વાદલડી વરસી રે…!!!
નર્મદામાં દરરોજ ૭.૪૯ લાખ ક્યુસેક પાણીની આવકના કારણે ડેમના ૩૦માંથી ૨૭ દરવાજા ખોલીને ૪.૪૯ લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે
ચાલુ વર્ષે ચોમાસાની ઋતુના પ્રારંભે આવેલા વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદ ખેંચાયો હતો જેથી, આ વર્ષે ગુજરાત માટે દુષ્કાળરૂપ પૂરપાટ થશે તેવી સંભાવનાઓ સેવાય રહી હતી. પરંતુ લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ રાજયભરમાં શ્રીકાર મહેર વરસાવી હતી જેના કારણે રાજયભરનાં ડેમોમાં વર્ષભર ચાલે તેવા પાણીનો સંગ્રહ થઈ જવા પામ્યો હતો. જયારે, મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ થતા ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીમાં પણ મોટી માત્રામાં પાણી આવ્યું હતુ જેથી રાજય સરકારે વધારાનું પાણી છોડીને સરદાર સરોવર ડેમ બન્યા બાદ પ્રથમ વખત આ ડેમને ધીમેધીમે તેની મહતમ સંગ્રહ ક્ષમતા ૧૩૮.૬૮ મીટર સુધી ભરીને ડેમની ક્ષમતાની ચકાસણી કરવાનો નિર્ણય કર્યો છે. કુદરતની મહેરબાનીથી ટુંકા સમયમાં નર્મદાથી માંડીને રાજયના તમામ ડેમો છલકાઈ જવા પામ્યો છે.
ગુજરાતની જીવાદોરી મનાતી નર્મદા આધારીત સરદાર સરોવરડેમની સપાટી મહત્તમ ૧૩૬ મીટર ની નવી ઉંચાઈએ પહોચતા વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ટવીટર પર બુધવારે પાણીથી છલોછલ ભરેલા સરદાર સરોવર ડેમનો ફોટો મૂકી લોકોને અવશ્ય પણે ડેમની મુલાકાત લેવા આહવાન કર્યું હતુ. રાજય સરકાર આગામી પખવાડીયા સુધીમાં સરદાર સરોવર ડેમની ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ ઉંચાઈ સુધી પાણી ભરવા તૈયાર કરી રહ્યું છે. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતુ કે ડેમની એકવાર સંપૂર્ણ સપાટી સુધી પાણી ભરવામાં આવે તો ૨૦૧૭ની જળરાશીથી ત્રણ ગણુ પાણીનું સંગ્રહ કરી શકાય તેમ છે.
ડેમ ઉપરથી છોડતા પાણીના ધોધની તસ્વીર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કર્યું હતુ કે સરદાર સરોવર ડેમની જળ સપાટી ૧૩૪ મી.ની સપાટીએ પહોચી ચૂકી છે. આ નજરો દેશ માટે અદભૂત અને ગૌરવરૂપ છે. આશા છે કે તમે આ આયકોનીક સ્થળ અને સ્ટેચ્યુઓફ યુનિટી જોવા અવશ્ય જશો. સરદાર સરોવર ડેમના દરવાજાઓ બનાવવાનું કામ ૨૦૧૭માં પૂરૂ થઈ ચૂકયું હતુ પરંતુ વરસાદન અછતા કારણે ડેમ છલોછલ ભરવામાં આવ્યું નહતુ નર્મદા ડેમના અધિકારીઓએ જણાવ્યું હતુ કે અત્યારે સેક્ધડમાં ડેમમા ૭.૪૯ લાખ કયુસેક મીટર પાણીની આવક થઈ રહી છે. તેની સામે ૩૦માંથી ૨૩ દરવાજાઓ ખોલીને ૪.૪૯ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
આ ડેમની ૪.૭૫ મીલીયન એકર ફૂટ પાણીની કુલ સંગ્રહ ક્ષમતા છે. તેની સામે અત્યારે ૮૪.૮૪ ટકા પાણી ભરાઈ ચૂકયું છે. સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતુ કે ન કરે નારાયણ ને રાજયમાં બે ચોમાસા નબળા જાય તો પણ રાજયભરમાં પીવાનું પાણી બે વર્ષ સુધી વિના વિઘ્ન આપી શકાય તેટલુ પાણી ભરાઈ ચૂકયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે અત્યારે વિજળી ઉત્પાદન કાર્ય પણ કુલ ક્ષમતાના ૪૦% જેટલુ શરૂ થઈ ચૂકયું છે.
