૧૯૪૧માં બ્રિટીશ સરકારે કરેલા ખોટા કેસમાં નિર્દોષ છુટતા બેરીસ્ટર હિંમતલાલ શુકલને બોટાદથી ગાડામાં બેસાડી સાળંગપુર દર્શનાર્થે તેડી ગયા હતા
આઝાદીની લડત વેળાએ ૧૯૪૧માં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પર બ્રિટિશ સરકારે ખોટી રીતે ફોજદારી કેસ દાખલ કર્યો હતો. તે વખતના નામી ધારાશાસ્ત્રીઓની ત્રિપુટી – હિંમતલાલ શુક્લ, પ્રભુદાસ પટવારી અને પાંડુરાવ દેસાઈએ ઝવેરચંદ મેઘાણીનો કેસ જુસ્સાભેર અને નિડરતાથી લડ્યો અને આખરે નિર્દોષ છૂટ્યા હતા. ઝવેરચંદ મેઘાણી ખોટા-કેસમાંથી હેમખેમ બહાર આવે તે માટે બેરિસ્ટર હિમંતલાલ શુકલના ધર્મિષ્ઠ પત્ની કમળાબેનએ સાળંગપુર સ્થિત જગપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજન હનુમાન દાદાના દર્શનની માનતા રાખેલી. આ માનતા પૂર્ણ કરવા ઝવેરચંદ મેઘાણી સહુને બોટાદથી ગાડામાં બેસાડીને સાળંગપુર દર્શનાર્થે તેડી ગયા હતા.
શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર – સાળંગપુરધામ દ્વારા હાલમાં પ્રસિધ્ધ થયેલ પ્રેરક પુસ્તક સાળંગપુરમાં સારંગપાણીમાં ઝવેરચંદ મેઘાણીનાં આ હ્રદયર્સ્પશી સંભારણાંનું ખાસ આલેખન કરાયું છે. આથી લાગણીથી પ્રેરાઈને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાન દાદા દર્શન કર્યા હતા. સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીને વંદન કરીને આશીર્વાદ મેળવ્યા હતા તેમજ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર – સાળંગપુરધામનો હ્રદયથી આભાર માન્યો હતો. ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના સેવાભાવી ચેરમેન અને ખાદી ક્ષેત્રના અગ્રણી ગોવિંદસંગ દાજીભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.