શરીરની રચના કરતા સ્નાયુ, અવયવો અને અન્ય મહત્વપૂર્ણ ઘટકોના નિર્માણમાં પ્રોટીનની નિર્ણાયક ભૂમિકા: પ્રોટીનના એમિનો એસિડની માત્રાનું યોગ્ય પ્રમાણ હોવું પણ જરૂરી
પ્રોટીન શરીરના “બિલ્ડીંગ બ્લોકસ” તરીકે ઓળખાય છે,શરીરના બંધારણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.પ્રોટીન એક એવો પદાર્થ છે જેની ઉણપ પણ શરીરને નુકસાન કરે છે અને તેને વધુ માત્રામાં લેવામાં આવે તો પણ શરીરને નુકસાન થાય છે આ અંગે અબતક ની ટીમ દ્વારા વિવિધ ક્ષેત્રના તજજ્ઞોની મુલાકાત લઈ તેમનું આ અંગે માર્ગદર્શન લેવામાં આવ્યું હતું.
સારાં સ્વાસ્થ્ય માટે શરીરમાં તમામ પોષકતત્ત્વો હોવા જરૂરી છે. જો તમે પોષણથી ભરપૂર ભોજન લો તો જ આ શક્ય બને છે. આ માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે, આપણાં શરીરમાં કયા પોષકતત્ત્વોનો સૌથી વધુ જરુરી છે અને કયા ખોરાક દ્વારા આ પોષકતત્ત્વોની ઊણપને દૂર કરી શકાશે. તંદુરસ્ત અને રોગમુકત રહેવા માટે પ્રોટિનયુકત ખોરાક લેવો જોઈએ.આપણા શરીરનું નિર્માણ કરતી રચના અને જાળવણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા હોવાથી પ્રોટીનને ઘણીવાર શરીરના “બિલ્ડીંગ બ્લોક્સ” તરીકે ઓળખવામાં આવે છે.
પ્રોટીન એ શરીરના બિલ્ડીંગ બ્લોક્સ છે જે વિવિધ એમિનો એસિડ બનાવે છે.પ્રોટીન આપણા શરીરના દરેક કોષનું નિર્માણ કરે છે, પરંતુ જેમ પ્રોટીન એમિનો એસિડના વિવિધ મિશ્રણથી બનેલું હોય છે, તેમ તેઓ વિવિધ કાર્યો પણ કરે છે.કેટલાક પ્રોટીન આપણા વાળ, ત્વચા, નખ, અને પેશીઓને માળખું આપે છે.જ્યારે ઘણા સ્નાયુઓની વૃદ્ધિ અને જાળવણીમાં ભાગ ભજવે છે.વિવિધ ખાદ્ય પ્રોટીનમાં આવશ્યક એમિનો એસિડની વિવિધ માત્રા હોય છે અને તે પ્રોટીનની ગુણવત્તા નક્કી કરે છે. જો પ્રોટીનમાં તમામ આવશ્યક એમિનો એસિડનું યોગ્ય પ્રમાણ હોય, તો તે ઉચ્ચ ગુણવત્તાનું પ્રોટીન કહેવાય છે.
પ્રોટીન એ સ્નાયુઓ, અંગો અને અંત:સ્ત્રાવી ગ્રંથીઓના મુખ્ય ઘટકો છે. તે આપણા શરીરના દરેક જીવંત કોષમાં હાજર છે અને દરેક કોષની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે. શરીરના વિકાસ માટે બાલ્યાવસ્થાથી પુખ્તાવસ્થા સુધી જરૂરી છે. ઇજાગ્રસ્ત અથવા ક્ષતિગ્રસ્ત કોષોને સુધારવા માટે પુન:સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિક ભજવે છે.ઉદા.કેરાટિન પ્રોટિન વાળ અને નખમાં જોવા મળતું પ્રોટીન, ક્ષતિગ્રસ્ત વાળને તંદુરસ્ત અને પુનજીર્વિતકરવામાં મદદ કરે છે.પ્રોટીન ઘાને રૂઝાવવામાં,અને નવા પેશીઓના નિર્માણને પ્રોત્સાહન આપવામાં ભૂમિકા ભજવે છે. સૌથી વધું પ્રોટીન સોયાબીન, કઠોળ, બદામ અને બીજ, આખા અનાજ,,પનીર, ફળો, દૂધ, લીલા શાકભાજી અને મગફળીમાંથી પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળે છે.
