રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૨મી પુણ્યતિથિ નિમિતે એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે સતત નવમા વર્ષે ગુંજયા હતા. આ માતૃભૂમિની રક્ષા કાજે પ્રાણની આહુતિ આપનાર વીર શહીદ જવાનોને સ્વરાંજલિ અર્પણ થઈ હતી. નવી પેઢી આપણા સાહિત્ય-સંગીત-સંસ્કૃતિની મહામુલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું.
બોટાદ જિલ્લાના સંનિષ્ઠ અને સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, નાયબ પોલીસ અધિક્ષક ચેતન મુંધવા, બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ચેરમેન મનહરભાઈ માતરીયા, બોટાદ એપીએમસી ચેરમેન ડી.એમ.પટેલ અને વાઈસ ચેરમેન જોરૂભાઈ ધાધલ, રાણપુર એપીએમસી ચેરમેન નરેન્દ્રભાઈ દવે સહિત મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને સાહિત્ય-પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુવા પેઢીની વિશેષ ઉપસ્થિતિ રહી. વિશ્વભરમાં પાંચ લાખથી વધુ ભાવિકોએ આ કાર્યક્રમને ઈન્ટરનેટ પર જીવંત માણ્યો હતો. ગુજરાતનાં ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા અને રાધાબેન વ્યાસે ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીત-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી.
લોકસાહિત્યકાર-હાસ્યકાર હરિસિંહ સોલંકીએ પોતાની આગવી શૈલીમાં ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવન વિશે રસપ્રદ વાતો કરી હતી.
આજે પણ લોકમુખે રમતું ઝવેરચંદ મેઘાણી રચિત સદાબહાર લોકપ્રિય ગીત કસુંબીનો રંગ સહુ કલાકારોએ રજુ કરીને કાર્યક્રમને વિરામ આપ્યો. વાદ્ય-વૃંદ હિતેષ પરમાર (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), હેમુ પરમાર (બેન્જો), જગદીશ વાઘેલા (મંજીરા)એ બખુબી સાથ આપ્યો હતો. પ્રાઘ્યાપક રહી ચુકેલા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ ઉપસ્થિત સહુ સાથે રસપ્રદ જ્ઞાન-ગોષ્ઠિ કરી હતી. પોલીસ લાઈન અને પોલીસ પરિવારમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણીનું લાઈન બોય તરીકે ગુજરાત પોલીસ સવિશેષ ગૌરવ અનુભવે છે.