સરકાર દ્વારા દર છ મહિને કરાતી સમીક્ષામાં પ્રથમ વખત ભાવ વધારો : 31 માર્ચ 2022 સુધી નવો ભાવ અમલી રહેશે
અબતક, નવી દિલ્હી : સરકાર દ્વારા નેચરલ ગેસની કિંમતમાં 62 ટકા જેટલો વધારો કરતાં પેટ્રોલ-ડીઝલના સતત વધતાં ભાવના બોજ હેઠળ દબાયેલી પ્રજાને ટૂંક સમયમાં સીએનજી અને પીએનજીના ભાવ વધારાનો સામનો કરવો પડશે. નેચરલ ગેસના ભાવમાં કરાયેલા વધારાને કારણે વીજળી, ફર્ટિલાઈઝર અને ઓટો ફ્યૂઅલ (સીએનજી) અને પાઈપ્ડ રાંધણ ગેસ (પીએનજી)નો ઉત્પાદન ખર્ચ વધશે. ફુગાવાની ચિંતા વધી રહી છે તેવા સમયમાં જ આ ભાવવધારાથી મોંઘવારી વધશે તેવી શક્યતા છે. આ ભાવવધારો 31 માર્ચ, 2022 સુધી અમલી રહેશે. ત્યારબાદ નવો ભાવ નક્કી થશે.
સરકાર કુદરતી ગેસના ભાવની દર છ મહિને સમીક્ષા કરે છે. એપ્રિલ 2019 પછીથી આ સૌપ્રથમ ભાવવધારો કરાયો છે. વૈશ્વિક સ્તર પર ભાવમાં વધારાને કારણે સરકારે 62 ટકા ભાવવધારાનો આ નિર્ણય કર્યો છે. જોકે સ્થાનિક બજારમાં લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG)ના હાજર ભાવ છેલ્લાં કેટલાક સપ્તાહમાં વધ્યા નથી છતાં આ ભાવવધાર કરાયો છે
પેટ્રોલિયમ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસીસ સેલ (PPAC)એ કહ્યું હતું કે ઓએનજીસી અને ઓઈલ ઈન્ડિયાને ગેસ ઉત્પાદન માટે જે ભાવ આપવામાં આવે છે તે 2.90 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (એમબીટીયુ) રહેશે. મુશ્કેલ ઓઈલ ફિલ્ડમાંથી ઓઈલ ઉત્પાદન માટે આ રેટ વધારીને 6.13 ડોલર પ્રતિ એમબીટીયુ કરી દેવાયા છે, જે હાલમાં 3.62 ડોલર હતા.
આ ભાવવધારાથી મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં સીએનજીના ભાવમાં 10-11 ટકા વધારો થવાની સંભાવના છે અને પાઈપ્ડ રાંધણ ગેસ(પીએનજી)ના ભાવ પણ 10-11 ટકા વધશે તેવી શક્યતા છે. તેને કારણે વીજ ઉત્પાદન મોંઘું થશે. જોકે ગ્રાહકોને તેનો માર નહીં પડે કારણ કે ગેસ આધારીત વીજ ઉત્પાદન બહુ ઓછું થાય છે.
ફર્ટિલાઈઝરનો ઉત્પાદન ખર્ચ પણ વધશે, પરંતુ સરકાર સબસિડી આપતી હોવાથી ભાવમાં વધારાની સંભાવના નથી. ગેસના ભાવમાં 1 ડોલરનો વધારો થાય તેનાથી ઓએનજીસીને વાર્ષિક ધોરણે 5200 કરોડની આવક થાય છે. છેલ્લે ગેસના ભાવ એપ્રિલ 2019માં વધ્યા હતા અને ત્યાર પછીથી તેમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ભાવવધારાને પગલે આ ભાવવધારો કરાયો છે. સરકાર દર છ મહિને 1 ઓક્ટોબર અને 1 એપ્રિલે ભાવની સમીક્ષા કરે છે.
અમેરિકા, કેનેડા, રશિયા જેવા ગેસ સરપ્લસ દેશોમાં જે ફોર્મ્યૂલા મુજબ નક્કી થાય છે તે ફોર્મ્યૂલા મુજબ છેલ્લાં એક વર્ષના ભાવને આધારે ભાવ નક્કી થાય છે. આથી 1 ઓક્ટોબરથી આગામી 31 માર્ચ સુધીના ગેસના ભાવ ગત વર્ષ જુલાઈ 2020થી જૂન 2021 વચ્ચેના સરેરાશ ભાવ મુજબ નક્કી થાય છે. સૂત્રોએ કહ્યું હતું કે ગત વર્ષે કોરોનાકાળને લીધે માંગ પર અસર થઈ હતી, પરંતુ હવે અનેક દેશોમાં રિકવરીને પગલે ગેસની માંગ વધી છે જેને પગલે વૈશ્વિક બજારમાં ગેસના ભાવ વધ્યા છે.