વલસાડ ST વિભાગીય કચેરી ખાતે ઓપન હાઉસ સાથે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સેમિનાર યોજાયો. જેમાં ‘‘જોયફૂલ માઇન્ડ’’ના વિષય પર જીવન જીવવાની કળા વિશે કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વલસાડ એસ. ટી. વિભાગીય કચેરી ખાતે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ 2025 અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા સેશનમાં કર્મચારીઓના નાણાકીય સહિતના પ્રશ્નો બાબતે ઓપન હાઉસ પણ રાખવામાં આવ્યું હતું. અકસ્માતોને રોકવા માટે લેવામાં આવતા સલામતીના પગલા વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ સાથે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા વર્ષની ઉજવણીના ભાગ રૂપે વિભાગીય કચેરી ખાતે મોટિવેશનલ ટ્રેનર & કાઉન્સીલર ગૌરાંગ પટેલ દ્વારા ‘‘જોયફૂલ માઇન્ડ’’ના વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડ્રાયવરો સહિત કર્મચારીઓને સજાગતા સાથે રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરી જીવનરક્ષાનું મહત્વ સમજાવ્યું હતું.
સાથે સાથે જીવનના મુલ્યોનું જતન કરવું અને તેને માટે હકારાત્મક સાથે મદદરૂપ થવાનો ભાવ કેળવવો તથા ફક્ત પોતાને માટે નહીં પણ અન્યોને માટે પણ જીવન જીવી લઈએ ના સૂત્રને ચારિતાર્થ કરવુ જોઈએ જેથી સારા અને સુદ્રઢ સમાજનું નિર્માણ થાય અને ઉત્તમ કક્ષાનું પરિબળ પ્રાપ્ત થતાં સર્વશ્રેષ્ઠ બની શકાય. આમ, જીવન જીવવાની કળા અદભુત રીતે રજુ કરી હતી. આ પ્રસંગે વિભાગીય નિયામક એન.એસ.પટેલ દ્વારા કામદારોમાં હકારાત્મકતા સાથે રોજીંદા જીવનની કામગીરી તથા પોતાના વ્યવહારમાં ધીરજ અને શાંતિપૂર્વક વ્યવહારુ બનીને જીવનના મૂલ્યોનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલયના કર્મચારીઓ સહિત લગભગ 250 કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સેમિનારના બીજા સેશનમાં એસ. ટી.વલસાડ વિભાગથી અવસાન, રાજીનામું, ફારેગ, નિવૃત થયેલા કર્મચારીઓના નાણાકીય સહિતના પ્રશ્નો બાબતે ઓપન હાઉસ રાખવામાં આવ્યું હતું જેમાં 26 કર્મચારીઓ પ્રત્યક્ષ હાજર રહ્યા હતા. જેમના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવવા માટે વિભાગીય નિયામક એન.એસ.પટેલ દ્વારા જરૂરી દસ્તાવેજો રજુ કરવા સમજ આપી માર્ગદર્શન આપવામાં આપી તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. આભારવિધિ વિભાગીય યાંત્રિક ઇજનેર એન.એફ.સિંધીએ કરી હતી.