રોમાનિયા, રશિયા અને શ્રીલંકા ઉપરાંત વિવિધ અલગ અલગ ચાર રાજ્યોની નાટ્ય કૃતિઓ રજુ થશે
ભારત સરકારશ્રીના સાંસ્કૃતિક મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય, નવી દિલ્હી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૩ થી ૧૯ ફેબ્રુઆરી,૨૦૧૯ દરમ્યાન રાજકોટના આંગણે ૨૦માં “ભારત રંગ મહોત્સવ”-૨૦૧૯નું ભવ્ય અને રંગારંગ આયોજન કરવામાં આવનાર છે. રાજકોટના રૈયા રોડ પર સ્થિત પૂ. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય સ્તરના આ “ભારત રંગ મહોત્સવ”માં ભારતમાંથી કુલ ચાર અલગ અલગ નાટ્ય સંસ્થાઓ અને વિશ્વ કક્ષાના ત્રણ કલા મંડળો રશિયા, રોમાનિયા અને શ્રીલંકામાંથી ભાગ લેવા પધારી રહયા છે. આ કલા મંડળો પોતપોતાની નાટ્ય કૃતિઓ પ્રદર્શિત કરી સૌ કલાપ્રેમીઓના મન જીતી લેશે, તેમ માન. મેયર બીનાબેન આચાર્યે જણાવ્યું હતું.
માન મેયરશ્રી બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પત્રકાર પરિષદમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયના એસોસિએટ પ્રોફેસર અભિલાષ પિલ્લે, નાયબ કમિશનર ચેતન નંદાણી વગેરે ઉપસ્થિત રહયા હતાં.
મેયરએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયમાં એડમિશન લેવું બહુ અધરું છે, તેને પાસ કરીને નીકળવું મુશ્કેલ છે. સામાન્યરીતે આપણે ડ્રામા જોવા જવું હોય ત્યારે આપણે રૂપિયા ૪૦૦-૫૦૦ ખર્ચીએ છીએ, જયારે આપણે ૧૩ થી ૧૯ ફેબ્રુઆરી દરમ્યાન જાહેર જનતા માટે ફ્રી માં ડ્રામાનું આયોજન કરેલ છે. રાજકોટની જનતાને નમ્ર અપીલ કે આ રંગ મહોત્સવને સફળ બનાવે તેવી આશા રાખીએ.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, રાજકોટ માટે સૌ પ્રથમ “ભારત રંગ મહોત્સવ” નં આયોજન કરેલ છે. આ માધ્યમથી રાજકોટના નાના બાળકો સુધી સંસ્કૃતિ પહોંચાડવામાં આવશે. આ પહેલથી આપણા બાળકોને નવી પહેલ મળશે. સ્માર્ટ સિટી સાથે આપણી સંસ્કૃતિ પણ જાળવવીએ આપણી ફરજ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ ઓડીટોરીયમનો પણ ચાર્જ વસુલ કરવામાં આવે છે. રાજકોટના યુવાઓને આ પહેલ ગમશે. બધા આર્ટિસ્ટસાત દિવસ રાજકોટ રોકશે, કોઈને પણ આર્ટિસ્ટને મળવું હશે તો દિવસે પણ મળી શકશે, અને આ ડ્રામા જાહેર જનતા માટે ફ્રી રાખવામાં આવે છે.
રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયના એસોસિએટ પ્રોફેસરશ્રી અભિલાષ પિલ્લેએ પત્રકારોને વધુ માહિતી આપતા જણાવેલું કે, રાજકોટ, ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં આવેલ છે, આ શહેર ઐતિહાસિક જગ્યાઓ અને અહીની સમૃધ્ધિ સંસ્કૃતિ અને ભારતના શ્રેષ્ઠ ટુરીસ્ટ ડેસ્ટીનેશનમાં સામેલ કરે છે. આ શહેરની ઐતિહાસિક મહત્વની વાત કરીએ તો મહાત્મા ગાંધીજીનું બાળપણ રાજકોટમાં વીત્યું છે અને તેમની ૧૫૦મી વર્ષગાંઠનાં ઉપલક્ષ્યમાં આ મહોત્સવમાં ૪ ખાસ નાટકો સામેલ કરવામાં આવ્યા છે, જે મહાત્મા ગાંધીના સિદ્ધાંતો અને તેમના જીવન પા આધારિત છે. NSD પહેલા માત્ર દિલ્હીમાં જ હતી જયારે હવે ભારતભરમાં ત્રણ જગ્યાએ બ્રાંચ ખોલવામાં આવી છે.
આ મહોત્સવના પાસ જનતા માટે ફ્રી રાખવામાં આવ્યા છે. જેનું વિતરણ તારીખ: ૧૦-૦૨-૨૦૧૯ થી શરૂ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાનાં અમીન માર્ગ પર આવેલ સિવિક સેન્ટર અને શ્રોફ રોડ પર આવેલ લાઇબ્રેરીએથી સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ વાગ્યા દરમ્યાન અને સાંજે ૪:૩૦ થી ૭:૦૦ વાગ્યા સુધી વાગ્યા સુધી વિતરણ કરવામાં આવશે. ઉપરાંત નાટક પૂરું થયે ત્યાંથી પણ આગળનાં દિવસના નાટકના પાસ મેળવી શકશે, અને ડેઈલી પાસ વિતરણ કરવામાં આવશે.
