- યોગ્ય રીતે હાથ ધોવાની પ્રક્રિયાનું નિદર્શન કરવામા આવ્યુ
- 6,699 જેટલા બાળકોને કૃમિનાશક દવા આપવામા આવી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ (ઘોઘા) અંતર્ગત આવનારી તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી અને યોગ્ય રીતે હાથ ધોવાની પ્રક્રિયાના પ્રદર્શન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત કુલ 6,699 જેટલા બાળકોને કૃમિનાશક દવા આપવામા આવેલ હતી.
આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બાળકોના આરોગ્યમાં સુધારો લાવવાનો છે અને તેમને કૃમીના સંક્રમણથી બચાવવાનું મહત્વ સમજાવવાનું તેમજ એકસાથે કૃમિનો નાશ કરવાનો છે. કૃમિનુ સંક્રમણ બાળકોના ગંદા વાતાવરણમાં રમવાથી તેમજ શાકભાજી ફળફળાદી આદી ધોયા વિના ખાવાથી થવાની શક્યતા વધારે છે. આથી, બાળકોના સ્વાસ્થ્યનું યોગ્ય સંવર્ધન કરવા માટે હાથ હાયજિન પ્રેક્ટિસના ડેમોનું આયોજન જરૂરી છે.
સ્વચ્છ હાથ રાખવાથી બીમારીઓમાં ઘટાડો થાય છે. ખાસ કરીને પેટના ચેપ, અને બાળકોની તંદુરસ્તી જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમ મારફતે “સ્વચ્છ હાથ સ્વસ્થ જીવન” થીમ પર બાળકોને હાથ ધોવાના યોગ્ય પગલાં શીખવવામાં આવ્યા જેથી તેઓ આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી શકે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા તમામ સુપરવાઇઝર આશા બહેનો, આશા ફેસીલીટેટર બહેનો, સ્ત્રી આરોગ્ય કાર્યકર અને કોમ્યુનીટી હેલ્થ ઓફિસરો દ્વારા ડૉ રાકેશ ખીમાણી, ડૉ ધવલ દવે તેમજ RBSK ડૉ. યોગેન્દ્રસિહ રાણા અને ડૉ દયાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો.
અહેવાલ: આનંદસિંહ રાણા