- ટીઆરપી અગ્નિકાંડ મામલે અત્યાર સુધી મોઢા સીવી લેનાર રાજકોટ શહેર ભાજપના નેતાઓએ લોકસભાની ચૂંટણીની જીતની ઉજવણી નહીં કરે તે કહેવા માટે પત્રકાર પરિષદ બોલાવી
- ચહેરા પર ન કોઈ રંજ કે ના કોઈ વસવસો: માત્ર પોતાની જ તંગડી ઊંચી રાખવાની વાત
- 27 નિર્દોષ લોક અગ્નિકાંડમાં સ્વાહા થઈ ગયા છતાં ભાજપના નેતાઓને પબ્લિસીટી અને ફોટા પડાવવાનો મોહ છુંટતો નથી
દેશમાં પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ભાજપની સતા છે પરંતુ નફફટ રાજકીય પક્ષમાં નેતાઓ હવે બેશરમ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં ગત શનિવારે ટીઆરપી ગેમઝોનમાં બનેલી અગ્નિકાંડની દુ:ખદ ઘટનામાં 27 નિર્દોષ લોકો આગમાં સ્વાહા થઈ ગયા હોવા છતાં ભાજપના નેતાઓને આ દુ:ખદ અને હૈયા હચમચાવી દેતી ઘટનાથી રતીભારનો પણ રંજ ન હોય તેવું લાગી રહ્યું છે. અગ્નિકાંડમાં કોની જવાબદારી છે તે કહેવામાં મોટા સીવી લેનાર ભાજપના નેતાઓએ લોકસભાની ચૂંટણીના પરિણામના દિવસે જો ભાજપની રાજકોટ લોકસભા બેઠક અને દેશમાં જીત થશે તો તેની કોઈ જ ઉજવણી કરવામાં આવશે નહીં તે વાત કહેવા માટે ખાસ પત્રકાર પરિષદ બોલાવી હતી. આ ઘટનામાં સાંસદો અને શહેર ભાજપના આગેવાનોએ તમામ પ્રકારની શરમ નેવે મૂકી દીધી હતી. જ્યારે પ્રજાના પ્રહરી એવા પત્રકારોએ અગ્નિકાંડ મામલે પ્રશ્નનો મારો ચલાવ્યો ત્યારે નેતાઓ ઊભી પૂછડિયા ભાગ્યા હતા.
કોઈપણ રાજકીય પક્ષ જ્યારે સત્તા પર હોય ત્યારે તેને વિનમ્ર બની સતત જનતાની સેવા કરતું રહેવું જોઈએ.રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાથી સત્તા પર રહેલી, રાજકોટમાં છેલ્લા 50 વર્ષથી સત્તાસુખ ભોગવી રહેલી અને કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષથી બહુમતી સાથે શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટીને હવે સત્તાનો જોરદાર નશો ચડી ગયો હોય તેવું લાગી રહ્યું છે.ઘટના કોઈપણ હોય માત્ર ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે ભાજપના નેતાઓને રસ છે. લોકોના હૈયા ચોધાર આંસુ રડી રહ્યા છે. પરંતુ ભાજપના નેતાઓને હસતા મોઢે ફોટા પડાવવામાં જ રસ છે. નેતાઓના દિલમાં દયાનો જાણે છાંટો રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત થશે કે હાર તે હજી નક્કી થયું નથી.પરંતુ હરખ પદુડા રાજકોટ શહેર ભાજપ સહિતના નેતાઓએ પ્રદેશની મંજૂરી લઈ ગઈકાલે ખાસ પત્રકાર પરિષદ બોલાવી એવી ઘોષણા કરી દીધી હતી કે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થશે અને દેશમાં પણ ભાજપને જીત મળશે તો રાજકોટમાં ભાજપ દ્વારા કોઈ જ પ્રકારની ઉજવણી કરવામાં આવશે નહીં. ખરેખર આવી વાતની કોઈ ઘોષણા કરવાની ન હોય શહેરમાં અગ્નીકાંડની ઘટનામાં જ્યારે 27 લોકો આગમાં હોમાઈ ગયા હોય ત્યારે જો જીતની ઉજવણી કરવામાં આવે તો તેનાથી નફફટ નેતા કોઈ હોય શકે નહીં.આ વાત પક્ષ કાર્યકર જોગ હોય છે જે પક્ષની આંતરિક પ્રક્રિયા છે જેની જાણ કાર્યાલયથી તમામ વોર્ડ પ્રમુખને કરી દેવામાં આવે તો પણ ચાલે તેમ હતું. છતાં શહેર ભાજપ પ્રમુખ આ વાત કહેવા માટે ખાસ પત્રકાર પરિષદનું આયોજન કર્યું જેની સામે કોઈ વાંધો નથી પરંતુ જ્યારે પત્રકાર પરિષદમાં જનતાના પ્રતિનિધિ સમાં પત્રકારો સવાલ પૂછે ત્યારે તેનો જવાબ આપો તે ભાજપના નેતાઓની ફરજ હોય છે.જ્યારે અગ્નિ કાંડમાં ભાજપના પદાધિકારીઓની શું જવાબદારી રહેલી છે તેવા સવાલ પૂછવામાં આવ્યા ત્યારે નેતાઓ એ જવાબ આપવાનું ટાળ્યું અને તો ખુરશી પરથી ઉભા થઈ ચાલતી પકડી હતી. રાજકોટની જનતા ઘણા વર્ષોથી ભાજપ પર અવિરત પ્રેમ વરસાવી રહે છે પરંતુ જ્યારે જનતાને દુ:ખની ઘડીમાં નેતાનો સધિયારો જોઈ ત્યારે ભાજપના નેતાઓ ઘરમાં ઘૂસી જાય છે. મત મેળવવા માટે મોટા મોટા વચનો આપતા ભાજપના નેતાઓ ચૂંટાયા બાદ જનતાને ભૂલી જતા હોવાનું વધુ એક વાર પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે.
