આસો સુદ એકમથી લઈ આસો સુદ નોમના નવ દિવસો, માતાજીના આ નવ દિવસોને નવરાત્રી પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસો દરમ્યાન માં નવદુર્ગાના નવ સ્વપોની વિવિધ રીતે પૂજા-અર્ચના તથા આરાધના કરવામાં આવે છે. પ્રથમ દિવસે માતાજીનો ગરબો ઘરના મંદિરમાં પધરાવવામાં આવે છે અને નવ દિવસના ભકિતમય માહોલમાં માતાજીની આરતી, સ્તુતિ, ગરબા ગાવામાં આવે છે. આઠમ, નોમ અને દશેરાના દિવસે ઠેર-ઠેર બ્રાહ્મણોની હાજરીમાં માતાજીના હવન તથા યજ્ઞનું આયોજન થાય છે. સૌ લોકો ભકિતના રંગમાં રંગાઈ માતાજીની ભકિતભાવપૂર્વક આરાધના કરે છે અને જગતજનનિ આદ્યશકિત જગદંબાના અલૌકિક આશીર્વાદની પ્રાપ્તિ કરે છે.
માતાજીના નવ સ્વરૂપો કયા કયા છે અને માતાજીના આ નવ સ્વરૂપોનો શું મહિમા છે.
માં શૈલપુત્રીમાં નવદુર્ગાનું પ્રથમ શૈલપુત્રી તરીકે ઓળખાય છે જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરિત થયેલ છે. માતાના જમણા હાથમાં ત્રિશુલ અને ડાબા હાથમાં કમળ પુષ્પ છે. માતાજીના મસ્તક પર ચંદ્ર દ્રશ્યમાન છે. માતાજીનું વાહન વૃષભ છે. નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીના આ શકિત સ્વરૂપનું પુજન, અર્ચન તથા આરતી કરવામાં આવે છે.
માં બ્રહ્મચારિણીમાં નવદુર્ગાનું બીજુ સ્વરૂપ બ્રહ્મચારિણી તરીકે ઓળખાય છે. સચ્ચિદાનંદમય બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવવી એ માતાનો સ્વભાવ છે. માતા ગૌરવપૂર્ણ તથા પૂર્ણ જયોતિર્મય છે. માતાજીએ તેમના જમણા હાથમાં જપમાળા તથા ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલ છે, નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીના આ શકિત સ્વરૂપની પુજા કરવામાં આવે છે.
માં ચંદ્રઘંટામાં નવદુર્ગાનું ત્રીજુ સ્વરૂપ ચંદ્રઘંટા તરીકે ઓળખાય છે, માતાની ઘંટામાં આહલાદકરી ચંદ્ર છે, માતાજીનો વર્ણ સુવર્ણ જેવો ચમકદાર અને અત્યંત તેજમાન છે, માતાજીને દસભુજાઓ છે કે જેમાં માતાજીએ ખડગ, બાણ તેમજ આદિ શસ્ત્રો ધારણ કરેલ છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાના આ શકિત સ્વપની ઉપાસના કરવામાં આવે છે.
માં કૃષ્માંડામાં નવદુર્ગાનું ચોથુ સ્વરૂપ કૃષ્માંડા માતા તરીકે ઓળખાય છે, માતાજીને અષ્ટ એટલે કે આઠ ભુજાઓ છે, જેમાં માતાએ કમંડળ, ધનુષ, બાણ, અમૃતમય કળશ, ચક્ર અને ગદા ધારણ કરેલ છે, માતાજી વાઘ પર બિરાજમાન છે. નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાના આ શકિત સ્વરૂપની પુજા, અર્ચના તથા આરાધના કરવામાં આવે છે.
માં સ્કંદમાતા
માં નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતા તરીકે ઓળખાય છે. માતાજી ત્રીનેત્રધારી તથા ચાર ભુજાઓ ધરાવનાર છે, માતાજીનું વાહન સિંહ છે. નવરાત્રીના પાંચમાં દિવસે સ્કંદમાતાના આ શકિત સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે.
