તબીબોની શિતળ છાંયા અને આપ્તજન સમી હુંફનો અનુભવ લઇને ઘર પરત ફરી રહ્યો છે દર્દીઓ
“સૌ પ્રથમ તો હું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સર્વે તબીબ ટીમનો અંત:કરણથી આભાર માનું છું. સરકારના નક્કર નિર્ણયો અને તબીબોની ઉત્તમ સારવારને કારણે આજે અનેક લોકો કોરોનાથી મુક્ત થઈને પોતાના સ્નેહીજનો પાસે પરત ફર્યા છે. કોરોનાના આ કપરા કાળમાં મને સંવેદનશીલ રાજ્ય સરકારની સંવેદનાનો અનુભવ થયો છે. કોવીડ હોસ્પિટલની હદયસ્પર્શી અને સંતોષકારક કામગીરીનો અનુભવ લઈને આજે હું સુખરૂપ અને સ્વસ્થ થઈને ઘરે જઈ રહ્યો છું આ ઋણાનુબંધ દર્શાવતા શબ્દો છે નટુભાઈ કોટકના
૭ તારીખના રોજ કોરોના પોઝીટીવ આવેલ નટુભાઈ ૧૦ દિવસ હોમ આઈસોલેશનમાં રહ્યા હતા. શ્વાસ લેવામાં વધુ તકલીફ થતાં સારવાર અર્થે રાજકોટ કોવીડ-૧૯ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યાં મળેલી સારવાર અંગે પ્રતિભાવ આપતા નટુભાઈએ જણાવ્યું હતું કે, “ઓક્સિજન લેવલ ડાઉન થતાં મારે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. શ્વાસ લેવામાં તકલીફ પડતાં મને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. તબીબોની સઘન દેખરેખને કારણે બે દિવસ વેન્ટીલેટર પર રહ્યો ત્યાં મારું ઓક્સિજન લેવલ નોર્મલ થઈ ગયું હતું.
રાજ્ય સરકારે પણ જનતાની સુખાકારી માટે પરિણામલક્ષી કામગીરી કરી છે. જેનું ફળ આપણી સામે છે કે રાજકોટમાં કોરોના ધીમે ધીમે કાબુમાં આવી રહ્યું છે. અવશ્ય હારશે કોરોના જીતશે રાજકોટ તેમ નટુભાઈએ કહ્યું હતું.