પ્રાંત અધિકારી રાજેશ આલના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિની પેદાશોના વેચાણ અંગેના આયોજન મામલે જસદણમાં બેઠક મળી
જસદણ પ્રાંત અધિકારી રાજેશ આલના અધ્યક્ષસ્થાને જસદણ તાલુકા સેવા સદન ખાતે પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા જિલ્લાના દરેક તાલુકામાં શનિવારે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રો શરૂ કરવાના આયોજન અંગેની બેઠક યોજાઇ હતી.
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને ઉત્તેજન આપવા પ્રચાર–પ્રસાર માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ઝુંબેશ ઉપાડવામાં આવી છે. જેના અનુસંધાને પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત વિવિધ પ્રોડક્ટ્સના વેચાણને વેગવંતુ બનાવવા જસદણ અને વિંછીયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વેચાણ કેન્દ્રો ઊભા કરવા અંગેના આયોજનની ચર્ચાઓ આ બેઠકમાં કરાઈ હતી.
પ્રાકૃતિક કૃષિ થકી વિવિધ પ્રોડક્ટ્સના વેચાણને વેગવંતુ બનાવવા અને ખેડૂતોને યોગ્ય માધ્યમ મળી રહે તે માટે શનિવારના રોજ જસદણ, વિંછીયા અને રાજકોટના તમામ તાલુકામાં શરૂ થનારા વેચાણ કેન્દ્રો વિશે લોકોને જાણ કરવા પ્રચાર પ્રસાર અન્વયે બેનરો, જાહેરાતો, પેમ્પલેટ અને સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરાશે. અને બેઠકમાં તમામ અધિકારીઓએ પોતાના વિભાગના કર્મચારીઓ દ્વારા સામાન્ય જનતા સુધી માહિતી મળે તે માટે બનતા તમામ પ્રયત્નો કરવા પ્રાંત અધિકારીએ અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જસદણ અને વિંછીયાના મામલતદારશ્રી એસ.જે. અસ્વાર, “આત્મા” પ્રોજેક્ટ ડાયરેક્ટર એચ.ડી. વાદી, વિછીયા તાલુકાના ટી.પી.ઇ.ઓ ડી.ડી.રામાનુજ, જસદણ તાલુકાના ટી.પી.ઇ.ઓ જી.કે.ગોસ્વામી, વિંછીયાના પી.એસ.આઇ. આઇ. ડી. જાડેજા, જસદણના આર.એફ.ઓ એલ.વી. પાડસરીયા, ફોરેસ્ટ ગાર્ડ બી.બી. રંગપરા, પ્રોજેક્ટ આત્માના અધિકારીઓ, વિંછીયા અને જસદણ તાલુકાના આરોગ્ય અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ખેતીવાડી વિભાગના તમામ અમલીકરણ અધિકારીઓ સહિતના અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.