શરીરમાં પ્રોટીનની ઉણપથી થતા નુકશાન
- વૃદ્ધિ અને વિકાસમાં અવરોધ
- ત્વચા, વાળ અને નખની સમસ્યાઓ
- આંતરસ્ત્રાવીય અસંતુલન
- માંસપેશીઓમાં દુખાવો અને હાડકામાં નબળાઈ
- શરીરમાં ખૂબ જ થાક, નબળાઈ અને ઉર્જાનો અભાવ
- રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે.
દરરોજ કેટલા પ્રમાણમાં પ્રોટીન જરુરી છે
- શિશુઓ (0 – 6 મહિના): દિવસ દીઠ 9-11 ગ્રામ
- શિશુઓ (7-12 મહિના): દરરોજ 11-14 ગ્રામ
- બાળકો (1-3 વર્ષ): દરરોજ 13 ગ્રામ
- બાળકો (4-8 વર્ષ): દરરોજ 19 ગ્રામ
- બાળકો (9-13 વર્ષ): દરરોજ 34 ગ્રામ
- કિશોરો (14-18 વર્ષ): દરરોજ 46 ગ્રામ
- પુરુષો: દરરોજ 56-91 ગ્રામ
- સ્ત્રીઓ: દરરોજ 46-75 ગ્રામ
ત્વચાના સ્વાસ્થ્ય અને દેખાવને જાળવવામાં પ્રોટીન ખૂબ જ આવશ્યક: ડો.પ્રિયંકા સુતરીયા
સ્કિન એક્સપર્ટસ ડો. પ્રિયંકા સુતરીયાએ અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે ત્વચાના સ્વાસ્થ્ય અને દેખાવને જાળવવામાં પ્રોટીન નિર્ણાયક ભૂમિકા ભજવે છે. કોલેજીન અને ઇલાસ્ટીનપ્રોટિન ત્વચાનું મુખ્ય માળખાકીય ઘટક છે. તે ત્વચાને શક્તિ, સ્થિતિસ્થાપકતા અને મક્કમતા પ્રદાન કરે છે. કોલેજનના ઉત્પાદન માટે પૂરતા પ્રમાણમાં પ્રોટીનનું સેવન જરૂરી છે, જે ત્વચાની રચનાને જાળવવામાં મદદ કરે છે અને ઝોલ અને કરચલીઓ અટકાવે છે.
