માલધારીઓની સંસ્કૃતિ જીવનશૈલીને આવરી લેતું માલધારી એક્ઝિબિશન પણ ખુલ્લું મુકાયું: બકરીના દૂધની નવી પ્રોડક્ટનું લોન્ચિંગ
સૌરાષ્ટ્રની આગવી ઓળખ સમા માલધારી સમુદાયને મુખ્યધારા સાથે જોડી તેમની આજીવિકાના વિવિધ આયામો વિકસાવીને એમની આર્થિક સામાજિક પરિસ્થિતિને વધુ મજબૂત કરવા કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી પરષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં રાજકોટ સ્થિત અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે સેમિનાર યોજાયો હતો.
તાજેતરમાં જ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી (આઈ.સી.એ.આર) દ્વારા હાલારી ગધેડાને દેશની નવી ઓલાદ તરીકે રાષ્ટ્રીય માન્યતા મળવાથી અને હાલારી ગધેડીનું દૂધ વિશ્વમાં સૌથી મોંઘા ભાવનું દૂધ હોવાથી સૌરાષ્ટ્રના હાલારી ગધેડાએ સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કર્યું છે પરંતુ પરિસ્થિતિ એવી છે કે હાલારી ગધેડા ની વસ્તી નેટિવ ટ્રેકમાં 650 જેટલી રહી છે અને હવે ખતમ થવાને આરે છે જેથી હાલારી ગધેડાના સંવર્ધન અને સંરક્ષણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પગલાં લેવા માટે નિષ્ણાતો અને સંશોધકો દ્વારા આ સેમિનારમાં ચર્ચા વિચારણા કરી યોગ્ય રણનીતિ ઘડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે સહજીવન અને સેન્ટર ફોર પાસ્ટોરાલીઝમ સંસ્થા દ્વારા છેલ્લા 30 વર્ષથી કચ્છમાં બન્નીની ભેંસ, કચ્છી ખારાઈ ઊંટ, કચ્છી સિંધી અશ્વ, રબારી, ભરવાડ, માલધારી સમુદાય સાથે કાર્યરત છે સહજીવન સંસ્થા દ્વારા પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય સાથે ઘનિષ્ટ સંકલનથી છેલ્લા પાંચ વર્ષથી સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, દ્વારિકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ જિલ્લાના માલધારીઓ સાથે દેશી પશુ ઓલાદોની માન્યતા અને સંવર્ધન, બકરી અને ગધેડાના દૂધની બજાર વ્યવસ્થા ઘેટાના ઉન અને પ્રોડક્ટ પશુ આરોગ્ય માલધારીઓના બ્રીડર્સ એસોસિયન બનાવવા વગેરે પ્રક્રિયા હાથ ધરાય છે. બકરીના દૂધને માર્કેટિંગ કરવા વિવિધ પ્રોડક્ટ બનાવવા પ્રયાસો થયા છે પરિણામ સ્વરૂપ સુરેન્દ્રનગર દૂધ સહકારી સંઘ સંચાલિત સુરસાગર ડેરી દ્વારા કલેક્શન અને અમૂલ દ્વારા માર્કેટિંગ કરવા માટે પ્રાથમિક તબક્કાની તૈયારી કરવામાં આવી છે. પશુપાલન વિભાગ-ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ બકરાના દૂધની ડેરી ની સ્થાપના માટે નાણાકીય સહયોગ મળે એ માટે એ તૈયાર કરવામાં આવી છે જે ટૂંક સમયમાં પશુપાલન વિભાગ ને રજુ કરવામાં આવશે દરમ્યાન બકરીના દૂધની એક નવી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે જેનું આ કાર્યક્રમમાં લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રના વિચારતા માલધારી સમુદાયોના સર્વાંગી વિકાસની લાંબાગાળાની રણનીતિ ઘડવાના આયોજન સાથે મુખ્યત્વે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં માલધારી સમુદાયોની સ્પષ્ટ વ્યાખ્યા નક્કી કરી માલધારીઓ અને તેમના પશુધનની અલગથી વસ્તી ગણતરી કરવા ઉપરાંત જરુરી નવી યોજનાઓ બનાવવા કેન્દ્ર સરકાર સાથે મસલત કરવી એ આ સેમિનારનું મુખ્ય ઉદ્દેશ હતો. આ સેમિનારમાં કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી પરષોત્તમ રૂપાલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સેમિનારની સાથે સાથે કચ્છ-સૌરાષ્ટ્રના માલધારીઓની સંસ્કૃત જીવનશૈલીને આવરી લેતું માલધારી એક્ઝિબિશન પણ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. વિચરતા માલધારી સમુદાયો અને તેમના પશુધનની વિવિધ પ્રોડક્ટ જેવી કે કેમલ મિલ્ક પ્રોડક્ટ, બકરીના દૂધની પ્રોડક્ટ ઘેટાના ઉનની પ્રોડક્ટ વગેરે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ સેમિનારમાં સુરેન્દ્રનગર, દ્વારિકા, જામનગર, જુનાગઢ, રાજકોટ અને કચ્છ જિલ્લાના 150 જેટલા માલધારી ભાઈ-બહેનો ઉપરાંત આમંત્રિત મહેમાનો સહિત આશરે 200 લોકો ઉપસ્થિત રહ્યા હતા.