પડતર માંગો પુરી કરવા જાહેર ક્ષેત્રની બેંકોનાં અધિકારીઓએ ગત શુક્રવારે હડતાલ પાડી હતી
આગામી તા. ર૬ ના બેંક કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. આથી આવતીકાલથી બે દિવસ સુધી બેંક કામગીરી બંધ રહેશે. પરિણામે બેંક ગ્રાહકોની હાલાકી વધશે.
વિજ્યા બેંક અને દેના બેંકના, બેંક ઓફ બરોડામાં પ્રસ્તાવિત વિલયની સામે જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોના લગભગ ૧૦ લાખ કર્મચારીઓએ ર૬ ડિસેમ્બરે એક દિવસની હડતાલ પાડવાની જાહેરાત કરી છે. આ પહેલા જાહેર ક્ષેત્રની બેંકોના અધિકારીઓના યુનિયને આ જ માંગો, અને પગાર-વાતચીતને જલદી પૂરી કરવાની માંગને લઈને શુક્રવારે હડતાલ પાડી હતી.
સરકારે સપ્ટેમ્બરમાં જાહેર ક્ષેત્રની વિજ્યા બેંક અને દેના બેંકને બેંક ઓફ બરોડામાં વિલય કરવાની જાહેરાત કરી હતી. તેના દેશની ત્રીજી સૌથી મોટી બેંક અસ્તિત્વમાં આવશે. વિજ્યા બેંક અને દેના બેંક નબળી બેંકો માટે રિઝર્વ બેંકની તાત્કાલિક સુધારાત્મક કાર્યવાહી (પીસીએ) નિયમો અંતર્ગત કેટલાક પ્રતિબંધો હેઠળ રાખવામાં આવી છે.
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (યુએએફબીયુ) એ કહ્યું કે, આ વિલય બેંક અને બેંકના ગ્રાહકોના હિતમાં નથી. હકીકતમાં તેનાથી બન્નેને નુક્સાન થશે. યુએએફબીયુ ૯ બેંક યુનિયનોનું સંગઠન છે. તેમાં ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશન, ઓલ ઈન્ડિયા બેંક એમ્પલોઈઝ એસોસિએશન અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ વગેરે યુનિયન સામેલ છે. નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સના ઉપાધ્યક્ષ અશ્વિની રાણાએ કહ્યું કે, ’ર૬ ડિસેમ્બરની હડતાલ નિશ્ચિત કાર્યક્રમ મુજબ થશે.’ યુનિયનનો દાવો છે કે, સરકાર વિલય દ્વારા બેંકોનો આકાર વધારવા ઈચ્છે છે, પરંતુ જો દેશની બધી જાહેર ક્ષેત્રની બેંકોને પણ એક કરી દેવામાં આવે તો પણ વિલય પછી અસ્તિત્વમાં આવનારી સંસ્થાને દુનિયાની ટોપ ૧૦ બેંકોમાં સ્થાન નહીં મળે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત્ શનિવાર, રવિવાર બેંકોમાં જાહેર રજા હતી. સોમવારે એક દિવસ બેંકીંગ કામકાજ ચાલુ હતું. કાલે ફરીથી રાષ્ટ્રવ્યાપી આથી ગ્રાહકોને આર્થિક વ્યવહારમાં મુશ્કેલી નડશે.