ઘા રૂઝાવવા માટે પ્રોટીન મહત્વપૂર્ણ છે કારણ કે તે ત્વચાના નવા કોષો અને પેશીઓના ઉત્પાદનમાં મદદ કરે છે. ત્વચામાં બાહ્ય તત્વો, જેમ કે પર્યાવરણીય પ્રદૂષકો, સૂક્ષ્મજીવાણુઓ અને યુવી કિરણોત્સર્ગ સામે રક્ષણાત્મક અવરોધ તરીકે કાર્ય કરે છે. કેરાટિન નામના પ્રોટીન ત્વચાના સૌથી બહારના સ્તરને બનાવવામાં મદદ કરે છે, જે બાહ્ય ત્વચા તરીકે ઓળખાય છે. આ સ્તર પાણીના નુકશાનને રોકવામાં મદદ કરે છે, હાનિકારક પદાર્થો સામે રક્ષણ આપે છે અને ત્વચાના હાઇડ્રેશન સ્તરને જાળવી રાખે છે.ઉનાળામાં શરીરને વધુ પાણીની જરૂર પડે છે. પાણીની અછતને કારણે ત્વચા ખૂબ જ નિસ્તેજ થઈ જાય છે. આ માટે દરરોજ પુષ્કળ પાણી પીવો.પાણી શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. બને તેટલું સ્વચ્છ ફૂડ ખાવું જોઈએ, બને એટલું જંકફૂડ ઓછું ખાવું જોઈએ
મજબૂત અને હેલ્ધી વાળ માટે પ્રોટીન યુક્ત આહાર ખૂબ જરૂરી: ડો. દ્રષ્ટિ દવે
નવ્યા સ્કિન અને હેર ક્લિનિક ઓનર ડો. દ્રષ્ટિ દવેએ અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રોટિનએ વાળ માટે ખુબજ જરૂરી છે.વાળ મુખ્યત્વે કેરેટિન નામના પ્રોટીનથી બનેલું છે, અને પ્રોટીન તેના વિકાસ, માળખું અને એકંદર દેખાવ માટે આવશ્યક છે. વાળ તૂટી રહ્યાં છે, ડેમેજ, ડ્રાય અને ખરાબ થઈ રહ્યાં છે.તો વાળ માટે પ્રોટીન ટ્રીટમેન્ટની જરૂરી છે. જે રીતે આપણાં શરીરને હેલ્ધી રાખવા માટે પ્રોટીન જરૂરી છે. તે જ રીતે વાળને હેલ્ધી રાખવા માટે પણ પ્રોટીન જરૂરી છે.વાળમા પ્રોટીનની ઉણપના કારણે એનેક સમસ્યા થઇ શકે છે. જેથી પૂરતી માત્રામાં પ્રોટિન લેવાથી સમસ્યાનું નિરાકરણ કરી શકાઈ છે. જો વાળમાં પ્રોટિનની ઉણપ હોય તો વાળ ખરવા, ટાલ પડવી, વાળ આછા થવા, વાળ ન વધવા જેવી સમસ્યા થઇ શકે છે જેથી વાળ માટે
કેરોટિન પ્રોટિન ખૂબ જ જરૂરી છે.ફણગાવેલા કઠોળ, ચણાની દાળ, મગની દાળ, દુધ તેમજ પનીરમાં સારી માત્રામાં પ્રોટિન મળે છે. .આ સિવાય આપણે સ્ટાઇલ અને બહારથી હેલ્ધી અને સુંદર દેખાડવા માટે યોગ્ય માત્રામાં પ્રોટીન લેવું જોઈએ.હકીકતમાં, વાળને બહારથી સુંદર દેખાડવા માટે શરીરને અંદરથી હેલ્ધી રાખવું ખૂબ જ જરૂરી છે. વાળને હેલ્ધિ અને સુંદર રાખવા માટે વિવિધ પ્રકારના શેમ્પુ સહિતના પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ઘણી વખત વાળની આંતરિક સંભાળ પર ધ્યાન આપતા નથી. બાહ્ય ઉપચાર અથવા બાહ્ય વાળની સંભાળ મહત્વપૂર્ણ છે તેનાથી પણ વધારે આંતરિક વાળની સંભાળ મહત્વની છે.
