ગરીબ અમીરી
શિયાળાની ગુલાબી પ્રભાતે ધરતીએ નવોઢાની અદાથી સૂર્યનારાયણનાં નવજાત કિરણોની લાલી લગાવી હતી. આ લાલી ઉપર લાંબાં લાંબાં ડગલાં ભરતો આશિષ કોલેજ તરફ ઉતાવળે ઘસી રહ્યો હતો. એવામાં એક નાજુકડી મોટર બાજુમાં થંભી ગઇ.
“ઓહ આશિષ !, આમ દોડતા જશો તોય મોડું થઇ જશે; ગાડીમાં બેસી જાવ.”
‘‘થેંકયુ’’ કહી ને એ બેસી ગયો.
આશિષનું મનસરોવર આનંદની લહેરોથી ઝૂમી ઉઠયું. ગઈકાલે કોલેજના પ્રથમ દિવસે પરિચય વિધિ વખતે મિત્રોના આગ્રહથી એણે જયારે એક ગઝલ ગાઇ હતી ત્યારે એ ગઝલના શબ્દ- શબ્દ અને અવાજના લ્હેકે ોકે એક વ્યક્તિ ઝૂમતી હતી, ઝૂરતી હતી અને એ હતી આ ગાડી ચલાવનાર પોતે જ… !
‘“ભલા માણસ ! તમારા ગળામાં અષાઢી મોરલાની સ્વરપેટી લાગે છે. મને એમ છે કે હજી પણ આપણા રૂમની છતમાંથી તમારો અવાજ નીતરતો હશે…”
બન્ને હસી પડયાં.
‘‘તમે તો ગજબના ભઇ, કાલે નજરનાં ચાબખાં મારીને મને ચલિત કરતાં હતાં તે આજે પ્રશંસાનાં તીર મારો છો… કયાંક હું અભિમાની ન થઇ જાઉં.’’
‘‘આશિષ, તમે કેટલા સહ્દયી છો, હું તો એમ ઇચ્છું છું કે તમે રોજ મોડા પડો ને હું તમને રોજ મારી ગાડીમાં બેસાડું.”
‘‘અચ્છા, તો તમે દરરોજ ગાડી લઇને કોલેજે આવશો ?’’
‘હું”
હવે હું કાયમ મોડો જ પડીશ.” કહેતા ફરીવાર ઉભયપક્ષે હાસ્યનો ધોધ વહાવ્યો.
‘લ્યો, આશિષ, કોલેજ તો આવી ગઇ… આપણે તો ઘણી બધી વાતો કરવી’તી.’’
ગાંડા મોઢે વાતો કરવી હોય તો કાલે તમે પણ મારી સાથે ચાલીને જ આવજોને. પણ તમે અમીરો ગાડી નીચે પગ શા માટે મૂકો?”’
‘આ વિચાર તો તમને ગાડીમાં બેસાડયા ત્યારે જ મને આવ્યો હતો પણ આપમેળે ચાલી શકાય એવા પગ જ મને કુદરતે નથી આપ્યા…” એની આંખો આટલું બોલતાં ઉભરાઇ આવી.
આશિષની આંખો એની સહાધ્યાયીના પગ તરફ સ્થિર થઇ ગઇ.
નીલેશ પંડ્યા લિખિત લઘુકથા
સંગ્રહ ‘જૂઈના ફૂલ’માંથી સાભાર