લાંબી વિચારણા બાદ ઈન્ટરસ્ટ રેટ ડેરિવેટિવ્સ માટે વેપારનો સમય વધારાયો
દેશના સૌથી મોટા સ્ટૉક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જએ ઈન્ટરસ્ટ રેટ ડેરિવેટિવ્સ માટે વેપારનો સમય વધારી સાંજના 5 વાગ્યા સુધીનો કરી દીધો છે. આ નવો ફેરફાર આવતીકાલથી લાગુ થશે. હાલમાં સ્ટોક એક્સચેન્જ પર આ કોન્ટ્રાક્ટના વેપારનો સમય સવારના ૯ વાગ્યાથી સાંજના 3 વાગ્યા સુધીનો છે.
માર્કેટ રેગ્યુલેટર સેબીએ 2018માં ટ્રેડિંગ કલાક વધારવા માટે એક ફ્રેમવર્ક જારી કર્યું હતું. અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ સેબીએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર લાવી હતી. તેમાં જે કહેવામાં આવ્યું હતું તે મુજબ, જો કોઈ કારણસર એક્સચેન્જની કામગીરીમાં વિક્ષેપ આવે છે, તો બજારના સહભાગીઓ, ટ્રેડિંગ સભ્યોએ 15 મિનિટની અંદર તેની જાણ કરવાની રહેશે. સેબીના પરિપત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જો બજાર બંધ થવાના એક કલાક પહેલા ટ્રેડિંગ સામાન્ય ન હોય તો તમામ એક્સચેન્જોએ તે દિવસે ટ્રેડિંગનો સમય દોઢ કલાક વધારવાનો રહેશે. છેલ્લા ઘણા સમયથી સમય વધારવા ઉપર વિચારણા ચાલી રહી હતી. હવે અંતે આજે તેનો નિર્ણય જાહેર કરાયો છે.
આ મામલે એનએસઇએ એક સર્ક્યુલર જાહેર કર્યું છે. તેમાં જણાવ્યું કે અમે અંડરલાઈંગ માર્કેટને સમય સાથે મિલાવવા માગીએ છીએ એટલા માટે જ આ પગલું ભર્યું છે. ટાઈમિંગ વધારવાની રુપરેખા બજાર નિયામક સેબીએ 2018માં તૈયાર કરી હતી.
અન્ય ઈન્ટરસ્ટ રેટ ડેરિવેટિવ્સવાળા કોન્ટ્રાક્ટના ટ્રેડિંગ ટાઈમમાં કોઈ ફેરફાર નહિ
અહેવાલ અનુસાર એનએસઇએ કહ્યું કે ફેબ્રુઆરી એક્સપાયરી ડેટવાળા ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્સના કોન્ટ્રાક્ટ હવે 23 ફેબ્રુઆરીની સાંજે 5 વાગ્યા સુધીના ટ્રેડિંગ માટે જ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત કોઈ બીજા ઈન્ટરસ્ટ રેટ ડેરિવેટિવ્સવાળા કોન્ટ્રાક્ટનો ટ્રેડિંગ ટાઈમ વધારાયો નથી. સેટલમેન્ટની ફાઈનલ કિંમતના કેલ્ક્યૂલેશનની સિસ્ટમમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી.