ભારતભરની ૬ હજાર કંપનીઓમાંથી રાજકોટના મેટોડા સ્થિત રીન્યુએબલ એનર્જી ક્ષેત્રની કંપનીએ મેદાન માર્યું
કંપનીએ બનાવેલા સ્વદેશી એસી સોલાર પંપ કંટ્રોલરનાં વપરાશથી ૯ હજારથી વધુ ખેડુતોએ મેળવ્યા અનેકવિધ ફાયદા: અબુધાબીમાં આઈએસએનાં આંતરરાષ્ટ્રીય સમારોહમાં સૌર વોટર પમ્પિંગ સિસ્ટમની લાક્ષણિકતાઓ રજુ કરવા વીઆરજી એનર્જીને સમય અપાયો
રાજકોટનાં મેટોડા સ્થિત વીઆરજી એનર્જી કંપનીને ઉધોગ સાહસિકતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભારતભરની રીન્યુએબલ એનર્જી ક્ષેત્રની ૬ હજાર કંપનીઓ માંથી વીઆરજી એનર્જી કંપનીએ મેદાન મારીને રાજકોટનું ગૌરવ વધાર્યું છે. આ કંપનીના સ્વદેશી એસી સોલાર પંપ કંટ્રોલરનાં વપરાશથી ૯ હજારથી વધુ ખેડુતોએ અનેક ફાયદાઓ મેળવ્યા છે. ઉપરાંત અબુધાબી ખાતે યોજાનાર આઈએસએનાં આંતરરાષ્ટ્રીય સમારોહમાં સૌર વોટર પમ્પિંગ સિસ્ટમની લાક્ષણીકતાઓ રજુ કરવા આ કંપનીને સમય ફાળવવામાં આવ્યો છે.
વીઆરજી એનર્જી કંપનીનાં ડિરેકટર બિઝનેશ ડેવલોપમેન્ટ વીજય રાઠોડ, ડિરેકટર ફાયનાન્સ ઘનશ્યામ કપુરીયા અને ડિરેકટર ટેકનીકલ રીતેશ કામાણીએ વિગતો આપતા જણાવ્યું કે, દેશભરમાં ઉધોગ સાહસિકતાની પ્રવૃતિને પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીય સાહસિકતા પુરસ્કારોની શરૂઆત કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૮ માટેના આ પુરસ્કાર આપવા માટે ૪ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ, આમ્બેડકર ઈન્ટરનેશનલ ભવન, નવી દિલ્હી ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેશ પ્રભુ, કેન્દ્રીય વાણિજય તેમજ નાગરિક ઉડ્ડયન મંત્રી અને અનંત કુમાર હેગડે કૌશલ વિકાસ તેમજ ઉધોગ સાહસિક રાજયમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ પુરસ્કારોની વિવિધ શ્રેણીઓમાં સમગ્ર ભારતમાંથી લગભગ ૬૦૦૦ અરજીઓ આવી હતી. વીઆરજીને રીન્યુએબલ એનર્જી તેમજ વેસ્ટ મેનેજમેન્ટ શ્રેણીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ આ રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
વીઆરજી ઉત્પાદનોનો ઉપયોગ કરીને ખેડુતો અગાઉના એક-પાક-પ્રતિ-વર્ષથી વધારીને ત્રણ-પાક-પ્રતિ-વર્ષ સુધી વધારવામાં સફળ થયા છે. જેથી તેમની આવક બમણી થઈ છે. અત્યાર સુધીમાં વીઆરજી લગભગ ૯૦૦૦થી વધુ ખેડુતોને લાભ આપી ચુકયુ છે. વીઆરજી કંપનીની શરૂઆત નવ લાખ રૂપિયાના પ્રારંભિક મુડી રોકાણ સાથે વર્ષ ૨૦૧૧માં થઈ હતી. પ્રારંભિક વર્ષમાં આવ રૂ.૪૨ લાખથી વધીને વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ.૩૪ કરોડ થઈ ગઈ છે. કંપનીનો લક્ષ્ય વર્ષ ૨૦૩૬ સુધીમાં રૂ.૬૫૦૦ કરોડનું ટર્નઓવર પ્રાપ્ત કરવાનો છે.
