- આયુષ્યમાન ભારત પોર્ટલમાં ચેડા કરી ખ્યાતિકાંડના આરોપીઓ સહિત 10 ભેજાબાજોએ 10 હજારથી વધુ કાર્ડ કાઢી નાખ્યાનો ઘટસ્ફોટ
બહુચર્ચિત ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બોગસ આયુષમાન કાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે. જેમાં ભેજાબાજો સરકારી વેબસાઈટ પર છેડછાડ કરી માત્ર 15 મિનિટમાં જ લોકોના બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવતા હતા. હાલ સુધીમાં આ શખ્સોએ 10 હજાર જેટલાં આયુષ્માન કાર્ડ કાઢી નાખ્યાની સંભાવના છે. હાલ છ ભેજાબાજો પોલીસની કસ્ટડીમાં છે જયારે અન્ય ચારની શોધખોળ ચાલી રહી છે.
દેશમાં મોટાભાગના લોકો પ્રધાનમંત્રી જન આરોગ્ય માં યોજના કાર્ડ મેળવવા માટે પ્રયાસ કરતા હોય છે તેમજ અન્ય કાર્ડ મેળવવા માટે એજન્ટોનો સંપર્ક કરતા હોય છે, ત્યારે આ એજન્ટોને મદદ કરનાર લોકો આઉટસોર્સિંગ વેબસાઈટના કેટલાક મળતિયાઓની મદદથી ડેટા એડિટ કરીને રૂપિયા 800થી 2000 લઇને કાર્ડ બનાવી દેતા હતા. આ કૌભાંડમાં એવા લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા જેમની પાસે સમય નથી. બીજા એવા લોકો હતા જેમની પાસે કોઇ ડોક્યુમેન્ટ નથી અથવા તેઓ આયુષ્યમાન કાર્ડના ક્રાઈટેરિયામાં આવતા નથી તેમ છતાં ભેજાબાજો આ લોકોને માસ્ટર આઇડીથી બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવી આપતા હતા.
આ સમગ્ર ઘટના ક્રાઈમ બ્રાન્ચની સામે આવી ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને વિશ્વાસ ન આવ્યો હતો, પરંતુ જ્યારે ભેજાબાજોએ માત્ર 15 મિનિટમાં ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંગલનું બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવી આપ્યું તો તેઓ પણ ચોંકી ગયા હતા. આ આખું કૌભાંડ દેશવ્યાપી છે અને તેમાં યુપી, બિહાર અને ગુજરાત સહિત અન્ય રાજ્યના લોકો પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
આ લોકોની મોડસ ઓપરેન્ડીની જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ પીએમજેએવાય કાર્ડના ક્રાઈટેરિયામાં આવતા લોકોનો ડેટા આઉટસોર્સિંગ વેબસાઈટમાં અપડેટ કરાતો હતો.જે કોઇ વ્યક્તિને આયુષ્યમાન કાર્ડ બનાવવાનું હોય તેના માટે ભેજાબાજો માસ્ટર આઇડીનો ઉપોયગ કરતા હતા. ભેજાબાજો પાસે છથી સાત માસ્ટર આઇડી હતા.માસ્ટર આઇડીની મદદથી તેઓ વેબસાઈટના સોર્સ કોડમાં એડિટિંગ કરી એક્સેસ મેળવતા હતા.કોઈપણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા વગર પહેલાંથી જે લોકોના કાર્ડ હતા તેમની ફેમિલી ડિટેઇલમાં નવું નામ એડ કરતા હતા. જે લોકો એલિજેબલ હતા તેમને જાણ ન થાય તે રીતે વેબસાઈટની અંદર બધુ અપડેટ થતું અને ત્યાર બાદ ફેમિલી આઇડી મેળવતા હતા. ફેમિલી આઇડી સાથે આધાર કાર્ડની ડિટેઈલ મેચ થતાં જ એનએફએસ પોર્ટલ પરથી માત્ર 15 મિનિટમાં આયુષ્યમાન કાર્ડ મળી જતું હતું. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલો ધ્યાને આવ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ વેબસાઈટ અંગે સંસ્થાને જાણ કરી હતી અને આ જે છટકબારી છે તેને શોધવા માટેનો પ્રયાસ કરી તાત્કાલિક બંધ કરવા માટે ધ્યાન દોર્યું હતું.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કૌભાંડમાં છ લોકોની ધરપકડ કરી છે. જે લોકો સામન્ય લોકોના ડેટામાં એડિટ કરીને બીજાના નામ ઘૂસાડી દેતા હતા અને તેમના આયુષ્માન કાર્ડ અને સરકારી યોજનાના કાર્ડ બનાવી આપતા હતા. સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી હતી ત્યારે એક પીછી એક નવા પત્તા ખુલતા ગયા અને આરોપીઓ મહિને 40થી 50 હજાર રૂપિયા જેટલું કમાતા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અંદાજે 11 જેટલા લોકો આ રેકેટમાં સામેલ હતા. હજી આ પ્રકરણના વધુ આરોપીઓને પકડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પ્રયાસ કરી રહી છે, ત્યારે આ કેસમાં માસ્ટર આઇડી આપનારને શોધવા માટે પણ પોલીસ પ્રયાસ કરી રહી છે. જે આ સમગ્ર રેકેટનો જાણકાર હતા.
કૌભાંડ આચરનાર ભેજાબાજ શખ્સો
- – કાર્તિક પટેલ, અમદાવાદ
- – ચિરાગ રાજપૂત, અમદાવાદ
- – નિમેશ ડોડિયા, અમદાવાદ
- – મોહમ્મદફઝલ શેખ, અમદાવાદ
- – મોહમ્મદઅસ્પાક શેખ, અમદાવાદ
- – નરેન્દ્રસિંહ ગોહિલ, ભાવનગર
- – ઈમ્તિયાજ, ભાવનગર
- – રાશિદ, બિહાર
- – ઈમરાન જાબીર હુસેન કારીગર, સુરત
- – નિખિલ પારેખ, અમદાવાદ
આયુષ્યમાન કાર્ડ યોજનામાં ગેરરીતી બદલ બે હોસ્પિટલ સસ્પેન્ડ: બેને પેનલ્ટી
પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરવામાં આવતી હોય તેવું સામે આવ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ્સ અને ડોક્ટર્સ સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગતની સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટએ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત કરી હતી. જેના અંતર્ગત ગત અઠવાડિયામાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 4 હોસ્પિટલમાં ગેરરીતિઓ સામે આવી છે. રાજકોટની સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ સહિત બે હોસ્પિટલને વિવિધ ત્રુટીઓ જણાતાં સસ્પેન્ડ તેમજ ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલ અને વડોદરાની બેન્કર્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ગેરરીતિ બદલ પેનલ્ટી કરાઇ છે.