“રામ” નામ લજાવતા સાંસદ
રાજ્યસભાના ભાજપના સાંસદ રામભાઈ મોકરીયાએ ભગવાન શ્રી રામનું નામ લજવાય એવું કૃત્ય કર્યું છે. ગઈકાલે શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જ્યારે પત્રકારોએ અગ્નિકાંડ અંગે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું ત્યારે ભાજપના નેતાઓએ ચાલતી પકડી હતી.આ વેળાએ અમુક પત્રકારો રામભાઈ મોકરીયા પાસે નિવેદન લેવા જતા હતા ત્યારે રામભાઈએ દ્વિઅર્થી ભાષામાં એક શબ્દ પ્રયોગ કર્યો હતો. જેની ખૂબ જ આલોચને થઈ રહી છે રાજ્યસભાના સાંસદ એવા શબ્દો બોલ્યા હતા. જે શેરી– ગલીના સામાન્ય કાર્યકર પણ ન બોલે.ભાજપે જે વ્યક્તિઓને મોટા નેતા બનાવી દીધા છે તે નેતાઓ જ હવે પક્ષની આબરૂને ધૂળધાણી કરી રહ્યા છે. રામ મંદિરનું નિર્માણ કરનાર પાર્ટી ભાજપના સાંસદો હવે ભગવાન રામનું નામ લજવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જે રીતે મોકરીયાએ શબ્દ પ્રયોગ કર્યો તે ખરેખર કોઈ કાળે ઉચિત ન ગણાવી શકાય. રામભાઈ મોકરીયાને આખા બોલા નેતા માનવામાં આવે છે. પરંતુ તેઓના નામમાં “રામ“નો શબ્દ આવે છે જેને માન આપી તેઓએ શબ્દ પ્રયોગ કરવો જોઈએ પરંતુ અફસોસએ વાત છે કે આ આખાબોલા નેતાને ક્યારે શું બોલવું તેની ખબર રહેતી નથી.આજે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે મોકરીયાના દ્વિઅર્થી શબ્દોને કારણે ભાજપ શરમ માં મુકાય ગયું છે.
સેવામાં સરતાજ પરંતુ સંગઠનમાં નિષ્ફળ
રાજકોટ શહેર ભાજપ પ્રમુખને જવાબદારી હાઇ કમાંડ દ્વારા આજથી એક વર્ષ પૂર્વે મુકેશભાઈ દોશીને સોંપવામાં આવી છે.તેઓ સેવામાં ખરેખર સરતાજ છે. સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓના તોલે કોઈ આવી શકે તેમ નથી પરંતુ રાજકારણના કઠિન માર્ગ પર ચાલુ તેઓ માટે પડકારજનક નહીં પરંતુ મહા મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે.થોડા સમયમાં એવી ઘણી ઘટનાઓ એવી ઘટી છે જેમાં શહેર ભાજપના પ્રમુખ તેઓ પગલા લેવામાં નિષ્ફળ રહ્યા છે.અગ્નિ કાંડની ઘટના બાદ શહેરમાં શોક છવાય ગયો છે. આવામાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત થાય તો પણ ઉજવણી ન કરાય તે સામાન્ય કાર્યકર પણ સમજી શકે છે.આ વાતની ઘોષણા કરવા માટે ગઈકાલે શહેર ભાજપ પ્રમુખ દ્વારા કમલમ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પક્ષની સામાન્ય બાબતમાં પણ
પબ્લિસિટી મેળવવાના તેઓના આ પ્રયાસની આલોચના થઈ રહી છે સંગઠનમાં તેઓ નિષ્ફળ નીવડી રહ્યા છે. તેઓના પ્રયાસ ખરેખર સારા હશે પરંતુ હાલની ઘટના જોતા તેઓએ જે રીતનું પત્રકાર પરિષદનું આયોજન કર્યું તે વ્યાજબી નથી.અગ્નિકાંડની ઘટનામાં વેળાએ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા પણ હસતા મોઢે નજરે પડ્યા હતા. ત્યારે સંગઠનના મુખ્ય વ્યક્તિ તરીકે મુકેશભાઈ તેઓને ઠપકો આપવો જોઈએ પરંતુ તેઓ આવું કરી શકતા નથી.