માં નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ માતા કાત્યાયની તરીકે ઓળખાય છે, દેવતાઓના કાર્યને સિદ્ધ કરવા માતાજી મહર્ષિ કાત્યાય ઋષિના આશ્રમમાં કાત્યાયની ઋષિના દીકરી તરીકે જન્મ લીધો અને પ્રગટયા હતા, માતાજીનું આ સ્વરૂપ ભવ્ય અને દિવ્ય છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયની આ શકિત સ્વરૂપની આરાધના કરવાથી રોગ, ભય, શોક, સંતાપ અને સઘળું કષ્ટ નષ્ટ થાય છે.
માં કાલરાત્રીમાં નવદુર્ગાનું સાતમું સ્વરૂપ માતા કાલરાત્રી તરીકે ઓળખાય છે, કાલરાત્રી માતાજી કૃષ્ણા વર્ણના રૂપમાં દેખાય છે, ત્રણ નેત્રો ધરાવે છે, ગળામાં અલૌકિક માળા ધારણ કરેલી છે. શ્વાસોશ્વાસમાં અગ્નિની જવાળાઓ પ્રગટે છે. માતાજી ગદર્ભ પર બિરાજમાન છે. નવરાત્રીના સાતમાં દિવસે માતા કાલરાત્રીના આ શકિત સ્વરૂપની પુજન કરવાથી ભૂત-પ્રેત તથા જળથી રક્ષણ પ્રાપ્ત થાય છે.
માં મહાગૌરીમાં નવદુર્ગાનું આઠમું સ્વરૂપ માતા મહાગૌરી તરીકે ઓળખાય છે, ગૌરવર્ણ તથા આભુષણ આદિ શ્વેત છે, માતાજી સૌમ્ય સ્વરૂપે વૃષભ પર બિરાજમાન છે, માતાજીએ ચાર ભુજાઓમાં અભયમુદ્રા, ત્રિશુળ, ડમ અને વરમુદ્રા ધારણ કરેલી છે, નવરાત્રીના આઠમાં દિવસે માતા મહાગૌરીના આ શકિત સ્વરૂપની પુજા કરવાથી અનેક દુ:ખો તથ પાપોનો નાશ થાય છે.
માં સિદ્ધિદાત્રીમાં નવદુર્ગાનું નવમું સ્વરૂપ સિઘ્ધ અને મોક્ષ આપનારું હોવાથી સિદ્ધિદાત્રી તરીકે ઓળખાય છે, માતાજી કમળના આસન પર બિરાજમાન છે. નવરાત્રીના નવમાં દિવસે માતા સિદ્ધિદાત્રીના આ શકિત સ્વરૂપની આરાધના કરનારને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
માં નવદુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસનાના મંત્રો
* માં શૈલપુત્રી:- ૐ હ્રીં શ્રીં કલીં શૈલપુત્ર્યૈ નમ:
* માં બ્રહ્મચારિણી:- ૐ હ્રીં શ્રીં કલીં બ્રહ્મચારિણ્યૈ નમ:
* માં ચંદ્રઘંટા:- ૐ ઐં હ્રીં ચંદ્રઘંટે હું ફટ સ્વાહા:
* માં કુષ્માંડા:- ૐ કું કૃષ્માંડે મમ ધન-ધાન્ય પુત્રં દેહિ દેહિ સ્વાહા:
* માં સ્કંદમાતા:- હ્રીં ઐં કલીં સ્કંદમાતે મમ પુત્રં દેહિ સ્વાહા:
* માં કાત્યાયની:- ૐ કાં કાં કાત્યાયની સ્વાહા
* માં કાલરાત્રિ:- ૐ કલીં કાલરાત્રિ ક્ષૌં, ક્ષૌં મમ સુખ:શાંતિ દેહિ દેહિ સ્વાહા:
* માં મહાગૌરી:- ૐ કલીં હ્રીં મહાગૌરી ક્ષૌં, ક્ષૌં મમ સુખ:શાંતી કુ કુ સ્વાહા:
* માં સિઘ્ધીદાત્રી:- ૐ ઐં હ્રીં સિઘ્ધીદાત્ર્યૈ મમ સુખ:શાંતિ દેહિ દેહિ સ્વાહા: