સરકારી નીતિઓ અને કોર્પોરેટ જગત સેવાની એક જ દિશામાં સાથે મળી કાર્ય કરે તે આજની નિતાંત આવશ્યકતા છે – રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલી
રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું છે કે, સરકારી નીતિઓ અને કોર્પોરેટ જગત સેવાની એક જ દિશામાં સાથે મળી કાર્ય કરે તે આજની નિતાંત આવશ્યકતા છે.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન ખાતે નેશનલ સી.એસ.આર. કોન્કલેવ- ૨૦૧૯ અંતર્ગત સી.એસ.આર. ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કંપનીઓને સન્માનવાના કાર્યક્રમમાં રાજ્યપાએ જણાવ્યું કે, કોર્પોરેટ જગતની સી.એસ.આર.ની પ્રવૃત્તિઓ વ્યક્તિગત સાથે સમાજને બહેતર બનાવવા માટે ઉપયુક્ત બની રહે છે.
રાજ્યપાલએ જણાવ્યું કે, સમાજના છેવાડે રહેલા માનવી સુધી આ પ્રવૃત્તિઓ પહોંચાડવા માટે આ કંપનીઓ દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તે સરાહનીય છે. આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સમાજના પાછળ રહેલા સમાજ કે વ્યક્તિને સમાજમાં માનભેર જીવવા માટે સક્ષમ બનાવે છે.
તેમણે કહ્યું કે, ગરીબી, અસમાનતા, વંચિતતા, બેકારી જેવા વૈશ્વિક પડકારો સામે ગ્લોબલ કંપનીઓ જે રીતે સામાજિક દાયિત્વ નિભાવે છે તે સરાહનીય છે.
રાજ્યપાલએ જણાવ્યું કે, સમાજના છેવાડાના અને વંચિત છે તેવા લોકોનો હાથ ઝાલી વ્યક્તિ અને સમાજ, ગામને ચિરંતન અને ટકાઉ બનાવવા સી.એસ.આર. પ્રવૃત્તિ ઉપયોગી છે. તે વ્યક્તિ સાથે સમાજ ઉત્કર્ષ માટે પણ જરૂરી છે.
તેમણે કહ્યું કે, ભારતીય સમાજ અગાઉથી સખાવતની પ્રવૃત્તિ કરતો આવ્યો છે ત્યારે આજની કોર્પોરેટ કંપનીઓ પણ પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ સાથે સમાજને ઉપયોગી પ્રવૃત્તિઓ કરે છે જે સમાજને સાચી રાહ બતાવવામાં ઉપયોગી બની રહેશે.
આ અવસરે સસ્ટેઇનેબલ અને ઇમ્પેક્ટફુલ સી.એસ.આર. માટે એપોલો ટાયર્સ અને ચિનાર કેમિકલ્સને અને કોહેસીવ અને સ્ટ્રેટિજિક સી.એસ.આર. પ્રોજેક્ટ માટે ગુજરાત પીપાવાવ લિમિટેડને સી.એસ.આર. એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
રાજ્યપાલના હસ્તે સી.એસ.આર. ના ૭૦ કેસ સ્ટડીને સમાવતી કોફી ટેબલ બુક અને અર્બન પબ્લીક રેસ્ટ રૂમ નામની બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સી.એસ.આર. ઓથોરિટીના સી.ઇ.ઓ. શ્રીમતી ડી.થારાએ પ્રાસંગિક પ્રવચન કરી આજના દિવસે કરેલું મંથન અન્યોને પણ પ્રેરણા પૂરી પાડશે.
આ પ્રસંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એ.એમ. તિવારી, કેન્દ્રીય જાહેર સાહસોના વિભાગના સચિવ મધુકર ગુપ્તા, કેન્દ્રીય વાણિજ્ય વિભાગના સચિવશ્રી જ્ઞાનેશ્વરસિંગ, અતુલ ફાઉન્ડેશનના શ્રીમતી સ્વાતીબેન, જી.એ.સી.એલ. પી.કે.ગેરા તેમજ વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.