૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન ભારતીય નૌસેનાનાં જહાજોએ કરાંચી બંદરગાહ પર કરેલા સફળ મિસાઈલ હુમલાની યાદમાં દર વર્ષે ઉજવાય છે નૌસેના દિવસ : એક સપ્તાહ સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
ભારતીય નૌસેના પ્રતિ વર્ષ ચાર ડિસેમ્બર ૧૯૭૧નાં રોજ થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન ભારતીય નૌસેનાનાં જહાજોએ કરાંચી બંદરગાહ પર કરેલા સફળ મિસાઈલ હુમલાની યાદમાં નૌસેના દિવસની ઉજવણી કરે છે. છેલ્લા ૭૭ વર્ષોથી અસ્તિત્વમાં આવેલા ભારતીય નૌસેના દ્વારા આ ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર સપ્તાહ દરમ્યાન અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.
આજરોજ ઓખા ખાતે રામેશ્ર્વર મંદિરનાં દરિયાકિનારે દેવભૂમિ દ્વારકાનાં કલેકટર મીનારનાં અધ્યક્ષ સ્થાને આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય સંગીતકાર શેખર ધરામીના નેજા હેઠળ બેન્ડે શ્રોતાઓને મંત્રમુુગ્ધ કરી દીધા હતા જેમાં ભારતીય નૌસેના કમાન્ડીંગ ઓફિસર, કર્મચારીઓ અને પરીવારો, ભારતીય કોસ્ટગાર્ડ પરીવારો, ઓખા શહેર અગ્રણીય મનસુખભાઈ બારાઈ, નગરપાલિકા પ્રમુખ ચેતનભાઈ માણેક, પાલિકા સેનેટરી ઈન્સ્પેકટર રાજેશભાઈ માણેક ઉપરાંત સ્ટાફગણ અને નગરજનોએ ખાસ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં લોકપ્રિય માર્શલ ધુન, દેશભકિત ગીતો, શાસ્ત્રીય સંગીત, લોક અને પ્રાદેશિક ગીતોની બેન્ડની રજુઆતોએ ઓખાનાં દરિયા કિનારાને સંગીતમય બનાવ્યો હતો અને છેલ્લે કલેકટરનાં હસ્તે બેન્ડ માસ્ટરને ઈનામો આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.