ગર્ભાવસ્થામાં માતા અને બાળકના વિકાસમાં પ્રોટીનની મહત્વની ભૂમિકા: ડો. દીપા મણિયાર
મંગલમ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો.દીપાબેન મણીયારે અબતક મીડિયા સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે શરીરમાં પ્રોટીન, વિટામીન, કાર્બોહાઈડ્રેટ ખુબજ જરુરી છે. જેમકે કાર્બોહાઈડ્રેટ એટલે શર્કરા જેનાથી શરીરમાં ઉર્જા મળે છે ફેટ એટલે ચરબી જે તેલ અને ઘી માંથી મળે છે અને કાર્બોદિત પદાર્થની ગેરહાજરીમાં ચરબી કામ કરે છે પ્રોટીન આપણા શરીરમાં મેક્સિમમ જે મસલ્સ હોય છે એને બિલ્ડપ કરે છે. ફણગાવેલા કઠોળ ડ્રાયફ્રુટ્સ ફ્રૂટ્સ આ બધા પ્રોટીન માટે સારા તત્વો છે જેમાંથી આપણને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી શકે છે. સગર્ભાવસ્થા દરમિયાન પ્રોટીન
ની જરૂરિયાત વધારે પ્રમાણમાં જરૂરી છે. એ વખતે ડોક્ટર દ્વારા સ્ત્રીને પ્રોટીન પાવડર અથવા તો રીચ ફૂડ લેવાની સલાહ આપવામાં આવતી હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળક બંનેના વિકાસમાં પ્રોટીન નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ગર્ભાવસ્થા દરમિયાન બાળકના અંગો, સ્નાયુઓ અને પેશીઓના વિકાસ માટે પ્રોટીન આવશ્યક છે. તે કોષ વિભાજન અને નવા કોષોના ઉત્પાદન માટે જરૂરી છે.તંદુરસ્ત રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે પ્રોટીન જરૂરી છે.
વર્કઆઉટ શરૂ કરવાના આશરે બે મહિના પછી તમે પ્રોટીન લેવાનું શરૂ કરી શકો : વિકકી શાહ
અબતક સાથેની વાતચીતમાં ફિટનેસ-5 જીમના માલિક વિકકી શાહ જણાવે છે કે, જ્યારે પણ તમે કસરત કરો છો ત્યારે વર્કઆઉટ કરો છો ત્યારે સ્નાયુઓમાં જે બદલાવ આવતો હોય છે તેમાં પ્રોટીનની ખૂબ મહત્વની ભૂમિકા છે.ખોરાકમાં સોયા મિલ્ક, પનીર,બીન્સ વગેરેમાંથી પ્રોટીનનો જથ્થો સારા પ્રમાણમાં મળી રહે છે. વર્કઆઉટ શરૂ કરવાના આશરે બે મહિના પછી તમે પ્રોટીન લેવાનું શરૂ કરી શકો છો જો આપ કોઈ વર્કઆઉટ વગર પ્રોટીનનું સેવન કરો છો તો તેના ગેરફાયદા પણ છે તે આપને કિડની લીવર પર અસર કરે છે. હાલ બજારમાં પ્રોટીનના બનાવટી સપ્લિમેન્ટ્સ પણ ઉપલબ્ધ છે તો આપણે ખરીદતા પહેલા ચોક્કસથી ભરોસાપાત્ર સ્થળ પરથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.
કિડની શરીરમાં પ્રોટીનના ચયાપચય માટે જવાબદાર ડો સંજય પંડ્યા
સમર્પણ હોસ્પિટલના કિડની સ્પેશિયાલિસ્ટ ડો. સંજય પંડયાએ અબતક મીડિયાની સાથેની ખાસ વાતચિત દરમ્યાન જણાવ્યું હતું કે શરીરમાં પ્રોટીનનું સંતુલન જાળવવામાં કિડની નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પ્રોટીન એ વિવિધ શારીરિક પ્રક્રિયાઓમાં સામેલ આવશ્યક મેક્રોમોલેક્યુલ્સ છે, જેમાં વૃદ્ધિ, અને શારીરિક કાર્યોના નિયમનનો સમાવેશ થાય છે. કિડની શરીરમાં પ્રોટીનના ચયાપચય માટે જવાબદાર છે. જ્યારે આપણે આહાર પ્રોટીનનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તે પાચનની પ્રક્રિયા દ્વારા એમિનો એસિડમાં તૂટી જાય છે. આ એમિનો એસિડ પછી લોહીના પ્રવાહમાં શોષાય છે અને પ્રોટીન સંશ્લેષણ માટે વિવિધ કોષો અને પેશીઓમાં પરિવહન થાય છે. કિડની લોહીના પ્રવાહમાં એમિનો એસિડના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.ડાયાબિટીસની તપાસ કરાવવા માટે શુગરનું ચેકઅપ કરીએ છીએ. તેવી જ રીતે કિડની ની તપાસ કરાવવા માટે લોહીનું પ્રમાણ એટલે કે બ્લડ પ્રેશર ચેકઅપ કરાવવું જોઈએ.
