યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીલકંઠ વિદ્યાલય દ્વારા સમગ્ર રાજ્યમાં પહેલી નેશનલ ફ્લેગમાર્ચ યોજાઇ
યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી અને નીલકંઠ વિદ્યાલય દ્વારા સ્વતંત્રપર્વ પૂર્વે લોકોમાં દેશભક્તિનની આહલેક જગાવવા આજે મોરબીમાં ૨૨૫૦ ફૂટ લાંબા રાષ્ટ્ર ધ્વજ સાથે નેશનલ ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી જે શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી, આ નેશનલ ફ્લેગ માર્ચ રાજ્યમાં પ્રથમ વાર યોજાઈ હોઈ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવા પ્રયાસો હાથ ધરાયા છે.
મોરબી શહેરમાં આજે અનોખો ઇતિહાસ રચાયો છે, યુવાનોમાં રાષ્ટ્ર ભાવના જાગૃત થાય તે માટે સતત પ્રયત્નશીલ યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીલકંઠ વિદ્યાલય ગ્રુપ દ્વારા સમગ્ર રાજ્યમાં પહેલી વાર કહી શકાય તેવી નેશનલ ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી જેમાં ૨૨૫૦ ફૂટ એટલે કે લગભગ પોણો કિલોમીટરની લંબાઈ ધરાવતા રાષ્ટ્રધ્વજની યાત્રા યોજવામાં આવી હતી.
નેશનલ ફ્લેગ માર્ચ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે મોરબીમાં લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં રાષ્ટ્રભક્તિની ભાવના જાગૃત કરવાના પ્રયાસરૂપે અમારો નાનકડો પ્રયાસ છે જેમાં આજે ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ પોણો કિલોમીટર લાંબી માનવ સાકળ રચી ૨૧૦૦ ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે નેશનલ ફ્લેગ માર્ચ યોજી હતી.
મોરબીમાં યોજાયેલ આ નેશનલ ફ્લેગમાર્ચ નીલકંઠ વિદ્યાલય રવાપર રોડથી નીકળી નવા બસસ્ટેડ પહોંચી હતી, ત્યાંથી ગાંધીચોક અને બાદમાં રવાપર રોડ થઈ ફરી નીલકંઠ વિદ્યાલય પહોંચી હતી.
નીલકંઠ વિદ્યાલયના દિનેશભાઇ વડસોલિયાએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત યોજાયેલ આ નેશનલ ફ્લેગમાર્ચે ઇતિહાસ રચ્યો છે અને આ માટે અમે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડનો પણ સંપર્ક કરી કીર્તિમાન સ્થાપવા પ્રયાસો કર્યા છે.