આવો શિયાળો તો ક્યારેય કોઈએ જોયો નથી, વારેઘડિયે માવઠા અને તેમાંય બપોરે ઉનાળા જેવો તાપ
માણસ પોતાના સ્વાર્થ માટે કુદરત સાથે રમત રમી રહ્યો છે. કુદરતને ભારે નુકસાન પહોંચાડી રહ્યો છે. ત્યારે હવે કુદરતે પણ રિસાઈને માણસ જાતને ” સમજી જાવ તો સારું” એવો મેસેજ આપી દીધો છે. માણસે કુદરતને નુકસાન પહોચાડ્યું છે તેની સજા તો મળતી જ રહેવાની છે. પણ જો હવે જો માણસ જાત સજાગ નહિ થાય તો જીવ સૃષ્ટિ નાબુદ થવાની શકયતા પણ નકારી શકાય તેમ નથી.
આવો શિયાળો તો ક્યારેય કોઈએ જોયો નથી, વારેઘડિયે માવઠા અને તેમાંય બપોરે ઉનાળા જેવો તાપ. આવા ઉદગારો વડીલોના મોઢે અત્યારે નીકળી રહ્યા છે. લોકોએ પોતાના સ્વાર્થ ખાતર જળ, વાયુ અને જમીનને પ્રદુષિત કરી નાખી છે. જ્યાં જુઓ ત્યાં બસ પ્રદુષણ, પ્રદુષણ અને પ્રદુષણ જ ફેલાવવામાં આવી રહ્યું છે. જેની અસર આવવાની શરૂ પણ થઈ ગઈ છે. શિયાળામાં ઠંડીની સાથે લગાતાર માવઠા પડી રહ્યા છે. માવઠાની સાથે ભરશિયાળે અમુક દિવસોમાં બપોરે તડકો પણ ઉનાળાની અનુભૂતિ કરાવે છે. આમ એક દિવસમાં ત્રણ ત્રણ સિઝનનું મિશ્રણ જોવા મળે છે.
તાજેતરમાં જ જે માવઠું પડ્યું તેને પગલે ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઇ છે. માવઠાથી મકાઇ, રજકો, જીરું, ધાણા, ઘઉં, મેથી જેવા રવિ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ગુજરાતને છેલ્લા બે મહિનામાં ત્રીજી વખત માવઠાની સમસ્યાનો સામનો કરવો પડયો છે. તેવામાં અત્યારે તો શીત લહેર ચાલી રહી છે. હજુ આ શીત લહેર પૂર્ણ થશે એટલે તુરંત જ ફરી માવઠું રાહ જોઈ રહ્યું છે. હવામાન વિભાગે આગામી તા.16થી 20 સુધી ફરી માવઠાની આગાહી કરી છે. આમ રોજ બરોજ બદલતો મૌસમ એ કુદરત નારાજ હોવાનું પ્રતીત કરાવે છે.
ક્લાઈમેટ ચેન્જના પ્રશ્નથી આખું વિશ્વ પીડાઈ રહ્યું છે. હવે આ સમસ્યા સામે લડવા તમામ દેશો રસ્તાઓ શોધી રહ્યા છે. પણ કમનસીબે હજુ પણ પ્રદુષણ ચાલુ રાખવું જ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે લોકોએ સ્વયમ સજાગ થવાની જરૂરિયાત છે. પર્યાવરણને નુકસાન પહોંચતું હોય તેવી કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ.