Navratri 2024 : નવમા નોરતે માઁ નવદુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપનું પૂજા-અર્ચના થાય છે. તેમજ સિદ્ધિદાત્રીને માં પાર્વતીનું મૂળરૂપ માનવામાં આવે છે. માં ચાર ભુજાઓવાળી છે. તે પૈકી આગળના જમણા હાથમાં ગદા અને જમણી બાજુના પાછળના હાથમાં ચક્ર છે. જ્યારે ડાબી બાજુએ આગળના હાથમાં કમળનું પુષ્પ ધારણ કર્યું છે અને પાછળના હાથમાં શંખ છે. તેમજ તેમનું વાહન સિંહ છે. જો કે તેઓ મોટે ભાગે કમળના પુષ્પ પર બિરાજમાન હોય છે. માં સિદ્ધિદાત્રી કેતુના ગ્રહનું સંચાલન કરે છે.
પૌરાણિક કથા
દેવી ભાગવત્ પુરાણ પ્રમાણે બ્રહ્માંડની શરૂઆતમાં શિવે રચના માટે આદિ-પરાશક્તિની ઉપાસના કરી હતી. તેમજ એમ માનવામાં આવે છે કે આદિ-પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા. તેથી આદિ- પરાશક્તિ શિવનાં અડધા દેહમાંથી ‘સિદ્ધિદાત્રી’ સ્વરૂપે પ્રગટ્યા હતા. આમ શિવના “અર્ધનારીશ્વર” સ્વરૂપમાં અર્ધો દેહ તે દેવી સિદ્ધિદાત્રીનો દર્શાવાય છે. દેવી સિદ્ધિદાત્રીની ઉપાસના મનુષ્ય ઉપરાંત દેવ, ગંધર્વ, યક્ષ, અસૂર અને સિદ્ધ પણ કરે છે.
સિદ્ધિદાત્રી માતાની પૂજાવિધિ
નવરાત્રિના નવમા દિવસે સ્નાનાદિ કર્મ પતાવીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. તેમજ કળશ સ્થાપના સ્થળે માં સિદ્ધિદાત્રીની મૂર્તિ સ્થાપિત કરો, માતા સમક્ષ દીવો પ્રગટાવીને કમળના નવ ફૂલ અર્પણ કરવા. ત્યારબાદ માતાને 9 પ્રકારના ભોજન, 9 પ્રકારના ફળો અને ફૂલો વગેરે અર્પણ કરવા જોઈએ. તેમજ માં સિદ્ધિદાત્રીને તલ અર્પણ કરવાથી વિશેષ ફળ મેળવી શકાય છે. આ દરમિયાન માતાના બીજ મંત્રોનો જાપ કરવો.
નવરાત્રિના અંતિમ દિવસે હવન પણ કરવામાં આવે છે. તેમજ હવન કરવા માટે હવનકુંડમાં અગ્નિ પ્રજ્વલિત કરવા માટે કેરી, લીમડો, પલાશ અને ચંદનના લાકડાનો ઉપયોગ થાય છે. તે સિવાય છાણાને પણ ઘીમાં બોળીને વાપરી શકાય છે. માતા સિદ્ધીદાત્રીનું પૂજન થઈ ગયા બાદ જ નવરાત્રી પૂજાનું સમાપન થાય છે.
શ્લોક
સિદ્ધિદાત્રી માતાનો શ્લોક આ મુજબ છે.
સિદ્ધગંધર્વયક્ષાદ્ યૈરસુરૈરમરૈરપિ |
સેવ્યમાના સદા ભૂયાત્ સિદ્ધિદા સિદ્ધિદાયિની ||
ઉપાસના મંત્ર
યા દેવી સર્વભૂતેષુ માઁ સિદ્ધિદાત્રી રૂપેન સંસ્થિતા|
નમસ્તસ્મૈ નમસ્તસ્યે નમસ્તસ્મૈ નમો નમઃ ||
અર્થાત્, સિદ્ધિદાત્રી સ્વરૂપે સર્વત્ર બિરાજમાન હે માતા અંબે, આપને મારા વારંવાર પ્રણામ!
માં સિદ્ધિદાત્રીની પૂજાનું ફળ
માતાના આ નવમા સ્વરૂપની ઉપાસના કરવાથી વ્યક્તિને યશ,ધન, મોક્ષ અને તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. તેમજ એટલું જ નહીં તમામ દેવી દેવતાઓને પણ માતા સિદ્ધિદાત્રી એ જ સિદ્ધિ આપી છે.
કુલ 8 પ્રકારની સિધ્ધિઓ હોય છે.
અણિમા
મહિમા
ગરિમા
લધિમા
પ્રાપ્તિ
પ્રાકામ્ય
ઈશિત્વ
વશિત્વ
માં સિદ્ધિદાત્રી પોતાના સાધકોને આ તમામ સિધ્ધિઓ આપે છે.