ફોજદારી, ચેક રિટર્ન, બેન્ક લેણા, મોટર અકસ્માત, લગ્ન વિષયક, મજુર અદાલત, જમીન સંપાદન, રેવન્યુ જેવા કેસોનો સમાવેશ
તા.૯મી માર્ચે યોજાનાર રાષ્ટ્રીય લોક અદાલત અન્વયે બહોળી પ્રસિઘ્ધ થાય તથા વધુને વધુ પક્ષકારો તેનો લાભ લઈ શકે તે હેતુસર રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજય કાનુની સેવા સતા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનુની સેવા સતા મંડળ, રાજકોટ દ્વારા આગામી તા.૯મી માર્ચના રોજ રાજકોટ જિલ્લાની રાજકોટ જિલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. લોક-અદાલતમાં દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલા કેસો હાથ પર લેવામાં આવનાર છે.
લોક-અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, ચેક રીટર્ન અંગેના કેસો, બેન્ક લેણાના કેસો, મોટર અકસ્માત વળતરને લગતા કેસો, લગ્નવિષયક કેસો, મજુર અદાલતના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો, રેવન્યુ કેસીસ, દિવાની પ્રકારના કેસો તેમજ અન્ય સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવનાર છે.
જિલ્લા કાનુની સેવા સતા મંડળ, રાજકોટના ચેરમેન તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કુ.ગીતા ગોપી દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે કે, લોક અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ કર્તા છે. લોક અદાલતમાં તમામ પક્ષકારોને સક્રિય ભાગ લેવા તથા જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક અદાલતમાં મુકવા માંગતા હોય તેઓ તેઓના વકીલ મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી તેઓનો કેસ લોક-અદાલતમાં મુકવા કાર્યવાહી હાથધરી શકે છે. જેથી સદર લોક અદાલતનો મહતમ લાભ લઈ વધુને વધુ કેસો લોક અદાલતમાં મુકાવી, લોક અદાલતને સફળ બનાવવા અનુરોધ કરેલ છે.