ભારત રંગ મહોત્સવ (BRM) ની યાત્રા
વાર્ષિક થીયેટર ફેસ્ટીવલ ભારત રંગ મહોત્સવ (BRM) નું આયોજન રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (NSD) કરે છે. દેશભરમાં થીયેટરની પ્રગતિ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે બે દાયકા પહેલા આ મહોત્સવની શરૂઆત ડૉ.રામગોપાલ બજાજ દ્વારા કરવામાં આવી હતી. મૂળભૂત રીતે આ એક એવો રાષ્ટ્રીય મહોત્સવ છે જે એશિયાની તમામ નાટ્ય કૃતિઓનું પ્રદર્શન કરે છે. BRM સમયની સાથે એક આંતરરાષ્ટ્રીય મંચ બનીને આગળ આવ્યું છે, જે દુનિયાભરના થીયેટર ગ્રુપને હોસ્ટ કરે છે, અને હવે એશિયાનું સૌથી મોટું થીયેટર ફેસ્ટીવલ બન્યો છે. અત્યાર સુધી BRMનું નવી દિલ્હી ખાતે આયોજન થતું રહ્યું છે, અને ભારતના બધા જ રાજ્યોની યાત્રા કરેલ છે. જેમાં 1787 નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે અને એ હજારો પ્રેક્ષકોના દિલમાં વસી ગયેલ છે, જે હૃદય શ્રેષ્ઠ વાર્તાઓ અને શ્રેષ્ઠ પ્રસ્તુતિઓ માટે સાક્ષી છે.
BRM નાં ૨૦માં સત્રમાં તમામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રસ્તુતિઓ સમાવવામાં આવેલ છે. આની સાથે બધી સંબધિત ધટનાઓ જેમ કે, ‘ડાયરેક્ટર મીટ’, ‘લીવીંગ લેજેન્ડ’ અને ‘માસ્ટર ક્લાસ’ વિગેરે,,, ૨૦માં ભારત રંગ મહોત્સવ દરમ્યાન અન્ય શહેરોમાં પણ સમાંતર મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, જેમ કે, દિબ્રુગઢ (આસામ), વારાણસી (ઉતર પ્રદેશ), રાંચી (ઝારખંડ), મૈસુર (કર્ણાટક) અને રાજકોટ (ગુજરાત) વિગેરે શહેરોમાં આયોજન કરવામાં આવશે.
રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (NSD) નાં સંદર્ભમાં
નેશનલ સ્કુલ ઓફ ડ્રામા દુનિયાના સૌથી અગ્રણી થીયેટર તાલીમ સંસ્થાઓમાંથી એક છે અને ભારતમાં આ પ્રકારની પેહલી સંસ્થા છે. ૧૯૫૯માં સંગીત નાટ્ય એકેડમીની સ્થાપના પોતાના એક રંગરૂપથી કરવામાં આવી હતી. ૧૯૭૫માં આ એક સ્વતંત્ર સંસ્થા બની અને સોસાયટી રજીસ્ટ્રેશન અધિનિયમ ૨૧ માં એક સ્વાયત સંસ્થાના રૂપમાં રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયની સ્થાપના કરી હતી, જેને ભારત સરકારની સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સંપૂર્ણ નાણાં પુરા પાડવામાં આવે છે. આ થીયેટરના અલગ અલગ પક્ષો પર આધારિત ૩ વર્ષના પ્રશિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવતો, જેના સિદ્ધાંતો પર વધારે ધ્યાન આપવામાં આવે છે. NSD નાં બે પ્રદર્શન વિંગ છે, રેપર્ટરી કંપની અને થીયેટર ઇન એજ્યુકેશન કંપની (TIE) જેની શરૂઆત ક્રમશ: ૧૯૬૪ અને ૧૯૮૯ માં થઇ હતી.
કલા અને થીયેટર માનવીય ભાવનાઓને પ્રસ્તુત કરવાનું સૌથી પ્રાચીન અને સશક્ત માધ્યમ છે. જે તમામ પ્રકારની લૌકિક સીમાઓને ખારિજ કરી દયે છે. ભારત રંગ મહોત્સવ ૨૦મા સત્રમાં પ્રવેશ કરવા જઈ રહેલ છે. જે અનુસંધાને બહેતરીન નાટકોની પસંદગી કરવાનું નકી કરવામાં આવ્યું હતું. આ માટે ૯૬૦ એન્ટ્રીમાંથી સૌથી સારા નાટકો પસંદ કરાયા છે. ભારત રંગ મહોત્સવ યુવા પ્રતિભાઓને મંચ પુરો પાડે તેવી અપેક્ષા સાથે યુવાઓને આગળ ધપવા આ મંચના માધ્યમથી પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવી રહયું છે.
“થીયેટર” એક એવી કલા છે જેનો ઉત્સવ સમગ્ર દુનિયામાં મનાવવામાં આવે છે. નાટકના માધ્યમથી કલાપ્રેમી લોકોને એકબીજાની નજીક લાવવા ઉપરાંત વધુ ને વધુ લોકો નાટ્ય કલાને પ્રોત્સાહન આપે અને તેને પસંદ કરતા થાય તેવો આ નમ્ર પ્રયાસ છે. આ પ્રયાસના ભાગરૂપે પુરા દેશમાં આ ફેસ્ટીવલનો વિસ્તાર કર્યો છે જેથી કરીને વધુ ને વધુ લોકો સુધી પહોંચી શકાય. ભારત રંગ મહોત્સવ હરહંમેશ બેહદ સફળ મહોત્સવ બની રહયો છે અને તેને લોકોએ ખુબ જ પસંદ કરેલ છે. લોકો તેનાથી અત્યંત આકર્ષિત થતા રહયા છે. સ્વાભાવિકરીતે જ એવું પણ બની શકે છે કે, આ નાટ્ય મહોત્સવમાં પ્રથમ જ વખત નાટક જોવા આવનારા લોકો પણ સામેલ થશે. આ નવોદિતો પણ આ કલાને ભરપુર માને અને તેને પસંદ કરે તેવી અપેક્ષા છે.