હળવદના જૂના દેવળીયા ખાતે પટેલ સમાજની વાડીમાં જિલ્લા કક્ષાના ૭૦માં વન મહોત્સવની ઉજવણી
ગુજરાત રાજય બિન અનામત વર્ગ આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના દેવળીયા ખાતે પટેલ સમાજવાડીમાં જિલ્લા કક્ષાનો ૭૦માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાત રાજય બિન અનામત વર્ગ આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે, આપણને કુદરતે ઘણું બધુ આપ્યું છે. જેનું જતન કરવું એ ફરજ છે. આજના સમયે અને આવનાર સમયમાં આજે પર્યાવરણની સમસ્યા વધી છે ત્યારે જો વૃક્ષો નહીં વાવીએ તો આગામી પેઢીઓ આપણને માફ નહીં કરે. વૃક્ષો નહિં વાવીએ તો ઘણી બધી બિમારીઓ ભયાનક રોગો લોકોને ભરડો લેશે. જેથી પર્યાવરણની જાળવણી કરવા માટે વૃક્ષોનું જતન કરવું અને જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે. આ પ્રસંગે હળવદ-ધાંગ્રધા ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાએ જણાવ્યું હતું કે, કુદરતીની સંપતિ જે મફતમાં મળી છે તેને આપણે ગંભીરતાથી લેતા નથી. પર્યાવરણ બચાવવું એ દરેક વ્યકતિની નૈતિક ફરજ હોય છે. જેથી વૃક્ષ વાવી તેનું જતન કરી પર્યાવરણને બચાવવા માટે સહભાગી થવું જોઇએ.
આ પ્રસંગે માળીયા-મોરબી ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, વૃક્ષો વાવીએ તેનું જતન થાય તેનો ઉછેરી કરી એક વટવૃક્ષ બને અને પર્યાવરણ અને વાતવરણ સ્વચ્છ બનાવીએ તેવા સહિયારા પ્રયત્નો આપણે કરવા પડશે. આ પ્રસંગે વૃક્ષ અને પર્યાવરણ પ્રેમીઓનું સન્માન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ ડી.સી.પી. નર્સરીના લાભાર્થીઓને મહાનુભાવો તરફથી ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં.
જયારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારી ઓ દ્વારા પટેલ સમાજવાડીના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષક એફ.એલ.ખુબાંગ, જિલ્લા કલેકટર આર.જે.માકડીયા, એસ.ટીના પૂર્વ ડિરેક્ટર બિપીનભાઇ દવે,તાલુકા પંચાયત-હળવદ પ્રમુખ ધમેન્દ્રસિંહ ઝાલા, વન વિભાગના અધિકારી અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહયાં હતાં.