ભારતીય ચૂંટણી પંચ, નવી દિલ્હીની સ્થાપના વર્ષ 1950 માં 25 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. ચૂંટણી પંચના સ્થાપના દિવસ નિમિત્તે 25 જાન્યુઆરી, 2011ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. “મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ ” આ થીમ સાથે સમગ્ર ભારતમાં તેરમા (13)માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થશે. આ ઉજવણીના ભાગરૂપે ભારતીય ચૂંટણી પંચ દ્વારા “મેં ભારત હું” ગીત પણ લોંચ કરવામાં આવશે.
આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને મતદાન અંગે જાગૃત કરવાનો છે. આ ઉજવણી થકી નવા મતદારોને પ્રોત્સાહિત કરવાની સાથે જરૂરી સુવિધાઓ આપી મહત્તમ નોંધણી કરાવવામાં આવશે. કોઈ પણ લોકશાહી દેશમાં સરકાર રચવામાં મતદારો સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતાં હોય છે. મતદારો અનન્ય લોકશાહીનો પાયો છે. પોતાના અમૂલ્ય મતથી કોઈ પણ પક્ષને પાંચ વર્ષ માટે સત્તા પર લાવતા મતદારો ભારતીય બંધારણ મુજબ દેશ અને રાજ્યના વિકાસ માટે જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવે છે.
મતદાર યાદીમાં નોંધણી એ એક સ્વૈચ્છિક પ્રક્રિયા છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્ર દેશ એવા ભારતમાં મતદાન કરવા પરત્વે લોકો જાગૃત થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. ચૂંટણી પંચ દ્વારા વોટર હેલ્પલાઈન એપ સહિતની વિવિધ એપ્લીકેશન, મતદાર હેલ્પ લાઇન 1950 ની સેવાઓ શરૂ કરવામાં આવી છે. મતદારયાદીને સ્વચ્છ અને પારદર્શી બનાવવા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારોના ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવે તે જરૂરી છે. મતદાન બુથ, મોબાઈલ ફોન, એસ.એમ.એસ. ચૂંટણી પંચના પોર્ટલ દ્વારા પણ આધારકાર્ડ લિંક કરી શકાય છે.
મતદાતાઓ કોઈપણ જાતના ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને કોઈપણ રીતે પ્રલોભિત થયા વિના, અચૂક મતદાન કરે તે માટે ચૂંટણીપંચ દ્વારા નાગરિકોને મતદાર ઈ-પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. ગુજરાતમાં “સ્વીપ” વોટર એજયુકેશનલ એન્ડ ઇલેકટોરલ પાર્ટીસિપેશન) પ્રોગ્રામ અન્વયે મતદાન વધારવા માટે અવસર રથ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવે છે. તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીમાં દિવ્યાંગ, વયોવૃદ્ધ મતદારો ઘરે બેસીને મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા પણ ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી હતી. મતદારોને આકર્ષવા માટે યુવા, સખી, મોડેલ, દિવ્યાંગ, ઈકો ફ્રેન્ડલી જેવા જુદા જુદા મતદાન મથક બનાવી મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે.