રાજુલા ખાતેના ત્રિદિવસીય ખેડૂત સંમેલનના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેતા રાજ્યપાલ
રાજ્યપાલઆચાર્ય દેવવ્રતજી આજે અમરેલી જિલ્લાના રાજુલા ખાતે ગાય આધારિત ભવ્ય કૃષિ પ્રદર્શન તથા ખેડૂત સંમેલનના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહીને ધરતીપુત્રોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું.
રાજ્યપાલએ પોતે પણ સુભાષ પાલેકરજીની પદ્ધતિથી ખેતી કરતા હોવાનું જણાવી કહ્યું હતું કે, છેલ્લાં કેટલાંક સમયથી ધરતીપુત્રો રાસાયણિક ખેતી તરફ વળ્યા હોવાથી ધીમે ધીમે ઉત્પાદન ઘટી રહ્યું છે. જેના લીધે ખેડૂતોને ખર્ચ અને કરજના બોજ નીચે જીવવું પડે છે. આજે રાસાયણિક ખેતીના પરિણામે લોકો હૃદયરોગ, કેન્સર, લોહીનું દબાણ જેવી ખતરનાક બીમારીઓનો સામનો કરે છે, પણ જો આજે એ જ ખેડૂત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તો એમનું ઉત્પાદન પણ બમણું થશે અને દેશને ઝેરયુક્ત આહારની જગ્યાએ પોષણયુક્ત આહાર આપી શકશે. આમ થવાથી ખેડૂતની આવક પણ વધશે અને દેશની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. આમ જો જગતનો તાત સુખી થશે તો આખો દેશ સુખી થશે.
રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પણ પ્રાકૃતિક કૃષિના વિકાસ અર્થે પ્રયાસો થઈ રહ્યા છે, આ પદ્ધતિના પ્રયોગથી પાણીનો વ્યય ઓછો થશે તેમજ પર્યાવરણનું પણ જતન થશે અને ભવિષ્યની પેઢીને ફળદ્રુપ જમીન મળશે.
ગાય આધારીત ખેતીની હિમાયત કરતા રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી જ ભારતની શ્રેષ્ઠ પરંપરાગત ખેતી છે. દશનામી અખાડા જેવા ધાર્મિક સંગઠનો પણ જ્યારે આ અભિયાનમાં જોડાય તો આ કાર્ય વધુ સારી રીતે થશે તેવી આશા પણ તેમણે આ તકે વ્યક્ત કરી હતી. રાસાયણિક કૃષિના દુષ્પરીણામ સામે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું તેમણે ઉમેર્યું હતું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો આગ્રહ કરતાં તેમજ જીવામૃત બનાવવાની પદ્ધતિ વિશે માહિતી આપતાં રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, મારી પાસે આશરે ૩૦૦ થી વધુ દેશી ગાય છે અને દેશી ગાયનાં છાણ દ્વારા નિર્મિત આ જીવામૃતના પ્રયોગથી જમીનની ફળદ્રુપતામાં ખૂબ જ વધારો થાય છે. તેથી દેશી ગાયનું સંવર્ધન ખૂબ જ ઉપયોગી છે.
આ પ્રસંગે ઓમાનંદગિરી બાપુએ શાલ તેમજ પુસ્તક દ્વારા રાજ્યપાલશ્રીનું સન્માન કર્યું હતું. એસ.પી.એન.એફ.ના પ્રમુખ પ્રફુલભાઈ સેંજલિયાએ શાબ્દિક પ્રવચન દ્વારા સૌને આવકાર્યા હતા.
પ્રાકૃતિક ખેતી સાથે સંલગ્ન સંસ્થાઓ તેમજ કિસાન સંઘ દ્વારા રાજ્યપાલને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીના હસ્તે પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ધરતીપુત્રોનું તેમજ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય અંબરીશ ડેર, હીરાભાઈ સોલંકી, શેરનાથ બાપુ, વલકુબાપુ, ઘનશ્યામજી મહારાજ, મુક્તાનંદ બાપુ, રવુભાઈ ખુમાણ, એ.પી.એમ.સી. ના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, મનુભાઈ ધાખડા, રાજુલા સિવિલ હોસ્પિટલ આરોગ્ય વિભાગ, કિશાન સંઘના અગ્રણીઓ, અને વિવિધ સંસ્થાઓના અગ્રણી અને સભ્યો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.