓ અનુસાર જો સળગ્યા પછી જ્યોત ઠરી જાય તો તેને અશુભ માનવામાં આવે છે. જો તમે માટીના કોડીયામાં અખંડજ્યોતિ પ્રગટાવતા હોવ તો તેને એક દિવસ પહેલા પાણીમાં પલાળી દો. ત્યારપછી તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ સમયાંતરે આંચ પર તેલ અથવા ઘી ઉમેરતા રહો. આમ કરવાથી જ્યોત વધુ સમય સુધી રહે છે. આ ઉપરાંત, માટીના મોટા દીવાનો ઉપયોગ કરો, જેથી તેમાં મૂકેલું ઘી અથવા તેલ લાંબો સમય ચાલે. આ દીવો પવનથી બચાવવા માટે તમે જ્યોત પર કાચનો ગોળો (ફાનસનો ફોટો) મૂકી શકો છો. તૈયાર મળતી જ્યોતિમાં તો ચારેબાજુ ઢાંકેલુ હોય છે.