પ્રદેશ પ્રવક્તા ક્યાંરે જેન્ટલમેન બનશે…???
રાજુભાઈ ધ્રુવ છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર–કચ્છના ભાજપના પ્રદેશ પ્રવક્તા તરીકેનો હોદો ભોગવી રહ્યા છે.આ હોદા માટે તેઓ આમ જોવામાં આવે તો પૂરી રીતે સક્ષમ નથી. પરંતુ મોટા નેતાઓની “હા“માં “હા“અને “ના“માં “ના” કરવાની તેઓની જીહજુરીની આવડતના કારણે પ્રદેશ ભાજપ પ્રમુખ કોઈપણ બને પરંતુ તેઓને માટે આ હોદો જાણે અનામત હોય તેવું લાગી રહ્યું છે. મીડિયા પ્રવક્તાની પ્રથમ જવાબદારી તે હોય છે કે તેઓએ કોઈપણ ઘટનામાં પક્ષની ભૂમિકા અખબારી આલમ કે મીડિયા જગત સમક્ષ સ્પષ્ટપણે રજુ કરવી જોઈએ. પરંતુ અફસોસની
વાત એ છે કે રાજુભાઈ ધ્રુવ આ જવાબદારી નિભાવી શકતા નથી. માત્ર પત્રકાર પરિષદનું આયોજન કરવામાં તેમની મુખ્ય ભૂમિકા રહી છે. તેમાં પણ મોટા ભાગે અવ્યવસ્થા જેવો જ માહોલ જોવા મળે છે. રાષ્ટ્રીય કે પ્રદેશ કક્ષાના નેતાઓ સાથે ફોટા પડાવવા તેઓનો સૌથી મોટો શોખ રહ્યો છે. કેન્દ્ર કે રાજ્ય સરકારની યોજનાઓના બેફામ વખાણ કરવા તેઓની મૂળભૂત આદત છે.હંમેશા એક જ વાતને વળગી રહે છે કે આ વખતે ખરેખર મારી ભૂલ કહેવાય આવતી વખતે 100 ટકા ધ્યાન રાખીશ.
નામ “પરસોતમ” પણ કામ….!!!!
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે આ વખતે આયાતી ઉમેદવાર ગણાતા પરસોતમભાઈ રૂપાલાને ટિકિટ આપી હતી.રાજા રજવાડા અંગે તેઓએ કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ તેઓથી ભારોભાર નારાજ છે. રાજકોટની જનતા પણ તેઓને પૂરી રીતે સ્વીકારી શકી નથી.પરસોતમભાઈની કાર્ય પદ્ધતિથી સૌ કોઈ વાકેફ છે અગ્નિકાંડની ઘટના ઘટ્યાના 54 કલાકનો સમય વીત્યા પછી તેઓ હતભાગી પરિવારોના આંસુ લુછવા માટે દેખાયા હતા.તેઓનું નામ ભલે પરસોતમ હોય પરંતુ કામ એક રાષ્ટ્રીય નેતા જેવું રહ્યું છે.તેઓ રાજકોટના સાંસદ તરીકે ચૂંટાઈ આવશે તો પણ જનતાની તેઓની સેવાની પૂરતો લાભ મળશે નહીં. કારણ કે તેઓ મૂળ રાજકોટ ન હોવાના કારણે કાયમી અહીં વસવાટ કરે તેવી શક્યતા ઓછી છે.જો કેન્દ્ર સરકારમાં મંત્રી પદ આપવામાં આવશે તો તેઓના દર્શન જ દુર્લભ થઈ જશે. ભાજપપ્રેમી રાજકોટની જનતાએ પક્ષ જે ચેહરો મૂકે તેને સ્વીકારી લેવાય સિવાય કોઈ છૂટકો રહ્યો નથી.