ખેલાડીઓ, ટીમ ઓફિસિયલ્સ, વી.આઈ.પી., પ્રેક્ષકો માટેની ગ્રાઉન્ડ વ્યવસ્થાપન અંગે સૂચનો આપતા અધિકારીઓ
રાજકોટ ખાતે હોકી તેમજ સ્વિમિંગની નેશનલ ગેમ્સ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ રાજકોટ ખાતે વેન્યુ રેકી માટે આવી પહોંચી છે. રાજકોટ ખાતે આવી પહોંચેલી ટીમે મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, સરદાર પટેલ સ્વિમિંગ કોમ્પ્લેક્ષ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે સ્થળ વિઝીટ કરી ખેલાડીઓ, ટીમ ઓફિસિયલ્સ, વી.આઈ.પી.માટે ગ્રાઉન્ડ વ્યવસ્થા, કેટરિંગ, ઉપરાંત મીડિયા ગેલેરી, પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા સહિતની માહિતી મેળવી આનુસંગિક સૂચનો કર્યા હતાં.
ખેલાડી તેમજ ટીમ ઓફિસિયલ્સ ગ્રાઉન્ડ સુધી સરળતાથી પહોંચી શકે તેમજ ગ્રાઉન્ડ પર તેમની ભોજનની વ્યવસ્થા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વીઆઈપી લોકોની બેઠક વ્યવસ્થા, કવરેજ માટે મીડિયા ગેલેરી સહિતની વ્યવસ્થા અંગે સુનિયોજિત કરવા અધિકારી ઓએ જણાવ્યું હતું.રાજકોટ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વતી એસ.સી.શર્મા , નીતીનકુમાર જેસ્વાલ , નિવાસ માલેકર , તેમજ મનીષ કુમાર પધાર્યા છે.
આ તકે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સ્વર્ણિમ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ ડો. અર્જૂનસિંહ રાણા, વેન્યુ ઇન્ચાર્જ તેમજ જિલ્લા પુરવઠા અધિકારી અવની હરણ, સ્પોર્ટ્સ ડેવલોપમેન્ટ અધિકારી રમા મદ્રા, વેન્યુ મેનેજર પૂનમબેન સહિત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર, વેન્યુ મેનેજમેન્ટ એજન્સીના અધિકારી ઉપસ્થિત રહી ટીમને આનુસંગિક વ્યવસ્થાની માહિતી પુરી પાડી હતી.