પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડુતોને 4.5 લાખની આવક

આગામી 10 સપ્ટેમ્બરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીની શિબિર માટે મોરબી જિલ્લામાં પધારે છે ત્યારે મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપતાં પ્રગતિશીલ ખેડુત દાજીભાઇ ગોહિલ રાસાયણિક ખાતર કે દવાના ઉપયોગ વગર 4.5 લાખની આવક મેળવી રહ્યા છે. હળવદ તાલુકાના માથક ગામના વતની દાજીભાઇ દલુભાઇ ગોહિલ પાસેની 10 એકર જમીનમાંથી તમામ 10 એકરમાં પ્રાકૃતિક ખેતી કરે છે. પહેલા તેમને 1,50,000 ના ખર્ચ સામે 4,00,000ની આવક મેળવતા હતા. પ્રાકૃતિક ખેતીને અપનાવ્યા બાદ હાલ તેમનો ખર્ચ ઘટીને 80,000 થઇ ગયો છે. સામે 4,50,000ની આવક મેળવી રહ્યા છે.

દાજીભાઇ ગોહિલ જણાવે છે કે, આજ થી 12 વર્ષ પહેલા અખબારમાં એક જાહેરાત આવી હતી જીરો બજેટ ખેતીની તાલીમની એટલે મને મનમાં એક વિચાર આવ્યો કે, શું ખર્ચ વગરની ખેતી થઇ શકતી હશે ? જો ખર્ચ વગરની ખેતી થઇ શકતી હોય તો મોંઘા ભાવના રાસાયણિક ખાતર અને દવા ઉપયોગ શા  માટે કરવો ? એક તો ખેતીનો ખર્ચ વધી જાય અને જમીનની ફળદ્રુપતા પણ ઘટતી જાય. તેઓ રાજકોટની બાજુમાં ઢોલરા ગામ છે ત્યાં સુભાષ પાલેકર ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમમાં ગયા જ્યાંથી પ્રાકૃતિક ખેતીમાં રસ પડવા માંડયો. ત્યાર પછી દિપક સચદેનો એક દિવસનો પ્રાકૃતિક ખેતી વિશેના સેમિનારમાં અમૃત જળ અને અમૃત માટી વિશે જાણકારી મેળવી. તેવામાં એક ઘટના બની, તેમના નજીકના સગામાં નાની ઉંમરના યુવાનને બ્લડ કેન્સર જેવી ભયંકર બીમારી થઇ.

ડોક્ટરના રિપોર્ટમાં લોહીમાં ઝેર બતાવતું હતું. યુવાનોને કોઇ વ્યસન ના હોવા છતાં ઝેરી ખોરાકના કારણે બ્લડ કેન્સરથી એ યુવાનનું મૃત્યુ થયું ત્યારે મનમાં ખૂબ જ દુ:ખ થયુ અને નક્કી કર્યું કે, હવે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ કરવી છે જેનાથી ખર્ચ પણ બચી જાય અને બધાનું આરોગ્ય પણ જળવાય.

હાલ તેઓ પ્રાકૃતિક ખેતીમાં ઘઉં, મગફળી, બાજરી, કપાસ, એરંડા, જીરું, અજમો, ધાણા, મેથી, હળદળ, વરિયાળી, મગ, તલ, તુવેર, સરગવો, શાકભાજી, શેરડી, ગાયો માટે લીલોચારો, જુવાર, રજકો, મકાઇ વગેરે પાક મેળવે છે. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઘણો જ બચી ગયો છે અને ધરતી માતા બિમાર અને બંજર બનતી હતી તે પાછી ફળદ્રુપ અને સજીવન બની ગઇ. જમીન ખેડવાનો ખર્ચ પણ ઓછો થયો તથા વાડીમાં મધમાખી અને મિત્ર કિટકોની સંખ્યા પણ સતત વધતી જાય છે. ઝેર મુક્ત ઘાસ ચારો ગાય માતાને આપવાથી તે શુદ્ધ દૂધ આપે છે જેથી ખાનાર વર્ગ ને ઝેરમુક્ત આહાર મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.