Navratri 2024 : નવરાત્રીના 9 દિવસોમાં દેવી માતાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ત્યારે આજે નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. ત્યારે આ દિવસે દેવી માતાના આ સ્વરૂપની આરાધનાનું વિશેષ મહત્વ છે. માતા બ્રહ્મચારિણીને જ્ઞાન, તપસ્યા અને વૈરાગ્યની દેવી માનવામાં આવે છે. આ માતાજી વિદ્યાર્થીઓ અને જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છુક લોકોના આરાધ્ય દેવી છે.
બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની ઉત્પતિની શું કથા છે અને તેમની પૂજા કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે તે જાણો.
કેમ કરાય છે માતા બ્રહ્મચારિણીની પૂજા?
એવી માન્યતા છે કે જે લોકો કઠિન પરિશ્રમ અને લગનથી કામ કરે છે તેને માતા બ્રહ્મચારિણીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
જ્ઞાન પ્રાપ્તિ
માતા બ્રહ્માચારિણી જ્ઞાનના દેવી છે. તેથી તેમની પૂજા કરવાથી બુદ્ધિમાં વધારો થાય છે અને જ્ઞાન પ્રાપ્ત કરવામાં સફળતા મળે છે.
કામમાં સફળતા
માતા બ્રહ્મચારિણીના આશીર્વાદથી મન શાંત થાય છે અને એકાગ્રતા વધે છે.
માતા બ્રહ્મચારિણીની ઉત્પતિની કથા
બ્રહ્મચારિણી માતાના નામમાં જ મર્મ છુપાયેલો છે. બ્રહ્મ એટલે તપ અને ચારિણી એટલે આચરણ કરનાર. આમ તપનું આચરણ કરનારી દેવી એટલે બ્રહ્મચારિણી માતા. આ સાથે શાસ્ત્રો અનુસાર પૂર્વ જન્મમાં તે હિમાલયના ઘરે પુત્રીના રૂપમાં અવતર્યા હતા. તેમજ નારદથીના ઉપદેશથી ભગવાન મહાદેવને પતિના રૂપમાં મેળવવા માટે તેમણે આકરી તપસ્યા કરી હતી.
આ ઉપરાંત એવો ઉલ્લેખ છે કે, એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ ફુલ ખાઇને કઠોર તપ કર્યું હતું. તેમજ સો વર્ષ સુધી ફક્ત શાકભાજી ખાધા હતા અને કેટલાક વર્ષો એમણે આકરા ઉપવાસ કર્યા હતા. તેથી આ તપને લીધે મહાદેવ પ્રસન્ન થયા હતા અને એટલે જ તેઓ બ્રહ્મચારિણીના નામથી ઓળખાયા.
પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. તેમણે ખુલ્લા આકાશ નીચે ટાઢ, તડકો અને વરસાદનું કષ્ટ સહન કર્યું હતું. તેમજ જમીન પર તૂટીને પડતા બિલીપત્રો ખાય ભગવાનની આરાધના કરી હતી. ત્યારબાદમાં તૂટેલા બિલીપત્રનો પણ એમણે ત્યાગ કર્યો હતો. જેને લીધે તેઓ બ્રહ્મચારિણીની સાથોસાથ અપર્ણા તરીકે પણ ઓળખાયા હતા. આ કઠોર તપને લીધે સાક્ષાત ભગવાન બ્રહ્મા પ્રસન્ન થયા હતા અને આકાશવાણી કરી હતી કે, હે દેવી આવું કઠોર તપ કોઇ કરી શક્યું નથી, તમારી મનોકામના પૂર્ણ થશે અને ભગવાન શંકર તમને પતિના રૂપમાં પ્રાપ્ત થશે. આ સાથે તમારા તપના ગુણલાં ત્રણેય લોકમાં ગવાશે.
સદાચાર, સંયમની વૃધ્ધિ
માં બ્રહ્મચારિણીની પૂજા આરાધના કરવાથી ભક્તોને અનંત ફળ પ્રાપ્ત થાય છે. તેમજ તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃધ્ધિ થાય છે. બ્રહ્મચારિણી માં પ્રત્યેની આસ્થાથી ભક્તનું મન કર્તવ્ય પથથી ભટકતું નથી અને સિધ્ધિ પ્રાપ્ત થાય છે. આ સાથે બ્રહ્મચારિણી માતાની આરાધના કરવાથી શરીર સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ રોગમાંથી છુટકારો થાય છે.
માતા બ્રહ્માચારિણીની પૂજાથી જીવન સુધરે છે
માતા બ્રહ્મચારિણીની આ કથાનો સાર એ છે કે વ્યક્તિએ ક્યારેય વિપરીત પરિસ્થિતિમાં પણ ગભરાવવું જોઈએ નહીં. તેનો સામનો કરવો જોઈએ. તેમજ એવી માન્યતા છે કે માતા બ્રહ્મચારિણીની કૃપાથી મન શાંત અને સ્થિર રહે છે. કપરી પરિસ્થિતિઓમાં પણ વ્યક્તિ ધૈર્ય અને શાંતિ જાળવી રાખવામાં સક્ષમ રહે છે. માતા બ્રહ્મચારિણીની કૃપાથી જ ભક્તોને તમામ કાર્યોમાં સિદ્ધિ મળે છે. માતાજીની પૂજા કરવાથી જીવનના રહસ્યોને સમજવામાં સક્ષમ થાય છે.
પૂજા કેવી રીતે કરશો?
બ્રહ્મચારિણી માતાની પૂજા માટે લાલ રંગના કપડાં પર માતાજીની મૂર્તિ અથવા માતાજીનો ફોટો રાખવો. જમણા હાથમાં જળ, અક્ષત, ફૂલ લઈ માતાનું આહવાન કળશ પર કરવું જોઈએ. આહવાન બાદ ધૂપ, દીપ, અક્ષત, જળ, અને નૈવેદ્યથી માતાનું પૂજન અર્પિત કરવું અને ( ૐ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી માઁ બ્રહ્મચારિણી આવાહયામિ સ્થાપયામિ પૂજયામી ચ ) મંત્રનું ઉચ્ચારણ કરવું. આ મંત્રના ઉચ્ચારણ પછી હાથમાં ફૂલ લઇ 11 વાર ( દધાના કર પદ્દમાભ્યામક્ષ માલા કમંડલું , દેવી પ્રશિદત મયિ બ્રહ્મચારિણી નૂત્તમા ) આ મંત્રનો જાપ કરી લાલ રંગનું ફૂલ કળશ પર અર્પિત કરવું અને ( ૐ માઁ બ્રહ્મચારિણી નમઃ ધ્યાનાર્થે પુષ્પમ સમર્પયામિ ) મંત્રનું ઉચ્ચારણ કરવું.