મેઘરાજાની રાજયભર પર શ્રીકાર કૃપા બાદ ગત વર્ષની સરખામણીમાં ઓગષ્ટ માસમાં ૯૩.૫૯ ટકા વરસાદ નોંધાયો છે. જેના કારણે રાજયભરનાં ૨૦૩ ડેમોમાં ૪૫ ટકા વધારે પાણી ભરાયું છે. રાજયની વિસ્તારવાઈઝ સ્થિતિ જોઈએ તો ઉત્તર ગુજરાતના ડેમોની ૧૯૨૨.૨૬ એમસીએમ પાણી ભરવાની ક્ષમતા સામે ગત વર્ષે ઓગષ્ટ માસમાં ૬૩૬.૮૫ એમસીએમ પાણી હતુ જયારે આ વર્ષે ૬૩૪.૭૪ એમસીએમ પાણી ભરાયું છે. મધ્ય ગુજરાતના ડેમોની ૨૩૫૧.૪૭ એમસીએમ પાણીની સંગ્રહક્ષમતા સામે ગત વર્ષે ૧૮૬૪.૨૧ એમસીએમ પાણી જયારે ચાલુ વર્ષે ૨૨૦૫.૩૭ એમસીએમ પાણી ભરાયું છે. દક્ષિણ ગુજરાતના ડેમોની ૮૬૩૧.૪૨ એમસીએમ ક્ષમતા સામે ગત વર્ષે ૪૧૯૩.૫૮ એમસીએમ જયારે ચાલુ વર્ષે ૭૦૧૮.૨૧ એમસીએમ પાણી ભરાયું છે.
સૌરાષ્ટ્રના ડેમોની વાત કરીએ તો ૨૫૩૭.૦૭ એમસીએમ પાણીની ક્ષમતા સામે ગત વર્ષે ઓગષ્ટ માસમાં ૧૧૨૮.૦૭ એમસીએમ પાણી સામે ચાલુ વર્ષનાં ઓગષ્ટ માસમાં ૧૩૮૨.૯૫ એમસીએમ પાણી સંગ્રહ થઈ ચૂકયું છે. કચ્છના ડેમોની ૩૩૨.૦૨ અમેસીએમ પાણીની સંગ્રહ ક્ષમતા સામે ગત વર્ષે ૪૧.૯૫ એમસીએમ પાણીની હતુ જયારે આ વર્ષે ઓગષ્ટ માસ સુધીમાં ૨૦૭.૮૩ એમસીએમ પાણી સંગ્રહ થઈ ચૂકયું છે. આમ રાજયભરનાં ડેમોની કુલ સંગ્રહ ક્ષમતા ૧૫૭૭૪.૨૪ એમસીએમ સામે ગત વર્ષે ઓગષ્ટ માસમાં ૭૮૬૪.૬૬ અમેસીએમ પાણી ભરાયું હતુ જેમાં આ વર્ષનાં ઓગષ્ટ માસમાં ૧૧૪૪૯.૧૦ અમેસીએમ પાણી ભરાય ચૂકયું છે. તેની સરખામણીમાં સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહક્ષમતા ૯૪૬૦ એમસીએમની સરખામણીમાં ગત વર્ષે ઓગષ્ટ માસમાં ૪૯૭૦.૫૪ એમસીએમ પાણી હતુ જયારે આ વર્ષે ઓગષ્ટ માસ સુધીમાં ગત વર્ષ કરતા ડબલ જેટલુ એટલે કે ૮૦૨૫.૮૦ એમસીએમ પાણી ભરાયું છે.