નવકાર ગ્રહણવિધિ સમયે કરેલી પરમાત્માની પ્રાર્થના પછી સાધકે ગૂરૂ સમીપ જવું જોઈએ ગુરૂ જયારે તેના જમણા કાનમાં અડસઠ અક્ષરથી યુકત, નવ પદાત્મક, આઠ સંપદાઓથી વિભૂષિત એવો નવકારમંત્ર સંભળાવે ત્યારે સાધકે એને શુધ્ધ નિર્મળ અને સ્થિર મનવાળા થઈને સાંભળવો જોઈએ એ સમયે વારંવાર પ્રકૃષ્ટ પ્રમોદ ભાવના ભાવવી જોઈએ.
આ રીતે નવકારમંત્ર ગ્રહણની વિધિ પૂર્ણ કર્યા પછી સાધકે બે હાથ જોડીને વિનયપૂર્વક ગૂરૂને કહેવું જોઈએ કે હે પ્રભુ ! આપે ચિંતામણીરત્નથી અધિક એવો નવકારમંત્ર મને આપીને મારા પર અનહદ ઉપકાર કર્યો છે. મારો આજનો દિવસ ખરેખર સફળ થયો છે. મારૂ જીવન ધન્યધન્ય બન્યું છે. હવે આપ અનુજ્ઞા આપો એટલે આવતીકાલથી નવકારમંત્રની આરાધના વિશે નિયમિત પ્રવૃત્તિનો હું શુભારંભ કરૂં.
એ પછી ગૂરૂ આજ્ઞા આપે કે તરત જ સાધકે તહતી કહી તેમની આજ્ઞા શિરોધાર્ય કરવી જોઈએ. એ પછી નવકારમંત્રની સ્તુતિ, સ્તોત્ર, છંદ, સ્તવન અને ગીતો બોલીને પોતાના ભાવની વૃધ્ધિ કરવી જોઈએ એ પછી ગૂરૂ સર્વ મંગલનો પાઠ સંભળાવે એટલે આ નવકાર ગ્રહણવિધિ આત્મસાત થઈ છે એમ ગણવું જોઈએ અને સાધકે હવે નિરંતર નવકારમય બનવા પોતાના પૂરૂષાર્થને કામે લગાડીને પોતાનું શ્રેય સાધવું જોઈએ.
અહી એટલું અવશ્ય યાદ રાખવાનું છે કે સાધકની સફળતા સવિશુધ્ધ વિધિ પર જ નિર્ભર છે. અવિધિથી થયેલુ કાર્ય કયારેય સફળતા અપાવી શકે હી વિધિનું પાલન યથાયોગ્ય થાય એમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ન આવે એ પર સાધકનું સતત ધ્યાન કેન્દ્રીત હોવું જોઈએ.
મંત્ર વિધિની તત્પરતા અને મંત્ર વિધિ ગ્રહણ કરવાની ઉત્કૃષ્ટ ભાવના એ સાધકનું મહત્વનું લક્ષણ છે. એથી જ સાધકે મંત્રસાધનાની વિધિ જાણવા એને ગ્રહણ કરવા, એનું યથાર્થ પાલન કરવા માટે નિત્ય તત્પર રહેવાનું છે. અમે ઘણો પરિશ્રમ લીધો, ઘણી મહેનત કરી, પણ એનું કોઈ ફળ અમને મળ્યું નથી એવી ફરિયાદ કરનારે સૌ પ્રથમ એ તપાસ કરવી જોઈએ કે તેણે કરેલી વિધિનું પાલન બરાબર થયું છે કે નહી ? એમાં કોઈ અવિધિ તો નથી થઈને ? જો વિધિનું યથાર્થ પાલન ન થયું હોય તો એ અવિધિને લીધે સાધકની સાધના સફળ ન થઈ શકે એમ બની શકે. અહી એટલો ખુલાસો જરૂરી છે કે કાલદોષને કારણે આપણે ઘણા મંત્રો અને વિધાઓનો લોપ થઈ ગયો છે. અમે છતા જે કંઈ આપણી પાસે સચવાઈ રહ્યું છે. એનું મહત્વ લગીરે ઓછુ નથી માટે આ બાબત સમજીને સાધકે કાળજીપૂર્વક, ચોકસાઈથી અને શ્રધ્ધાપૂર્વક મંત્રસાધના કરવાની છે.
નવકારમંત્ર ગ્રહણવિધિનો હેતુ એ જ છે કે સાધકને પંચમહાવ્રતધારી,વચનસિધ્ધ એવા ગુરૂ-મહાત્માએ પોતાના સ્વમુખે મહામંત્ર નવકાર સંભલાવ્યો છે. ગુરૂની મહાસાધના અને સાધુજીવનની ઉચ્ચ પરિપાટીના બળે સાધકને તેની જપસાધનામાં કોઈ વિઘ્નો નડી શકે. નહી ઉલટું જાપસાધના કરતા સાધકમાં નિરંતર ભાવવૃધ્ધિ થતી જોવા મળે. તેનામાં અજબની શકિત અને સામર્થ્યનું પ્રાગટય થાય. આ જ નવકારમંત્ર ગ્રહણવિધિનું રહસ્ય છે. અને સાધકોએ એને વિધિપૂર્વક ગ્રહણ કરીને પોતાના કલ્યાણની કેડી કંડારવી જોઈએ.
જો નવકારજાપ યથાવિધિ થાય તો એની સિધ્ધિ માટે કોઈ સંદેહ રહેતો નથી. એટલે જ આપણા શાસ્ત્રકારોએ કહ્યું છે કે ‘જપાત સિધ્ધિર્જપાત સિધ્ધિર્જપાત સિધ્ધર્જપાત સિધ્ધિર્ન સંશય:’ અર્થાત્ જાપથી સિધ્ધિ થાય છે. જાપથી સિધ્ધિ થાય છે, જાપથી સિધ્ધિ થાય છે.એમાં શંકાને કોઈ સ્થાન નથી. એ ઉપરોકત શાસ્ત્રકથનથી સાબિત થાય છે. નવકારમંત્ર ગ્રહણવિધિને સાકાર કરી નિત્ય સૂતા, ઉઠતા, બેસતા, ચાલતા, જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં નવકાર સ્મરણને સતત સાથે રાખી આપણુ સ્વકલ્યાણ સાધીએ એજ આ તકે શુભ અભ્યર્થના.