તાલાલાના માધુપુર ગામે પ્રાકૃતિક ખેતી વિષય પર ખેડૂત શિબિર યોજાઈ
ખેડૂતોની આવક બમણી કરવા માટે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના માધુપુર ગામે પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂત શીબીર યોજાઇ હતી. જેમાં સૌરાષ્ટ્રભર માંથી સહભાગી થયેલ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે મહાનુભાવોએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
મહારાષ્ટ્રના પદ્મશ્રી સુભાષ પાલેકરે ખેડૂતોને આવકારી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ખેતી ખર્ચ ઓછો થાય છે. રાસાયણિક ખાતરનો ખર્ચ વધુ છે જ્યારે ગાય આધારિત ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી નો ખર્ચ શૂન્ય છે. પ્રાકૃતિક ખેતી પેદાશ, રાસાયણિક અવશેષોમુક્ત, ઉચ્ચ ગુણવત્તાવાળો, કુદરતી સોડમવાળો અને સ્વાદિષ્ટ ખેતપેદાશ પ્રાપ્ત થવાથી તેના સારા ભાવો મળે છે. આ ખેતીથી પર્યાવરણનો નાશ થતો અટકે છે. ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન મેળવી શકાય છે.પ્રાકૃતિક ખેતીના પાકની સારી માંગ હોવાથી તેની સારી યોગ્ય કિંમત મળવાથી ખેડૂતો ની આવક ડબલ થઇ શકે છે.
પાલેકરે વધુમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીના મુખ્ય ચાર સિદ્ધાંતો છે. જેમાં બીજામૃત, અચ્છાદન, જીવામૃત – ઘન જીવામૃત અને વાપસોનો સમાવેશ થાય છે. આ ચાર સિદ્ધાંતો આધારિત કુદરતી ખેતી કરવા થી ખેડૂતોને તેનો લાભ થાય છે. ઉપરાંત ખેડૂતો દ્વારા કરવામાં આવતી પ્રાકૃતિક ખેતી ના જુદા જુદા ખેત મોડેલોની ઉપયોગી જાણકારી આપવામાં આવી હતી. ઘણા જિલ્લાઓમાં ખેડૂતો સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. જે ખેડૂતોને ખેતી ક્ષેત્રમાં સિદ્ધિ મેળવાથી આર્થિક લાભ થયો છે. ઓછા ખર્ચે પ્રાકૃતિક ખેતી કરવાથી ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
માધુપુર ગામમાં દેવજીભાઇ ઠુંમર પ્રાકૃતિક ખેતી કરે છે અને તેમણે સારા પરિણામો પણ મેળવ્યા છે ખેડૂતોએ તેમજ મહાનુભાવોએ દેવજીભાઇના ફાર્મની પણ મુલાકાત લીધી હતી. આ શિબિરમાં જુદા જુદા મહાનુભાવોએ ખેતીલક્ષી ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિરમાં અગ્રણીઓ જગમાલભાઈ વાળા, દેવજીભાઈ ઠુમ્મર અને મોટી સંખ્યામાં ખેડૂતો સહભાગી થયા હતા. આ કાર્યક્રમનું જરૂરી સંકલન દીક્ષિત ભાઈ પટેલે કર્યું હતું.