27 ડિસેમ્બર, 1911ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમાં ગાવામાં આવ્યુ હતું
આપણા રાષ્ટ્રીય ગીત “જન ગણ મન” ને 107 વર્ષ પુરા થઇ ગયા. આ ગીતની રચના નૉબેલ પુરસ્કાર વિજેતા શ્રી રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી. અને સૌ પ્રથમ તેને 27 ડિસેમ્બર, 1911ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમા જાહેરમા ગાવામાં આવ્યુ હતું અને 24 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ સભા દ્વારા આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામા આવ્યુ હતું.
આ ગીત વિશે હાલમા એક એવી માન્યતા પ્રચલિત થઇ છે કે જ્યારે બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ તથા રાણી મેરી ડિસેમ્બર, 1911માં ભારત આવ્યા હતા.ત્યારે તેમના માટે આ ગીત ગાવામા આવ્યુ હતું. અને “ભારત ભાગ્યવિધાતા” શબ્દ તેમના માટે ઉપયોગ કરવામા આવ્યો હતો. પરંતુ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે જ્યારે બંધારણ સભાએ આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવ્યુ ત્યારે આ ગીતના ભાવને ધ્યાને લેવાયો હતો અને “ભારત ભાગ્યવિધાતા” શબ્દ ભગવાન માટે છે અને આ ગીત પણ ભગવાનની એક પ્રાર્થના રુપે જ છે તેવુ માની અને આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવામા આવ્યુ હતુ.
લોકોને આ પ્રકારના પ્રસંગ યાદ રહેતા નથી પરંતુ કોઇ કહેવાતા વિદ્વાનો જ્યારે રાષ્ટ્રીય ગીતની આ પ્રકારે ટીકા કરે તેવા પ્રસંગો / વાક્યો જ યાદ રહે છે. આપણે આપણા દેશની સંસ્કૃતિ, મહાનતા, ઇતિહાસ વગેરે ધ્યાને રાખી તેને માન આપવુ જોઇએ. આપણા પાઠ્યપુસ્તકો પરના પ્રથમ પેજ પરના પ્રતિજ્ઞાપત્રને યાદ કરી ભારત દેશના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો આપણને ગર્વ હોવો જોઇએ તથા તેને હંમેશા લાયક બનવા પ્રયત્ન કરવો જોઇએ. દેશ બંધુઓને નિષ્ઠા અર્પી તેમના કલ્યાણ અને સમૃદ્ધિમા જ આપણુ સુખ માનવુ જોઇએ.