બાળકોના વિકાસ, અને એકંદર આરોગ્ય માટે પ્રોટીન અતિ મહત્વનું: અનિલ ત્રાંબડીયા
શીશુ મંગલ હોસ્પિટલના પીડિયાટ્રીશ્યન ડો. અનિલ ત્રાબડીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં પ્રોટીનની શરીરમાં મહત્વતાને લગતી માહિતી આપતા જણાવ્યું હતું કે બાળકોમાં પણ ઘણા બધા રોગ થતા હોય છે અને તે જન્મજાત અથવા છ મહિનાથી લઈને દસ વર્ષ સુધી ના બાળકોમાં ઓરી, અછબડા, પોલિયો ,રતાંધળાપણું વગેરે જેવા રોગો થાય છે અને સાથે તેનું નિરાકરણ માટે પ્રોટીન ફોસ્ફરસ અને કેલ્શિયમ યુક્ત ખોરાક ખૂજ આવશ્યક છે.જેમકે કેળામાંથી કેલ્શિયમ, ચણામાંથી પ્રોટીન અને સંતરા અને મોસંબી નું જ્યુસ વિટામીન થી ભરપૂર હોય છે.
વાલીઓએ બાળકોને બહારનું ફાસ્ટફુડ ન ખવડાવું તે બાબતે જાગૃત કરવા જોઈએ.બાળકોના વિકાસ, અને એકંદર આરોગ્ય માટે પ્રોટીન અતિ મહત્વનું છે. તે પેશીઓ, સ્નાયુઓ, અંગો અને હાડકાં માટે બિલ્ડિંગ બ્લોક્સ પૂરા પાડે છે. બાળપણના ઝડપી વિકાસના તબક્કા દરમિયાન, મજબૂત હાડકાં અને સ્નાયુઓના વિકાસને ટેકો આપવા માટે પ્રોટીનનું પૂરતું સેવન જરૂરી છે.બાળપણ દરમિયાન મગજનો નોંધપાત્ર વિકાસ થાય છે.
શરીરમાં હાડકા અને સ્નાયુઓ માટે પ્રોટીન ખૂબ અગત્યનું : ડો.હિરેન કોઠારી
અબતક સાથેની વાતચીતમાં ઓર્થોપેડિક સર્જન ડો.હિરેન કોઠારી જણાવે છે કે, આપણા શરીરમાં હાડકા અને સ્નાયુઓ માટે પ્રોટીન ખૂબ અગત્યનું છે સ્નાયુઓના વિકાસ માટે પ્રોટીન એક મહત્વનો ભાગ ભજવે છે સમયની સાથે હાડકા તથા સ્નાયુઓમાંથી પ્રોટીન ઓછું થાય છે જેને લીધે તે નબળા પડે છે સ્વસ્થ સુડોળ શરીર માટે પ્રોટીનની માત્રા જરૂરી છે જેથી હંમેશા તે નિશ્ચિત કરવું જોઈએ કે શરીરમાં પ્રોટીનની માત્રા પ્રમાણમાં રહે સામાન્ય રીતે એક કિલોગ્રામે 1.5 ગ્રામ પ્રોટીન માનવ શરીરમાં જરૂરી છે પ્રોટીનના સ્ત્રોતની વાત કરીએ તો દાળ કઠોળ બદામ સો એ પ્રોટીન વગેરે જેવા અનેક સ્ત્રોતો છે જેમાંથી આપણને પ્રોટીન મળી શકે છે. ઓર્થોપેડિકને લગતી કોઈપણ સર્જરી બાદ પોસ્ટ ઓપરેશન સમયમાં રિકવરી માટે પ્રોટીનની જરૂર કરતા વધારે પ્રમાણમાં જરૂર રહે છે.