પ્રાકૃતિક ખેત પધ્ધતિ સારૂ સ્વાસ્થય પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે: કૃષિ રાજયમંત્રી
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામ ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતિ કરતા ખેડૂતોના જાત અનુભવ અંગે યોજાયેલી સંવાદ શિબિરમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા ભારત સરકારના કૃષિ રાજયમંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ હાજરી આપી હતી.
સંવાદ શિબિરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ગુજરાત વિશે જોયું અને જાણ્યું હતું તેના કરતા પણ વધારે સુંદર છે. ગુજરાતના ખેડૂતને જળ સંચય દ્વારા પાણી મળતા તે સમગ્ર વિશ્વમાં પોતાનું કૌવત બતાવી રહ્યો છે. આ સમયે ગુજરાતનો ખેડૂત મજબુત બનીને સુભાષ પાલેકર દ્વારા સુચવેલી પ્રાકૃતિક પધ્ધતિ અનુસાર ખેતી કરતો થાય તો તેનું ઉત્પાદન અને આવક બે થી ત્રણ ગણી વધી શકે છે. પ્રાકૃતિક ખેતિમાં ગાયનું ખુબ જ મહત્વ છે. ગાયમાતાના ગૌ મુત્ર અને છાણમાં અખૂટ ઉત્પાદન શક્તિ છે તે રાસાયણિક ખાતરમાં નથી.
આ તકે રાજ્યપાલ દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતિ અંગે સ્વઅનુભવો ખેડૂતો સાથે વાગોળ્યા હતા તથા પ્રાકૃતિક ખેતી કરનારા તમામ ખેડૂત ભાઈઓ-બહેનોને રૂબરુ મળીને તેમની સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
આ તકે ભારત સરકારના કૃષિ રાજયમંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં સુભાષ પાલેકર દ્વારા સુચવેલી પ્રાકૃતિક ખેતિની પધ્ધતિ આપણને સૌને સારૂ સ્વાસ્થય પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. પ્રાકૃતિક ખેતિની પધ્ધતિ વડે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું સાકાર થઈ રહ્યું છે.
સંવાદ શિબિરમાં ઉપસ્થિત અને પ્રાકૃતિક ખેતિ કરતા ખેડૂતોનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. તેમજ સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ સુરતના અગ્રણી અને પદ્મશ્રી સન્માન વિજેતા મથુરભાઈ સવાણીના ખેતરમાં કરવામાં આવતી પ્રાકૃતિક ખેતિના વિવિધ વિભાગોની રાજ્યપાલ તથા મંત્રીએ રૂબરૂ મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી. કે. સખીયા, ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયંતિભાઈ ઢોલ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસિયા, નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યા, પ્રાંત અધિકારી જે. કે. જેગોડા, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, ખેડૂત અગ્રણી પ્રફુલભાઈ સેંજલીયા તથા ખેડૂતભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.