વીઆરજી આઈએસએ (આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સ) પ્રવૃતિઓમાં ખુબ જ સક્રિય સહભાગી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાન્દેના સંયુકત પ્રયાસથી આઈએસએની રચના કરવામાં આવી હતી. ૩૦ નવેમ્બર ૨૦૧૫ પેરિસ ઘોષણામાં ટેકનોલોજીના ખર્ચ, સોલાર પ્રોજેકટ માટેની લોનનો ખર્ચ ઘટાડવા તેમજ સંયુકત પ્રયત્નોમાં વધારો કરવા માટે આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સની સ્થાપના કરવામાં આવી હતી.
૨૦૩૦ સુધીમાં મોટાપાયે સૌર ઉર્જાની જરૂરીયાત માટે ૧૦૦૦ અબજ અમેરિકન ડોલરથી વધુનું રોકાણ કરવાનો લક્ષ્ય છે. આઈએસએમાં સંભવિત ૧૨૧ સભ્ય દેશો છે. જેમાં અત્યાર સુધીમાં ૭૧ દેશોએ આઈએસએ ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આઈ.એસ.એ. મેમ્બર દેશોના પ્રધાનો, પ્રતિનિધિઓ સામે ખાદ્ય સુરક્ષા સંકટને દુર કરવા માટે વીઆરજી એનર્જીને સૌર વોટર પમ્પિંગ સિસ્ટમની લાક્ષણિકતાઓ અને મહત્વ પ્રસ્તુત કરવા આમંત્રિત કરવામાં આવ્યું છે અને આ ભારત માટે એક ગૌરવનો ક્ષણ છે. આ કાર્યક્રમ ૧૪-૧૬ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ અબુ ધાબી (યુએઈ)માં યોજવામાં આવશે.
ફિલ્મ ‘સ્વદેશ’માંથી મળી પ્રેરણા: રૂ.૯ લાખનાં મુડી રોકાણ બાદ હાલ રૂ.૩૪ કરોડની વાર્ષિક આવક
વર્ષ ૨૦૦૪માં સ્વદેશ ફિલ્મ જોયા બાદ વિજય રાઠોડે દેશનાં અર્થતંત્રને વધુ મજબુત બનાવવા તેમજ ખેડુતોની મુશ્કેલી દુર કરવાનો નિર્ધાર કર્યો હતો. તેમની ટીમે રૂ.૯ લાખની મુડીથી કંપનીની શરૂઆત કરી હતી. બાદમાં આ કંપનીએ પ્રારંભિક વર્ષમાં રૂ.૪૨ લાખની વાર્ષિક આવક મેળવી હતી. હાલ કંપનીની વાર્ષિક આવક રૂ.૩૪ કરોડે પહોંચી છે. કંપનીનો લક્ષ્યાંક વર્ષ ૨૦૩૬ સુધીમાં રૂ.૬૫૦૦ કરોડનું ટર્નઓવર પ્રાપ્ત કરવાનો છે.
વધુમાં દેશમાં તે સમયે ડીસી સોલાર પંપનું ચલણ હતું ત્યારે ડીસી સોલારના ઉપયોગથી ભારતીય હુંડિયામણ વિદેશમાં મોટાપાયે ધકેલાતું હતું. બીજા નંબરમાં ડીસી સોલાર પંપમાં સર્વિસની પણ સમસ્યા હતી. આવા સમયે ટીમે તકનીકી ક્ષમતાઓ હાથ ધરીને સંશોધનનાં અંતે સૌપ્રથમ સ્વદેશી એસી સોલાર પંપ કંટ્રોલરનું નિર્માણ કર્યું હતું.