પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્ય શાળામાં રાજ્યપાલના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, દેશના ખેડૂત અને ખેતીને આત્મનિર્ભર બનાવવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી અત્યંત જરૂરી છે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર અને આત્મા પરીયોજના દ્રારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન આપતા રાજ્યપાલએ જણાવ્યું હતુ કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ એક મજબુત વિકલ્પ છે. ગુજરાતમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા સરકારે જે જન અભિયાન ઉપાડ્યુ છે, તેના કારણે ગુજરાત સમગ્ર દેશ માટે પ્રાકૃતિક કૃષિનું મોડેલ સ્ટેટ બનશે.
રાજ્ય સરકારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક કૃષિ જિલ્લો જાહેર કરીને સમગ્ર દેશના ખેડૂતોને નવી પ્રેરણા પુરી પાડી છે. તેમ પણ રાજ્યપાલ આ તકે જણાવ્યું હતું. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના અવસરે પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે આહવાન કર્યું છે.
રાજ્યપાલએ ઓર્ગેનિક ખેતી અર્થાત જૈવિક કૃષિને પ્રાકૃતિક કૃષિ થી સાવ અલગ ગણાવી હતી તેમણે જણાવ્યું હતું કે, ઓર્ગેનિક ખેતીમાં ઉપયોગમાં લેવાતાં વિદેશી અળસિયા ભારતીય વાતાવરણમાં રહેવા સક્ષમ નથી. વર્મીકંપોસ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા ખર્ચાળ છે.
આ તકે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ કહ્યું કે, ખેતી અને પશુપાલન સૌથી જૂનો વ્યવસાય છે. આ વ્યવસાય માનવજાતના અસ્તિત્વ માટે ખૂબ જ અગત્યનો હોવાથી તેનો વિકાસ થવા સાથે સાથે જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે તેવા પ્રયોગો થવા ખૂબ જ જરૂરી હોય ત્યારે આધુનિક ખેતી પદ્ધતિ સાથે સાથે પ્રાકૃતિક ખેતીને જોડવી ખૂબ જ જરૂરી છે.
આ તકે કૃષિ નિષ્ણાંત ડો. થાનકીએ પ્રાકૃતિક ખેતીના ઘટકો, તેના ફાયદાઓ, તથા જમીનની તંદુરસ્તીને રાસાયણિક ખાતરો દ્વારા થતી આડઅસર, જીવામૃત અને તેના ફાયદા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા, સાંસદ રમેશભાઈ ધડુક, સાંસદ રામભાઈ મોકરીયા સહિત મહેમાનો તથા મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા કલેકટર અશોક શર્માએ તથા આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી વી. કે. અડવાણીએ કરી હતી. કાર્યક્રમનું સંકલન આત્મા પ્રોજેક્ટ પોરબંદર દ્વારા કરવામાં આવ્યું હતું.