- કારચાલક માટે આનંદો…
- ટોલ પ્લાઝા ઉપર ટ્રાફિક ઘટાડવા ખાનગી વાહનો માટે પાસ સિસ્ટમ અમલમાં લાવવા અંગે સરકારની વિચારણા: નીતિન ગડકરીની જાહેરાત
સરકાર ટોલ ટેક્સ અંગે નવી યોજનાઓ બનાવી રહી છે. આ પછી, લોકોને રોકાઈને ટોલ ચૂકવવો પડશે નહીં. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ માહિતી આપી છે. ગડકરીએ કહ્યું કે હવે ખાનગી વાહનો માટે પાસ જારી કરવામાં આવશે. સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ખાનગી વાહનો માટે માસિક અને વાર્ષિક અને લાઈફટાઇમ ટોલ પાસ પર વિચાર કરી રહી છે.
ગડકરીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર કુલ વસૂલાતમાં ખાનગી વાહનોનો હિસ્સો માત્ર 26 ટકા છે. તેમણે બુધવારે ’બેરિયર લેસ ટોલિંગ’ પર એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ટોલ આવકનો 74 ટકા હિસ્સો કોમર્શિયલ વાહનોમાંથી આવે છે. અમે ખાનગી વાહનો માટે માસિક કે વાર્ષિક પાસ રજૂ કરવાનું વિચારી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે કુલ ટોલ વસૂલાતમાં ખાનગી વાહનોનો હિસ્સો માત્ર 26 ટકા છે, તેથી સરકારને કોઈ નુકસાન થશે નહીં. તેનો ઉદ્દેશ્ય ટ્રાફિક ભીડ ઘટાડવાનો અને હાઇવે પર મુસાફરી કરેલા ચોક્કસ અંતરના આધારે ચાર્જ વસૂલવાનો છે.
ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે શરૂઆતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ફાસ્ટેગ સાથે વધારાની સુવિધા તરીકે સીમલેસ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ વર્તમાન ટોલ કલેક્શન સિસ્ટમ કરતાં વધુ સારી રહેશે.
ગયા વર્ષે જુલાઈમાં, ગડકરીએ કહ્યું હતું કે કર્ણાટકમાં નેશનલ હાઇવે 275 ના બેંગલુરુ-મૈસુરુ વિભાગ અને હરિયાણામાં નેશનલ હાઇવે-709 ના પાણીપત-હિસાર વિભાગ પર જીએનએસએસ -આધારિત વપરાશકર્તા સંદર્ભે એક પાયલોટ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે.
નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન ટોલ પ્લાઝા પર વાહનોનો સરેરાશ રાહ જોવાનો સમય 8 મિનિટ હતો.
નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22 દરમિયાન ફાસ્ટેગની રજૂઆત સાથે, વાહનોનો સરેરાશ સમય ઘટીને 47 સેક્ધડ થઈ ગયો છે. ખાસ કરીને શહેરોની નજીકના ગીચ વસ્તીવાળા નગરોમાં, રાહ જોવાના સમયમાં નોંધપાત્ર સુધારો થયો છે. છતાં, પીક અવર્સ દરમિયાન ટોલ પ્લાઝા પર કેટલાક વિલંબ થાય છે.