ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે પ્રાકૃતિક કૃષિ જન અભિયાનના જિલ્લા સંયોજકો સાથે સંવાદ કરતાં જણાવ્યું છે કે, પ્રાકૃતિક કૃષિ ભારતની કૃષિ સમૃદ્વિના દ્વાર ખોલશે.
રાજ્યપાલએ રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિને અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા, જળ, જમીન અને પર્યાવરણને પ્રદૂષિત થતાં અટકાવવા અને દેશી ગાયના જતન-સંવર્ધન તેમજ સ્વાસ્થ્યપ્રદ ખાદ્યાન્ન માટે પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય છે. આ કૃષિ પદ્વતિથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરી શકાશે. એટલું જ નહીં રાસાયણિક ખાતર અને જંતુનાશકો પાછળ થઇ રહેલા કરોડો રૂપિયાના ખર્ચને બચાવી શકાશે તેમ પણ રાજ્યપાલએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, ગત વર્ષે એક લાખથી વધુ ખેડૂતોએ દેશી ગાયના પાલન અને પ્રાકૃતિક કૃષિ અપનાવી સહકારની સહાય યોજનાનો લાભ મેળવ્યો હતો. આ વર્ષે બીજા એક લાખ ખેડૂતોને આ અભિયાન સાથે જોડવાનો રાજ્ય સરકારે સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરવા સૌ પ્રતિનિધિઓ કાર્યરત થાય તેવો અનુરોધ પણ રાજ્યપાલએ કર્યો હતો.
આ સંવાદ બેઠકમાં ડાંગ જિલ્લાને રાજ્યના પ્રથમ “સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ સંપન્ન જિલ્લા” તરીકે જાહેર કરવાના રાજ્ય સરકારના નિર્ધારને સાકાર કરવા વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. સંવાદ બેઠકમાં કૃષિ સચિવ મનીષ ભારદ્વાજ, ગુજરાત
એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એમ.ડી. રંધાવા, આત્માના ડાયરેક્ટર ડી.વી.બારોટ, ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ખેડૂત અગ્રણી પ્રફુલ્લભાઇ સેંજલિયા, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના સંશોધન નિયામકો અને વિસ્તરણ શિક્ષણ નિયામકો તેમજ પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજયપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લેતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતની કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઇ શાહે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.